અમદાવાદ શહેરમાં આજે પડેલા સામાન્ય વરસાદે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની પ્રી-મોન્સૂન કામગીરીના દાવાની પોલ ખોલી નાખી છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા થલતેજ સાલ હોસ્પિટલ રોડ પર સામાન્ય વરસાદમાં જ ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. હોસ્પિટલે આવતા દર્દીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
કોતરપુર અને કુબેરનગરમાં રસ્તાઓ સ્વિમિંગ પૂલ બન્યા
બીજી તરફ, સામાન્ય વરસાદ થતાં જ નીચાણવાળા મીઠાખળી અંડરપાસમાં પાણી ભરાઈ જતાં તેને વાહનવ્યવહાર માટે તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો હતો. અંડરપાસ બંધ થતાં જ આસપાસના મુખ્ય માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. બનાવ અંગે જાણ થતાં મનપાની ટીમો દ્વારા પંપિંગ સેટ ગોઠવીને પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે.પશ્ચિમની સાથે પૂર્વ અમદાવાદમાં પણ વરસાદી માહોલ વચ્ચે ઠેર-ઠેર પાણી ભરાવાની ફરિયાદો સામે આવી છે. કોતરપુર વોટર વર્કસ પાસે સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, જેના કારણે વાહનોની ધીમી ગતિને લીધે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.
પૂર્વ વિસ્તારમાં પણ જળબંબાકાર
ઉપરાંત, કુબેરનગર વિસ્તારમાં આવેલી ઉમા સ્કૂલ પાસે પણ પાણી ભરાઈ જતાં વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. મામૂલી વરસાદમાં જ શહેરના મુખ્ય વિસ્તારો જળમગ્ન થઈ જતાં મનપાના ડ્રેનેજ તંત્ર સામે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: Ahmedabad: પાંચ કુવા પાસે મકાન ધરાશાયી, ફાયર બ્રિગેડે 2 લોકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા
