સુરતના અબ્રામા સ્થિત પી.પી. સવાણી હોસ્ટેલમાં રાત્રિભોજન બાદ અંદાજે 100થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતાં સમગ્ર પંથકમાં ભારે દોડધામ મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે લાલ આંખ કરતાં રાજ્યભરની તમામ સરકારી, અર્ધ-સરકારી અને ખાનગી હોસ્ટેલોના કિચનની સઘન ચકાસણી માટે વિશેષ ડ્રાઇવ શરૂ કરવાની જાહેરાત કરી છે. રાત્રિભોજન બાદ ઉલટી-ઉબકા શરૂ થયા
પી.પી. સવાણી હોસ્ટેલ પરિસરમાં અંદાજે 2,500 વિદ્યાર્થીઓ માટે ભોજન તૈયાર થાય છે. રવિવારે રાત્રિભોજન લીધા બાદ અચાનક વિદ્યાર્થીઓને પેટમાં દુખાવો, ઉલટી અને ઉબકા જેવી તકલીફો શરૂ થઈ હતી. જોતજોતામાં 100 જેટલા વિદ્યાર્થીઓની તબિયત લથડતાં હોસ્ટેલ પ્રશાસનમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને તુરંત જ નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ આરોગ્ય વિભાગની વિશેષ ટીમ સ્થળ પર તૈનાત છે અને તમામ વિદ્યાર્થીઓની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ખોરાક અને પાણીના સેમ્પલ લેવાયા, લેબોરેટરી તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં જ સુરત આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. હોસ્ટેલના કિચનમાંથી રાંધેલા ખોરાક, કાચી ખાદ્યસામગ્રી તેમજ પીવાના પાણીના નમૂના લઈને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ બનાવ ફૂડ પોઈઝનિંગના લીધે બન્યો છે કે પાણીમાં કોઈ ખામી હતી, તેની સચોટ માહિતી લેબ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. સમગ્ર કિચન એરિયાની સ્વચ્છતાની પણ ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે બેદરકારી સહન નહીં થાય: પ્રફુલ પાનસેરીયા
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર વિદ્યાર્થીઓના આરોગ્ય અને સુરક્ષા બાબતે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. રાજ્યમાં સમયાંતરે બનતી ફૂડ પોઈઝનિંગની ઘટનાઓને હળવાશથી નહીં લેવાય. સરકાર દ્વારા નિર્ધારિત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)નું પાલન દરેક શૈક્ષણિક સંસ્થા અને હોસ્ટેલે ફરજિયાતપણે કરવું પડશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આગામી સપ્તાહથી રાજ્યવ્યાપી મેગા ચેકિંગ ડ્રાઇવ
આ બનાવના પગલે સમગ્ર રાજ્યની તમામ છાત્રાલયોમાં સઘન તપાસ ઝુંબેશ ચલાવવાનો નિર્ણય લેવાયો છે. આગામી સપ્તાહ દરમિયાન ફૂડ સેફ્ટી વિભાગની ટીમો રાજ્યની તમામ હોસ્ટેલોના રસોડા, સ્ટોર રૂમ, ખાદ્યસામગ્રીની ગુણવત્તા, રસોઈયાઓની વ્યક્તિગત સ્વચ્છતા અને પીવાના પાણીની ગુણવત્તાનું ઓચિંતું નિરીક્ષણ કરશે. જ્યાં પણ ક્ષતિ કે નિયમભંગ જણાશે ત્યાં સંચાલકો સામે દંડાત્મક પગલાં ભરાશે.
'વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે બેદરકારી સહન નહીં થાય':P.P. સવાણી હોસ્ટેલમાં 100થી વધુને ફૂડ પોઈઝનિંગ બાદ આવતીકાલથી રાજ્યની તમામ હોસ્ટેલોના કિચન તપાસવા આરોગ્યમંત્રીનો આદેશ
📅 Published: September 13, 2026 |
📂 Category: gujarati-news
