વિરમગામ તાલુકાના વાંસવા ગામની વિડ પાસે રહેતા ડફેર સમાજના દંગા વિસ્તારમાં બાતમી આધારે જિલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસ ટીમે દરોડો પાડીને હત્યા, અપહરણ, લુંટ, ઘરફેડ, વાહન ચોરી, પેરોલ જમ્પ જેવા ગુનામાં સંડોવાયેલ ગુનેગાર સહિત ત્રણ રીઢા ગુનેગારોને ચોરી કરેલા ત્રણ મોટર સાયકલ, ચાંદીના દાગીના અને ચાર મોબાઈલ ફોન મળી કુલ 2,65,500 કિંમતના મુદ્દામાલ સાથે ઝડપીને પાંચ પોલીસ મથક વિસ્તારના ગુનાઓ ઉકેલી તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એલસીબી ટીમે ઝડપી પાડેલા શખ્સોમાં હારુન શુભરાજશા દીવાન રહેવાસી કામલપુર,તા.પાટડી,જી.સુરેન્દ્રનગર,હુસેન ઉર્ફે કટિયો સુલતાન ડફેર રહેવાસી રાજપુર,તા. કડી,જાવેદ ઉર્ફે ભયલો અકબરશા ડફેર રહેવાસી વાંસવા,તા.વિરમગામનો સમાવેશ થાય છે. આરોપીઓ પૈકી હારુન શુભરાજશા દીવાન વાંકાનેર સિટી પોલીસ વિસ્તારના હત્યા ગુનાની સજામાં રાજકોટ જેલમાં હતો અને પેરોલ મેળવી ભાગતો ફરતો હતો.સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પણ અપહરણ સાથે લુંટના ગુનામાં સંડોવાયેલ હોવાથી સંતાતો ભાગતો ફરતો હતો અને દરોડામાં ઝડપાઈ ગયો હતો. ત્રણેય રીઢા ગુનેગારને ઝડપીને અમદાવાદ જિલ્લા ગ્રામ્યની એલસીબી ટીમે લખતર, નળ સરોવર, કડી, બાવલું અને સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારના ગુનાના ભેદ ઉકેલી ત્રણે શખ્સો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યુ છે.
