ભારતીય ક્રિકેટર એસ. શ્રીસંતના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ભૂતપૂર્વ ઝડપી બોલરના પિતા વી. શાંતાકુમારન નાયરનું 89 વર્ષની વયે શુક્રવારની મોડી રાત્રે નિધન થયું છે. મહતી માહિતી અનુસાર, હૃદય સંબંધિત બિમારીઓના કારણે તેમને કોચીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં રાત્રે આશરે 10 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
સારવાર દરમિયાન મોત થયું
મૂળ કોઠમંગલમના રહેવાસી શાંતાકુમારન નાયર ભારતીય જીવન વીમા નિગમ (LIC)માં ઝોનલ મેનેજર તરીકે સેવા આપીને નિવૃત્ત થયા હતા. શ્રીસંત સહિત તેમના ત્રણેય સંતાનોનો જન્મ કોઠમંગલમમાં જ થયો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ તેમણે અંતિમ શ્વાસ લીધા હોવાની માહિતી પરિવારના સૂત્રો દ્વારા મળી છે.
13 સપ્ટેમ્બરના રોજ થશે અંતિમ સંસ્કાર
શ્રીસંતે સોશિયલ મીડિયા પર આ દુઃખદ સમાચાર શેર કર્યા છે. શનિવારે તેમનો પાર્થિવ દેહ હોસ્પિટલમાં જ રાખવામાં આવશે અને ત્યારબાદ તેમને કોઠમંગલમ સ્થિત પૈતૃક આવાસ પર લઈ જવાશે. રવિવારે 13 સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી પરિવારજનો અને સ્વજનો અંતિમ દર્શન કરી શકશે, જ્યારે સાંજે 4 વાગ્યે અંતિમ સંસ્કાર સંપન્ન થશે.
સ્પોટ ફિક્સિંગ વિવાદમાં પુત્રનો બચાવ કર્યો હતો
વર્ષ 2013માં જ્યારે શ્રીસંતનું નામ IPL સ્પોટ ફિક્સિંગ વિવાદમાં સંડોવાયું હતું, ત્યારે શાંતાકુમારન નાયરે મીડિયા સામે આવીને પુત્રનો બચાવ કર્યો હતો. તે સમયે તેમણે ધોની પર શ્રીસંતને ટેસ્ટ ટીમમાં પરત ન લેવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો અને હરભજન સિંહ સાથેની જૂની અદાવતનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે તે સમયે ચર્ચાનો વિષય બન્યો હતો.
