Gujarat Weather News: છેલ્લા 24 કલાકમાં આ તાલુકામાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, આજે આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર

📅 Published: September 13, 2026 | 📂 Category: Ahmedabad

રાજ્યમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે આજથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના અપાઈ છે. લો પ્રેશરના કારણે સર્જાયેલી આ સિસ્ટમના પ્રભાવ હેઠળ પવનની ગતિ કલાકના 60 થી 70 કિલોમીટર સુધી રહેવાની સંભાવના છે. હવામાન વિભાગની ચેતવણી અનુસાર, નવસારી, દમણ અને વલસાડમાં રેડ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિતની ચાર સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી છે.

મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદનું એલર્ટ

જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.તંત્ર દ્વારા આગામી દિવસોની સ્થિતિને ધ્યાનમાં રાખીને વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ તથા રાજકોટ, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, સોમનાથ, જામનગર, દ્વારકા, અમરેલી, મોરબી અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

છેલ્લા 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 193 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. તાપીના ઉકાઈમાં સૌથી વધુ 11.81 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સુરતના ઉમરપાડામાં 8.35 ઇંચ અને સુબીરમાં 5.71 ઇંચ વરસાદ વરસી ગયો છે. આ ઉપરાંત ડાંગના વઘઈમાં 5.67 ઇંચ, સોનગઢમાં 5.51 ઇંચ, સુરતના ચોર્યાસીમાં 4.41 ઇંચ, ડાંગમાં 4.37 ઇંચ અને નર્મદાના ડેડિયાપાડામાં 4.25 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. આ ભારે વરસાદના પગલે ઉછાલમાં 3.98 ઇંચ, ચિકડામાં 3.46 ઇંચ, અંકલેશ્વરમાં 3.35 ઇંચ, ઘોઘામાં 3.25 ઇંચ, તિલકવાડામાં 3.19 ઇંચ, ભરૂચમાં 2.87 ઇંચ તેમજ ઓલપાડ અને વાંસદા બંને જગ્યાએ 2.8 ઇંચ જેટલો વરસાદ પડવાથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે અને નદી-નાળાઓમાં નવા નીર આવ્યા છે.

ખેતીમાં વરસાદથી પાકને જીવનદાન મળશે

આ વખતે વરસી રહેલો વરસાદ રાજ્યમાં ખરીફ વાવેતરને ચોક્કસ ફાયદો કરાવશે તેવો પણ દાવો કરાયો છે. ધાન્ય પાકનું વાવેતર 99.64 ટકા એટલે કે 1375377 હેક્ટરમાં થયું છે. કઠોળનું વાવેતર 108.75 ટકા વિસ્તારમાં એટલે કે 452793 હેક્ટરમાં થયું છે. તેલીબીયાનું વાવેતર 101.05 ટકા એટલે કે 2762332 હેક્ટરમાં થયું છે. અન્ય પાકનું વાવેતર 88.17 ટકા થયું છે. ઝોન મુજબના અહેવાલ જણાવે છે, કચ્છ જોનમાં 452600 હેક્ટર,ઉત્તર ગુજરાતમાં 1744200 હેક્ટર, મધ્ય ગુજરાતમાં 1505000 હેક્ટર,સૌરાષ્ટ્રમાં 3739300 હેક્ટર અને દક્ષિણ ગુજરાતમાં 672100 હેક્ટરમાં વાવેતર થયું છે. દરમિયાનમાં બદલાયેલા આ વાતાવરણનાં કારણે ચાર દિવસમાં વીજળીની માગમાં 1713 મેગા વોટનો ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચોઃ Gir somanth : સુત્રાપાડામાં આશ્રમનાં કુંડમાં ડૂબી જતા હોસ્ટેલમાં રહેતા ધો. 9ના વિદ્યાર્થીનું મોત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *