PCB : વૈભવ સૂર્યવંશીના ફેન બન્યા વસીન અક્રમ, PCB અને PSLની કાઢી ઝાટકણી

📅 Published: September 12, 2026 | 📂 Category: cricket

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ફાસ્ટ બોલર વસીન અક્રમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની કામગીરી અને દેશની ક્રિકેટ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. અક્રમે 15 વર્ષના ભારતીય યુવા બેટર વૈભવ સૂર્યવંશીનું ઉદાહરણ આપીને પાકિસ્તાનમાં નવી બેટિંગ પ્રતિભા વિકસાવવાની પ્રક્રિયા પર સવાલ કર્યો છે.લાહોરમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન વસીન અક્રમે પાકિસ્તાન સુપર લીગ એટલે કે PSLના અત્યાર સુધીના પ્રવાસ અંગે પોતાની વાત રજૂ કરી હતી. તેમના મતે PSLને શરૂ થયાને 10 વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને આ સમયગાળા દરમિયાન પાકિસ્તાને કેટલાક સારા બોલરો જરૂર મેળવ્યા છે, પરંતુ બેટિંગમાં એવી પ્રતિભા સામે આવી નથી જે લાંબા સમય સુધી રાષ્ટ્રીય ટીમને મજબૂત બનાવી શકે.

પાકિસ્તાનને PSLમાંથી વૈભવ જેવા બેટર ક્યારે મળશે?

અક્રમે પોતાની વાત સમજાવવા માટે વૈભવ સૂર્યવંશીનું ઉદાહરણ આપ્યું. IPL દ્વારા ભારતને મળેલી યુવા પ્રતિભાની વાત કરતાં તેમણે સવાલ કર્યો કે પાકિસ્તાનને PSLમાંથી વૈભવ જેવા બેટર ક્યારે મળશે? વૈભવ નાની ઉંમરે જ પોતાની આક્રમક બેટિંગને કારણે ક્રિકેટ જગતમાં ચર્ચામાં આવ્યો છે. દિગ્ગજ બોલરો સામે નિર્ભય બેટિંગ કરવાની તેની ક્ષમતાએ તેને ખાસ ઓળખ અપાવી છે.

વસીન અક્રમથી વૈભવની ઉંમર અંગે ભૂલ

મીડિયા સાથેની વાતચીતમાં વસીન અક્રમે વૈભવ સૂર્યવંશીને 14 વર્ષનો ગણાવ્યો હતો.જોકે, વૈભવ હવે 15 વર્ષનો છે.ઉંમર અંગે અક્રમથી થયેલી આ ભૂલ અલગ મુદ્દો છે,પરંતુ તેમની વાતનો મુખ્ય મુદ્દો પાકિસ્તાનમાં યુવા બેટિંગ પ્રતિભાની શોધ અને વિકાસ સાથે જોડાયેલો હતો.અક્રમે ભારપૂર્વક કહ્યું કે પાકિસ્તાનને એવા યુવા ખેલાડીઓ શોધવાની જરૂર છે જે નાની ઉંમરે પોતાની ક્ષમતા સાબિત કરી શકે અને સમય જતાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે તૈયાર થઈ શકે.

PSLમાંથી બોલિંગમાં સફળતા,પરંતુ બેટિંગમાં ખોટ

વસીન અક્રમના મતે PSLએ પાકિસ્તાનને સારા બોલરો આપ્યા છે.જોકે,બેટિંગ ક્ષેત્રે એવી પ્રતિભા ઊભી થઈ નથી જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાંબા સમય સુધી અસર છોડી શકે.આ જ કારણસર તેમણે PSLના 10 વર્ષના પ્રવાસને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સામે સવાલો કર્યા.આ મુદ્દો પાકિસ્તાન ક્રિકેટમાં ચાલી રહેલી ચર્ચા સાથે પણ જોડાયેલો છે. સ્થાનિક ક્રિકેટમાંથી પ્રતિભાશાળી બેટરોને શોધીને તેમને યોગ્ય તાલીમ અને તકો આપવાની પ્રક્રિયા કેટલી અસરકારક છે.તેના પર સમયાંતરે સવાલો ઉઠતા રહ્યા છે.

ક્લબ ક્રિકેટને મજબૂત કરવાની જરૂર

વસીન અક્રમે માત્ર PSL પર આધાર રાખવાને બદલે પાકિસ્તાનમાં ક્લબ ક્રિકેટને મજબૂત બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.તેમના મતે મોટી સંખ્યામાં ખેલાડીઓ ક્લબ ક્રિકેટમાંથી આગળ આવે છે અને તેથી પાયાની વ્યવસ્થા મજબૂત હશે તો જ લાંબા ગાળે સારા ખેલાડીઓ તૈયાર થઈ શકે.અક્રમે કરાચી અને લાહોરમાં ક્લબ ક્રિકેટના વિકાસ માટે 100-100 મિલિયન પાકિસ્તાની રૂપિયા ખર્ચવાની વાત પણ કરી. તેમનું માનવું છે કે ખાસ કરીને ટેસ્ટ અને અન્ય લાંબા ફોર્મેટના ક્રિકેટમાં પાકિસ્તાનને સુધારો કરવો હોય તો સ્થાનિક સ્તરની ક્રિકેટ વ્યવસ્થાને ફરી મજબૂત બનાવવી પડશે.વસીન અક્રમની આ ટિપ્પણીથી પાકિસ્તાનના ક્રિકેટ માળખામાં યુવા બેટિંગ પ્રતિભા તૈયાર કરવાની પ્રક્રિયા અંગે નવી ચર્ચા શરૂ થઈ શકે છે. બીજી તરફ, વૈભવ સૂર્યવંશીનું ઉદાહરણ એ વાતને દર્શાવે છે કે નાની ઉંમરના ખેલાડીઓને યોગ્ય મંચ અને તક મળે તો તેઓ ખૂબ જ ઝડપથી પોતાની ઓળખ બનાવી શકે છે.

આ પણ વાંચો – India W vs Sri Lanka W Final :T20Iમાં કેવો છે હેડ-ટુ-હેડ રેકોર્ડ? જાણો કોનું પલડું ભારે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *