રાજકોટ શહેરના બેડી માર્કેટ યાર્ડ સ્થિત ‘કામનાથ ટ્રેડીંગ’ પેઢીમાં છેલ્લા 16 વર્ષથી વહીવટ સંભાળતા અને રણછોડનગરમાં રહેતા જીગરભાઈ સુરેશભાઈ સોરઠીયા સાથે પ્લાસ્ટિકના રો-મટીરીયલ તથા સ્ક્રેપના ધંધામાં ભાગીદારીના નામે રૂ.1,63,29,300ની માતબર રકમની ઠગાઈ આચરવામાં આવી છે. આ ગંભીર બનાવ અંગે ભોગ બનનાર વેપારીએ સુરતના પાલ વિસ્તારમાં ગોવર્ધન સ્કાયલાઈનમાં રહેતા અને ‘વેદાંત ઇક્કો પ્લાસ્ટ’ પેઢી સાથે સંકળાયેલા રાકેશ માંડોત સામે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્લાસ્ટિક સ્ક્રેપના ધંધાના સબંધે સંપર્કમાં આવ્યા હતા ફરિયાદી જીગરભાઈ અને આરોપી રાકેશ માંડોત અગાઉ પ્લાસ્ટિક સ્ક્રેપના ધંધાના સબંધે સંપર્કમાં આવ્યા હતા. ઓગસ્ટ 2025 દરમિયાન આરોપી રાકેશે જીગરભાઈનો સંપર્ક કરી પોતાની ‘વેદાંત ઇક્કો પ્લાસ્ટ’ પેઢીમાં GST સંબંધિત નોટિસ આવી હોવાનું ખોટું બહાનુ રજૂ કર્યું હતું ત્યારબાદ તેણે એવી લાલચ આપી હતી કે જ્યાં સુધી GSTનો પ્રશ્ન ઉકેલાય નહીં ત્યાં સુધી નવું રોકાણ ફરિયાદીની પેઢી કરશે અને મહેનત પોતે કરશે, જેમાં નફામાં 50 ટકા હિસ્સો રહેશે. આ પ્રસ્તાવ હેઠળ GSTથી બચવા તમામ નાણાકીય વ્યવહારો રાકેશ, તેની પત્ની રિંકલબેન જૈન તથા માતા વિમળાબેન જૈનના બેંક ખાતા દ્વારા કરવાનુ નક્કી થયું હતું. પેઢીના માલિકોની સંમતિ મેળવીને જીગરભાઈએ આરોપી ઉપર વિશ્વાસ મૂકીને નાણાં ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું હતું. ફરિયાદીએ કુલ રૂ.2,29,21,300 ચૂકવ્યા હતા આરોપીના કહેવાથી તા.29.08.2025થી તા. 17.04.2026 દરમિયાન જીગરભાઈએ આરોપીની માતા વિમળાબેનના ખાતામાં રૂ.1.37 કરોડથી વધુ, પત્ની રિંકલબેનના ખાતામાં રૂ.44.16 લાખથી વધુ તથા રાકેશ માંડોતના પોતાના ખાતામાં બેંક અને આંગડિયા મારફતે રૂ.47.20 લાખ મોકલી કુલ રૂ.2,29,21,300 ચૂકવ્યા હતા. જેની સામે આરોપીએ માત્ર રૂ.65,92,000નો જ માલ કે હિસાબ પૂરો પાડ્યો હતો. જયારે બાકી નીકળતી રૂ.1.63 કરોડથી વધુની રકમ અંગે ફરિયાદી દ્વારા ઉઘરાણી કરવામાં આવી ત્યારે રાકેશે આ નાણાં શેરબજારમાં હારી ગયાનું બહાનું ધરી ટૂંક સમયમાં નાણાં પરત આપવાની ખોટી ખાતરી આપી હતી. પોલીસે આરોપી રાકેશ માંડોત વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી લાંબો સમય વીતી જવા છતાં અને અગાઉ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં લેખિત અરજી કરવા છતાં આરોપી દ્વારા નાણાં પરત કરવામાં ન આવતા આખરે છેતરપિંડી થઈ હોવાનું સ્પષ્ટ થયું હતું જેથી ભોગ બનનાર જીગરભાઈ સોરઠીયાએ કુવાડવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી રાકેશ માંડોત વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યાર્ડના વેપારી સાથે રૂ.1.63 કરોડની છેતરપિંડી:'રોકાણ તમારૂ અને મહેનત મારી' કહી ફસાવ્યા, રૂ.2.29 કરોડ લીધા બાદ રૂ.65.92 લાખ પરત આપી બાકીના રૂપિયા શેરબજારમાં હારી ગયાનું કહીં હાથ ઊંચા કરી દીધા
📅 Published: September 11, 2026 |
📂 Category: gujarati-news
