ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી પાકિસ્તાની ક્રિકેટ ટીમને કરારી હારનો સામનો કરવો પડ્યો છે. બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં યજમાન ઈંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરતા પાકિસ્તાન સામે 8 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો હતો. આ જીત સાથે ઈંગ્લેન્ડે ત્રણ મેચની આ ટેસ્ટ સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ કરી લીધું છે. પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલા 130 રનના નાના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી અંગ્રેજી ટીમે માત્ર બે વિકેટ ગુમાવીને જ આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. મેચની શરૂઆતમાં જ માત્ર બે રનના સ્કોર પર ઈંગ્લેન્ડે પોતાની બંને ઓપનિંગ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ત્યારબાદ જોર્ડન કોક્સ (59) અને કેપ્ટન જો રૂટ (62) અણનમ ની જોડીએ ટીમને ભવ્ય વિજય અપાવ્યો હતો .
પાકિસ્તાની ટીમ માત્ર 133 રનમાં જ સમેટાઈ ગઈ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 133 રનમાં જ સમેટાઈ ગઈ હતી. જેના જવાબમાં ઈંગ્લેન્ડે શાનદાર બેટિંગ કરતા પ્રથમ ઇનિંગ્સમાં 453 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો અને 320 રનની માતબર લીડ મેળવી લીધી હતી. જો કે, પાકિસ્તાને બીજી ઇનિંગ્સમાં શાનદાર વાપસી કરતા 449 રન બનાવ્યા અને ઈંગ્લેન્ડ સામે જીત માટે 130 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો.
બીજી ઇનિંગ્સમાં રઝાઉલ્લાહની મહત્ત્વપૂર્ણ બેટિંગ
પાકિસ્તાનની બીજી ઇનિંગ્સ દરમિયાન શાન મસૂદ (95) એ અઝાન ઓવેસ (59) સાથે ત્રીજી વિકેટ માટે 125 રનની અને કેપ્ટન બાબર આઝમ (76) સાથે ચોથી વિકેટ માટે 89 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી. ટીમનો સ્કોર જ્યારે 318 રન હતો ત્યારે આઠમી વિકેટ પડી હતી, પરંતુ ત્યારબાદ મોહમ્મદ અબ્બાસ (42) અને રઝાઉલ્લાહ (81) વચ્ચે નવમી વિકેટ માટે 121 રનની યાદગાર ભાગીદારી થઈ હતી, જેના કારણે પાકિસ્તાન ટીમ 400 રનનો આંકડો પાર કરવામાં સફળ રહી હતી. ઈંગ્લેન્ડ તરફથી ગસ એટકિન્સને સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી, જ્યારે ઓલી રોબિન્સન, જોશ ટંગ અને ડેન લોરેન્સે 2-2 વિકેટ મેળવી હતી.
શરૂઆતમાં પડી ભાંગી ઇંગ્લેન્ડની ટીમ
જીત માટેના 130 રનના સામાન્ય લક્ષ્યાંકનો પીછો કરવા મેદાને ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી, અને ટીમની ઓપનિંગ જોડી માત્ર 2 રનના સ્કોર પર જ પેવેલિયન પરત ફરી ગઈ હતી. બેન ડકેટ અને એમિલિયો બંને ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઇ ગયા હતા. જો કે, તે મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવતા કેપ્ટન જો રૂટ અને જોર્ડન કોક્સે ત્રીજી વિકેટ માટે 140 બોલમાં 128 રનની અણનમ ભાગીદારી નોંધાવીને ટીમને આસાનીથી વિજય અપાવ્યો હતો.
રૂટ અને જોર્ડને અપાવી જીત
જો રૂટે 69 બોલમાં 9 ચોગ્ગાની મદદથી અણનમ 62 રન બનાવ્યા હતા, જ્યારે જોર્ડન કોક્સે 76 બોલમાં 8 ચોગ્ગા ફટકારીને અણનમ 59 રનની ઇનિંગ રમી હતી. પાકિસ્તાન તરફથી માત્ર મોહમ્મદ અબ્બાસ જ સફળ બોલર રહ્યો હતો, તેણે 8 ઓવરમાં 27 રન આપીને ઈંગ્લેન્ડની બંને વિકેટ ઝડપી હતી.
