વલસાડ જિલ્લાના પૂર્વ વિસ્તારમાં ચોમાસું જામતાં જ સહ્યાદ્રીની ગિરિકંદરાઓનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠે છે. ડુંગરોમાંથી વહેતાં ઝરણાં અને ધોધ પ્રવાસીઓને કુદરતના ખોળામાં પહોંચ્યાનો અનુભવ કરાવે છે. ધરમપુર તાલુકાના માકડબંધ ગામમાં આવેલો ગણેશ ધોધ પણ આવું જ એક મનમોહક સ્થળ છે. બે ડુંગરોની વચ્ચે ખળખળ વહેતો ધોધ અને આસપાસની લીલીછમ વાદીઓ પ્રવાસીઓને ‘મિની કાશ્મીર’નો અહેસાસ કરાવે છે. એક કિમીની પગદંડી બાદ ધોધનો નયનરમ્ય નજારો
ગણેશ ધોધ ડુંગર વિસ્તારમાં આવેલો હોવાથી અહીં પહોંચવા માટે આશરે એક કિમીની કુદરતી પગદંડી પરથી પસાર થવું પડે છે. ચોમાસાના વરસાદી માહોલમાં આ ટ્રેક પ્રવાસીઓ માટે રોમાંચક અનુભવ બની રહે છે. વરસાદ વધતાં ધોધમાં પાણીનો પ્રવાહ પણ વધે છે, જેના કારણે આસપાસનું કુદરતી સૌંદર્ય વધુ આકર્ષક બની જાય છે. ‘પાવલી’ અને ‘કુંડા ધોધ’ નામથી પણ ઓળખાતો હતો
માકડબંધના સ્થાનિક કિરણભાઈના જણાવ્યા મુજબ, તેમના પૂર્વજો આ ધોધને ‘પાવલી ધોધ’ તરીકે ઓળખાવતા હતા. ધોધની નીચેનો ભાગ કોઠી જેવો આકાર ધરાવતો હોવાથી તેને ‘કુંડા ધોધ’ તરીકે પણ ઓળખવામાં આવતો હતો. સમય જતાં ગામલોકોમાં આ સ્થળ ‘ગણેશ ધોધ’ તરીકે પ્રચલિત થયું. ધોધ સાથે સ્થાનિક આદિવાસી સમાજની આસ્થા પણ જોડાયેલી છે.
વલસાડથી ધરમપુર થઈને માકડબનનો રસ્તો
ગણેશધોધ સુધી પહોંચવા માટે વલસાડથી ધરમપુર થઈને માકડબનનો રસ્તો સરળ પડે છે. વલસાડ બસ સ્ટેન્ડથી ધરમપુર વચ્ચે આશરે 34 કિમીનું અંતર છે, જ્યારે ધરમપુરથી માકડબન વચ્ચે આશરે 12 કિમીનું અંતર છે. આમ વલસાડથી માકડબન વચ્ચે 46 કિમીનું અંતર છે. એસટી બસ, કાર અને બાઈક દ્વારા આ રસ્તેથી સરળતાથી ગણેશધોધ સુધી પહોંચી શકાય છે. પ્રવાસીઓની ભીડથી સ્થાનિકોને રોજગારી
ગણેશ ધોધની લોકપ્રિયતા વધતાં ચોમાસાના ત્રણ મહિના દરમિયાન સ્થાનિકો માટે રોજગારીની તકો ઊભી થઈ છે. ખાસ કરીને શનિ-રવિ અને જાહેર રજાઓ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોવાથી લારી-ગલ્લા ચલાવતા સ્થાનિકોને આવક થાય છે. પ્રવાસીઓના વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા થવાથી સ્થાનિકોને આવકનો વધુ એક સ્ત્રોત પણ મળ્યો છે. માવલી માતા સાથે જોડાયેલી આસ્થા
માકડબંધ ગામમાં મુખ્યત્વે કુકણાં આદિવાસી સમાજની વસ્તી છે. અહીંના લોકો પ્રકૃતિ, ડુંગર દેવ અને ગ્રામ દેવતાઓની પરંપરાગત રીતે પૂજા કરે છે. ગણેશ ધોધની ઉપરની તળેટીમાં ચોમાસાની શરૂઆત અથવા પાક લણણીના સમયે સ્થાનિકો પ્રકૃતિ અને જળદેવતાનો આભાર માનવા માવલી માતાની વિશેષ પૂજા કરે છે. સ્વચ્છતા જાળવવા ગ્રામ પંચાયતની અપીલ
માકડબંધ ગામ ધરમપુર-ભેંસદરા-ફુલવાડી માર્ગે પહોંચી શકાય છે. ધોધ વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા ગ્રામ પંચાયત દ્વારા પ્રયાસ કરવામાં આવે છે. પ્રવાસીઓને પણ સ્થળની કુદરતી સુંદરતા જાળવવા અને કચરો ડસ્ટબિનમાં જ નાખવા અપીલ કરવામાં આવી છે.
કાશ્મીરનો અનુભવ કરાવતો ધરમપુરનો નયનરમ્ય ગણેશધોધ:સહ્યાદ્રીની ગિરિકંદરાઓ વચ્ચે ખળખળ વહેતા પાણીથી આહલાદક વાતાવરણ, ધોધ સુધી પહોંચવા 1 કિમી રોમાંચક પગદંડીનો ટ્રેક
📅 Published: September 12, 2026 |
📂 Category: gujarati-news
