Gir Somnath News: સુત્રાપાડામાં ગેરકાયદે લાકડાંની હેરાફેરી ઝડપાઈ, બોલેરો સીઝ

📅 Published: September 13, 2026 | 📂 Category: Crime

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકમાં ગેરકાયદે થતી લાકડાંની હેરાફેરી સામે વન વિભાગે સપાટો બોલાવ્યો છે. સુત્રાપાડા-કોડીનાર રોડ પર આવેલા સુંદરપરા ગામ નજીક વન વિભાગની ટીમે શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી GJ 32 T 2267 નંબરની બોલેરો પીકઅપ વાનને રોકીને કડક ચેકિંગ હાથ ધર્યું હતું.

ડ્રાઈવર પાસે આધાર-પુરાવા ન મળ્યા

તપાસ દરમિયાન બોલેરો વાહનચાલક ગોવિંદપરા ગામના સમીર સલીમ મલંગની પૂછપરછ કરવામાં આવી હતી. ચાલકે ખુલાસો કર્યો હતો કે તે આ લાકડાંનો જથ્થો કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી લાવી રહ્યો છે. જોકે, આ લાકડાં ક્યાંથી કાપવામાં આવ્યા અને તેને લઈ જવા માટેના કોઈ વૈધ આધાર-પુરાવા રજૂ ન કરી શકતા વન વિભાગે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરી હતી.

રૂ. 10,000નો દંડ અને વાહન સીઝ

સુત્રાપાડા રાઉન્ડ ફોરેસ્ટર એન.એન. છેલાણા અને તેમની ટીમે કાર્યવાહી કરતા શંકાસ્પદ લાકડાંના જથ્થા સાથે બોલેરો પીકઅપ વાનને સિઝ કરી લીધી છે. આ ઉપરાંત બોલેરો ચાલકને રૂ. 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. વન વિભાગે હવે વાહન માલિકને સમન્સ પાઠવીને આગળની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

15 દિવસમાં ત્રીજો બનાવ, મોટા રેકેટની આશંકા

સુત્રાપાડા પંથકમાં છેલ્લા 15 દિવસના ટૂંકા ગાળામાં ગેરકાયદે લાકડાં ભરેલી ત્રીજી બોલેરો ઝડપાતા અરેરાટી વ્યાપી ગઈ છે. વેરાવળ GIDC વિસ્તારમાં મોટા પ્રમાણમાં લાકડાંનો વપરાશ થતો હોવાથી આ ગેરકાયદે હેરાફેરી પાછળ કોઈ મોટું સંગઠિત રેકેટ કામ કરી રહ્યું છે કે કેમ? તે દિશામાં વન વિભાગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Gir Somnath News: જુગારના બે અડ્ડા પર LCBની રેડ, 13 શકુનિ ઝડપાયા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *