અમદાવાદના રખિયાલ વિસ્તારમાં ગુજરાત બેકરી પાસે આવેલા ઘાણી ટ્રેડર્સમાંથી ડુપ્લીકેટ ‘તિરુપતિ કપાસિયા તેલ’નું કૌભાંડ ઝડપાયું છે. જેમાં રખિયાલની ત્રિકમલાલ ભોગીલાલની ચાલીમાં રહેતો અમિત કુશવાહ નામનો વેપારી ભંગારમાંથી સારી હાલતના તિરુપતિ તેલના ખાલી ડબ્બા ખરીદી, તેમાં બીજી કંપનીનું હલકી ગુણવત્તાનું તેલ ભરી અને નકલી બુચ લગાવીને બજારમાં વેચતો હતો. બજારમાં ડુપ્લિકેશન થતું હોવાની જાણ થતાં એન.કે. પ્રોટીન્સ કંપનીના માર્કેટિંગ સ્ટાફે રખિયાલ પોલીસને સાથે રાખી દુકાનમાં દરોડો પાડ્યો હતો અને 44 જેટલા ડુપ્લીકેટ ડબ્બા જપ્ત કર્યા હતા. આ મામલે કંપનીના કર્મચારીની ફરિયાદના આધારે પોલીસે અમિત કુશવાહ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સ્ટીકર અને બારકોડ ચેક કરતા ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું
કંપનીના માણસોને પોલીસે તપાસ કરતા દુકાનમાં 44 જેટલા તિરુપતી કપાસિયા તેલના ડબ્બા મળ્યા હતાં. તેલના ડબ્બાના સીલમાં લાલ રંગના અંગ્રેજીમાં એન.કે પ્રોટીન્સ ડબ્બાઓ પર ઓરિજીનલ ડબ્બામા લખેલા મુજબ સ્ટીકર અને બારકોડ લખેલુ મળ્યું હતું. તપાસ કરતા તમામ ડબ્બાના સીલ ડુપ્લિકેટ હતા. જે તમામ ડબ્બાઓ જપ્ત કરવામાં આવ્યા હતા. ભંગારમાંથી ડબ્બા લાવીને ડુપ્લિકેટ બુચ લગાડી વેચતો
દુકાન માલિક અમિત કુશવાહને કબૂલ્યું હતું કે ભંગારના ફેરિયા તથા ભંગારના ડેલાઓ માથી સ્ટીકર લગાડેલા સારી હાલતના તિરુપતિ કોટન સીડ તેલના ડબ્બા ખરીદી લાવતો હતો. બીજી કંપનીઓના તેલના ડબ્બા ખરીદી કરી તેલ ભંગારના ડબ્બામાં ભરી ડુપ્લિકેટ બુચ લગાડી તિરુપતી તેલ માર્કેટ ભાવથી બજારમાં વેચતા હતા. 1.25 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે તેલના એક ડબ્બાની કિંમત રૂ. 2850 લેખે કુલ તેલના ડબ્બા નંગ 44 ગણી રૂ.1.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આ સમગ્ર મામલે વેપારી વિરુદ્ધ કંપનીના કર્મચારીની ફરિયાદ લઈ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, રખિયાલ વિસ્તારમાં ડુપ્લીકેટ તેલનું વેચાણ થતું હતું છતાં પણ પોલીસના ધ્યાને આવ્યું નહીં અને એન કે પ્રોટીન્સ નામની કંપનીના જ માણસોને માહિતી મળી હતી જેના આધારે પોલીસને સ્થળ બતાવી અને દરોડો પાડી ડુપ્લીકેટ તેલનો જથ્થો જપ્ત કર્યો હતો.
ડુપ્લીકેટ તિરૂપતિ તેલ વેચનાર વેપારી રખિયાલમાંથી ઝડપાયો:ભંગારમાં સારી હાલતના તિરુપતિ કપાસિયા તેલના ડબ્બા ખરીદી બીજી કંપનીનું તેલ ભરી વેચાણ કરતો
📅 Published: September 13, 2026 |
📂 Category: gujarati-news
