નેત્રાથી નખત્રાણા સુધી વિદ્યાર્થીઓની પદયાત્રા, બસ સેવાના પ્રશ્ને તંત્ર ઝૂક્યું:નિયમિત સેવા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીનું લેખિત આશ્વાસન

📅 Published: September 13, 2026 | 📂 Category: gujarati-news

વર્ષોથી એસ.ટી. બસ સેવાની અનિયમિતતાથી હેરાન નેત્રા પંથકના વિદ્યાર્થીઓ આખરે રસ્તા પર ઉતર્યા હતા. ભુજ–નારાયણ સરોવર રૂટની બસ સેવા નિયમિત કરવાની માંગ સાથે નેત્રા ગામથી નખત્રાણા ડેપો સુધી વિદ્યાર્થીઓએ પદયાત્રા કરી. આખો મામલો તંત્રના ધ્યાનમાં આવ્યો હતો. વિદ્યાર્થીઓની એકતા અને વાલીઓ સહિત સ્થાનિક લોકોના સમર્થન વચ્ચે શરૂ થયેલી આ પદયાત્રાએ એસ.ટી. વિભાગમાં પણ હલચલ મચી ગઈ હતી. નેત્રા સ્થિત સારસ્વતમ સંચાલિત હાઈસ્કૂલમાં ખીરસરા (નેત્રા) અને રામપર સર્વા ગામના અનેક વિદ્યાર્થીઓ ભણે છે. આ વિદ્યાર્થીઓ માટે ભુજ–નારાયણ સરોવર વાયા નેત્રા રૂટની એસ.ટી. બસ શાળાએ આવવા-જવા માટેનું જરૂરી સાધન છે. જોકે, વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ વર્ષ 2017થી આ રૂટ પર બસ સેવા નિયમિત ન હોવાથી શિક્ષણ મેળવવા જતાં વિદ્યાર્થીઓને વારંવાર મુશ્કેલી પડતી હતી. બસ ઉપલબ્ધ ન હોય ત્યારે કેટલાક વિદ્યાર્થીઓને પગપાળા શાળાએ પહોંચવાની ફરજ પડતી હતી. લાંબા સમયથી ચાલતી રહેલી આ સમસ્યાના ઉકેલ માટે વિદ્યાર્થીઓએ આજે સંગઠિત થઈ પદયાત્રા શરૂ કરી હતી. વિદ્યાર્થીઓની માંગ માત્ર બસ સેવા પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ જવાબદારી નક્કી કરવાની પણ માંગ કરવામાં આવી હતી. ભુજ ડેપો મેનેજરને સસ્પેન્ડ કરવા અને સંબંધિત જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પદયાત્રા ટોડીયા ફાટક નજીક પહોંચતા જ એસ.ટી. તંત્ર દ્વારા મામલાને ગંભીરતાથી લીધો હતો. વિદ્યાર્થીઓની રજૂઆત પછી ભુજ વિભાગીય નિયામકે બસ સેવા નિયમિત કરવાની લેખિત બાંહેધરી આપી હતી. સાથે જ ભુજ ડેપો મેનેજર સહિત જવાબદાર અધિકારીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવાની ખાતરી પણ લેખિતમાં અપાઈ હોવાનું જણાવાયું છે. લેખિત ખાતરી મળ્યા બાદ વિદ્યાર્થીઓએ પદયાત્રા અને આંદોલન સમેટી લીધું હતું. આ સમયે વાલીઓ, આસપાસના ગામોના સરપંચો તથા જાગૃત નાગરિકો પણ વિદ્યાર્થીઓની સાથે રહ્યા હતા. વર્ષોથી ચાલી રહેલી સમસ્યા સામે વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ પરંતુ અસરકારક રીતે અવાજ ઉઠાવી તંત્રને નિર્ણય લેવા મજબૂર કર્યું હોવાનું સ્થાનિકોમાં ચર્ચા થઈ રહી છે. હવે લેખિત બાંહેધરીનો અમલ કેટલો જલ્દી થાય છે તેના પર વિદ્યાર્થીઓ અને વાલીઓની નજર રહેશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *