ઇટાલીના નેતા અને પૂર્વ વિદેશ મંત્રી બોનિનોનું નિધન:મહિલાઓના હક પર પોપ સાથે ટકરાઈ હતી એમ્મા; 48 વર્ષ જૂનો ગર્ભપાત કાયદો બદલાવ્યો

📅 Published: September 12, 2026 | 📂 Category: International

ઇટાલીના ભૂતપૂર્વ વિદેશ મંત્રી એમ્મા બોનિનોને એક એવી મહિલા તરીકે યાદ કરવામાં આવશે, જેમણે પોતાની અંગત પીડાને લાખો મહિલાઓના અધિકારની લડાઈ બનાવી દીધી. 26 વર્ષની ઉંમરે જ્યારે તેમનો ગર્ભપાત થયો, ત્યારે ઇટાલીમાં તે ગેરકાનૂની હતું. આ પછી તેમણે નક્કી કર્યું કે બીજી મહિલાઓને ગર્ભપાતના અપમાન અને અસુરક્ષિત પરિસ્થિતિઓમાંથી પસાર થવું ન પડે. યુરોપિયન કમિશનર પણ રહી ચૂકેલા ઇટાલીના શક્તિશાળી નેતા એમ્મા તેમની તીક્ષ્ણ ટિપ્પણીઓ અને માનવાધિકારો પ્રત્યેની અતૂટ નિષ્ઠા માટે જાણીતા હતા. તેમનું 78 વર્ષની ઉંમરે શુક્રવારે નિધન થયું. તેમની પાર્ટી ‘મોર યુરોપ’એ કહ્યું કે દેશે સૌથી દૂરંદેશી, સાહસી અને સ્વતંત્ર વિચારધારા ધરાવતા નેતાને ગુમાવ્યા છે. ચાલો જાણીએ તેમના રાજકીય સંઘર્ષ… અંગત પીડાને ઇટાલીમાં ક્રાંતિનું નવું હથિયાર બનાવ્યું – 1974માં જ્યારે ઇટાલીમાં ગર્ભપાત ગેરકાનૂની હતો, ત્યારે 26 વર્ષીય એમ્માએ એક ક્લિનિકમાં ગર્ભપાત કરાવ્યો. – ગર્ભપાત પર પ્રતિબંધ મૂકતા 48 વર્ષ જૂના કાયદાના વિરોધમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. પોતાની ધરપકડથી ઉભરેલી લહેરને જનઆંદોલન બનાવ્યું. – દબાણ હેઠળ સંસદે 1978માં 48 વર્ષ જૂના 1930ના કાયદામાં ફેરફાર કરીને ગર્ભપાતને કાયદેસર માન્યતા આપી. આ પહેલા છૂટાછેડાનો કાયદો પણ બનાવવામાં આવ્યો હતો. એમ્માએ ક્યારેય લગ્ન કર્યા ન હતા. ગર્ભપાતના મુદ્દે વેટિકન સાથે પણ સંઘર્ષ રહ્યો એમ્માએ વેટિકન ચર્ચના સખત વિરોધ છતાં ગર્ભપાત અને છૂટાછેડાને કાયદેસર દરજ્જો અપાવવાના અભિયાનોનું નેતૃત્વ કર્યું. મહિલા અધિકારો પરના સંઘર્ષ છતાં, પોપ ફ્રાન્સિસ સાથે તેમની અનોખી અને ગાઢ મિત્રતા પણ હતી. પોપ ફ્રાન્સિસ અવારનવાર તેમની માનવીય પહેલોની પ્રશંસા કરતા હતા અને તેમને સૌથી નબળા વર્ગનો અવાજ ઉઠાવનાર નેતા કહેતા હતા. કેન્સર હોવા છતાં સક્રિય રહ્યા – 2015માં કેન્સરનું નિદાન થયા પછી પણ એમ્માએ જાહેર જીવનથી અંતર રાખ્યું ન હતું. તેઓ રંગબેરંગી સ્કાર્ફ પહેરીને સંસદથી લઈને ટીવી ડિબેટ્સમાં માનવાધિકારોનો અવાજ બુલંદ કરતા રહ્યા. છેલ્લી વાત: લડાઈઓ હજી ઘણી છે – બીમારી વચ્ચે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કઈ લડાઈ બાકી છે, ત્યારે કહ્યું હતું, ‘ઘણી બધી, જરૂરિયાત કરતાં પણ વધારે- માનવ અધિકાર, વૈશ્વિક ભૂખ અને સ્વતંત્ર વૈજ્ઞાનિક સંશોધન. દસ જન્મ પણ ઓછા પડશે.’


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *