નવરાત્રિ માટે AMC એ સસ્તા ભાવે પ્લોટ પધરાવ્યા:ચાંદખેડા, મણિનગર, સિંધુભવન અને ભાડજ વિસ્તાર સહિતના 5 પ્લોટ ટોકન ભાવે ફાળવી દેતા લાખોનું નુકસાન

📅 Published: September 11, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની માલિકીના પ્લોટ ધાર્મિક અને સેવાના નામે સસ્તા ભાવે ભાડે આપી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. છેલ્લા દોઢ મહિનામાં જ ભાજપની સ્ટેન્ડિંગ કમિટીને ચેરમેન દ્વારા ચાંદખેડા, મણિનગર, સિંધુભવન અને ભાડજ વિસ્તારમાં ઉચ્ચક ભાવે 5 પ્લોટની ફાળવણી કરતાં કોર્પોરેશનને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. પોલિસી મુજબ પ્લોટનું બુકિંગ અથવા જાહેર હરાજી કરી ભાડે આપવાથી AMCને લાખો રૂપિયાનો ફાયદો થઈ શકે તેમ હતો, પરંતુ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી મેળવી ભાજપ સાથે સંકળાયેલા લોકોને પ્લોટ સસ્તા ભાવે ભાડે આપી દેવાયા છે. વ્યાયામશાળાના પ્લોટમાં AMCને ₹14 લાખનું નુકસાન
ગત વર્ષે નવરાત્રિમાં વ્યાયામશાળાનો પ્લોટ ₹16 લાખમાં આપવામાં આવ્યો હતો, જ્યારે આ વર્ષે આ જ પ્લોટ માત્ર ₹2.5 લાખમાં ફાળવી દેતા AMCને અંદાજે ₹14 લાખનું નુકસાન થયું છે. 10 સપ્ટેમ્બરના રોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચેરમેન કમલેશ પટેલે ચાંદખેડા વિસ્તારમાં અયોધ્યાનગરી આવાસ પાસે ત્રાગડ ઝુંડાલ ટીપ 72 એફપી 127નો પ્લોટ ચિંતન જાદવ નામના વ્યક્તિને 11 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી નવરાત્રિના રાસ ગરબાના આયોજન માટે ભાડે આપવા માટેની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. પ્રતિ દિવસના ₹21 હજાર (AMC ટેક્સ સાથે) લેખે આપવામાં આવ્યો છે. પીવાના પાણીના ટેન્કરથી લઈ ટોઈલેટવાનની સુવિધા ટોકન ચાર્જથી
પ્લોટમાં ગરબા માટે ન્યુસન્સ ટેન્કરથી પાણીના છંટકાવ માટે પ્રતિ ટેન્કરનો દૈનિક ₹51 ટોકન ચાર્જ, પીવાના પાણીના પ્રતિ ટેન્કરનો દૈનિક ₹51 ટોકન ચાર્જ, જમીનના લેવલિંગ કરવા જેશીબી મશીનનું દૈનિક ₹1000 ટોકન ભાડું, સફાઈનો દૈનિક ₹101 ટોકન ચાર્જ, કન્ટેનરનો પ્રતિ દિન ₹101 ટોકન ચાર્જ, 6 મોબાઈલ ટોઇલેટવાનની માંગણી પૈકી શક્ય હોય તે પ્રમાણે મોબાઈલ ટોઇલેટવાનની સુવિધા પ્રતિદિન ₹251ના ટોકન ચાર્જથી આપવામાં આવી છે. જોકે, કોર્પોરેશનના પ્લોટ ભાડે આપવાની નીતિમાં પ્લોટની સફાઈ જે તે અરજદાર દ્વારા કરાવવાની હોય છે, પરંતુ આ પ્લોટમાં સ્ટેન્ડિંગ કમિટીએ નિયમને ઘોળીને પ્રતિ દિવસ ₹1500 ઓછા ભાવે અને તમામ પ્રકારની સુવિધા પણ ટોકન ભાવથી આપી ફાયદો કરવાવામાં આવ્યો છે. સ્કાય ક્રાફ્ટને ₹30 હજારના ભાડે પ્લોટ આપ્યો
ગોતા વોર્ડમાં TP 301 એફપી 236/1 (SFR) વાળો પ્લોટ પૈકી (15000 વાર) (ઉપલબ્ધ જગ્યા) સ્કાય ક્રાફ્ટ, અમદાવાદને રાસ-ગરબાના આયોજન માટે 5 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી પ્રતિ દિવસ ₹30 હજાર લેખે ભાડે આપવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, 2000 ચો.મીથી વધારે પ્લોટ માટે વધારાના પ્રત્યેક ચો.મી. દીઠ ₹7થી 15 ભાડું અને ભાડાની રકમ જેટલી ડિપોઝિટ ભરવાની હોય છે અને 50 ટકા પ્લોટ પાર્કિંગ માટે ખાલી રાખવાનો હોય છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *