નિરક્ષરોને સાક્ષર બનાવવા ‘ઉલ્લાસ’ એપનો ઉપયોગ કરવા આહ્વાન:ડાયટ પાટણ ખાતે વકૃત્વ સ્પર્ધા અને રેલી યોજાઈ, અભિયાનને જનઆંદોલન બનાવવા પર ભાર

📅 Published: September 12, 2026 | 📂 Category: gujarati-news

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયટ), પાટણ ખાતે વિશ્વ સાક્ષરતા પખવાડિયાની ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સાક્ષરતાનું મહત્વ સમજાવવા, લોકોમાં જાગૃતિ લાવવા અને શિક્ષણથી વંચિત નિરક્ષર લોકોને શિક્ષણના પ્રવાહ સાથે જોડવાનો હતો. તાલીમાર્થીઓમાં જાગૃતિ અને સામાજિક જવાબદારીની ભાવના વધારવા માટે આ આયોજન કરાયું હતું. વિશ્વ સાક્ષરતા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે ડાયટના તાલીમાર્થીઓ માટે વકૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં તાલીમાર્થીઓએ સાક્ષરતાનું મહત્વ, વ્યક્તિ અને સમાજના વિકાસમાં શિક્ષણની ભૂમિકા તેમજ નિરક્ષરતા દૂર કરવા અંગેના પોતાના વિચારો સારી રીતે રજૂ કર્યા હતા. આ ઉપરાંત, સાક્ષરતા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે એક રેલી પણ કાઢવામાં આવી હતી. રેલી દ્વારા શિક્ષણનું મહત્વ અને ‘સૌ માટે સાક્ષરતા’નો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો. આ પ્રસંગે ડાયટ, પાટણના પ્રાચાર્ય ડૉ. પિન્કીબેન રાવલે તાલીમાર્થીઓને સાક્ષરતાના વ્યાપક મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કહ્યું કે, સમાજના દરેક વર્ગ સુધી શિક્ષણનો પ્રકાશ પહોંચાડવામાં શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા સૌની અગત્યની ભૂમિકા છે. તેમણે તાલીમાર્થીઓને સાક્ષરતા અભિયાનને વધુ અસરકારક બનાવવા સતત પ્રયત્નો કરવા અને આસપાસના વિસ્તારમાં શિક્ષણથી વંચિત લોકોને સાક્ષરતાના પ્રવાહ સાથે જોડવા પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન જિલ્લા નિરંતર શિક્ષણ અધિકારી ડૉ. મધુબેન દેસાઈએ ભારત સરકારની મહત્વની પહેલ ‘ઉલ્લાસ’ એપ વિશે તાલીમાર્થીઓને સમજાવ્યું. તેમણે નવભારત સાક્ષરતા કાર્યક્રમ (NILP) અંતર્ગત ‘ઉલ્લાસ’ એપ કેવી રીતે કામ કરે છે, તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેના દ્વારા નિરક્ષર લોકોને ઓળખીને તેમને સાક્ષરતાના પ્રવાહ સાથે કેવી રીતે જોડવા તે સરળતાથી સમજાવ્યું. તેમણે તાલીમાર્થીઓને પોતાના આસપાસના વિસ્તારમાં હજુ પણ શિક્ષણથી વંચિત નિરક્ષર લોકોને ઓળખી, તેમને સાક્ષર બનાવવા માટે સક્રિય રીતે ભાગ લેવા વિનંતી કરી. તેમણે જણાવ્યું કે, જો ડિજિટલ ટેક્નોલોજી અને ‘ઉલ્લાસ’ એપ જેવી પહેલોનો સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો સાક્ષરતા અભિયાનને વધુ વ્યાપક બનાવી તેને જનઆંદોલનનું સ્વરૂપ આપી શકાય છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ડાયટના અધ્યાપકો અને તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સાક્ષરતાના સંદેશને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાનો સંકલ્પ લીધો. વકૃત્વ સ્પર્ધા, સાક્ષરતા રેલી અને માર્ગદર્શન સત્ર જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિશ્વ સાક્ષરતા પખવાડિયાની ઉજવણી સફળ બનાવાઈ હતી. આ પ્રસંગે ડાયટ, પાટણના પ્રાચાર્ય ડૉ. પિન્કીબેન રાવલ, જિલ્લા નિરંતર શિક્ષણ અધિકારી ડૉ. મધુબેન દેસાઈ, PSTE શાખાના H.O.D. હિરલબેન પટેલ, WE શાખાના અધ્યાપક દિવ્યાબેન પટેલ સહિત ડાયટના તમામ અધ્યાપકો અને તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *