અમદાવાદમાં ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદ, વાતાવરણમાં છવાઈ ઠંડક

📅 Published: September 12, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદ શહેરમાં આજે વાતાવરણમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો છે. દિવસભરના ઉકળાટ બાદ મોડી સાંજે આકાશમાં કાળાડિબ વાદળો ઘેરાયા હતા અને ધૂળની ડમરીઓ સાથે તોફાની પવન ફૂંકાવાનો શરૂ થયો હતો. હવામાનની વિગતો અનુસાર 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ફૂંકાયો હતો, જેના કારણે રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડતાં વાહનચાલકોને વિઝિબિલિટીની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

અમદાવાદમાં ધીમી ધારે વરસાદનું આગમન

પવનની ગતિ શાંત પડતાં જ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું. શહેરના પૂર્વ અને પશ્ચિમ એમ બંને ભાગોમાં એકસાથે વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. પૂર્વ અમદાવાદના નારોલ, જસોદાનગર, ઇસનપુર, CTM, મણિનગર અને દાણીલીમડા વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો. વસ્ત્રાપુર, એસજી હાઈવે, થલતેજ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.

લોકોને ગરમીથી રાહત મળી

બીજી તરફ, પશ્ચિમ અમદાવાદના પોશ વિસ્તારો ગણાતા પાંજરાપોળ, IIM રોડ અને વસ્ત્રાપુર માં પણ ધોધમાર વરસાદી ઝાપટાં પડ્યા હતા. વરસાદ શરૂ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને દિવસભરના અસહ્ય બફારા અને ગરમીમાંથી અમદાવાદીઓને મોટી રાહત મળી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર પણ વરસાદની સ્થિતિને પગલે નીચાણવાળા વિસ્તારો અને પાણીના નિકાલની વ્યવસ્થા પર નજર રાખી રહ્યું છે.

આ પણ વાંચો: Mehsana: ONGC માં નોકરી મેળવવા નકલી ઓ-ફોર્મ બનાવવાનું કૌભાંડ; રાજ યાદવે બનાવ્યા હતા બોગસ સિક્કા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *