''મમ્મી-પપ્પા એટલો ઝઘડો કરે છે કે મગજનો અઠ્ઠો થઈ જાય'':સુરતની બે ઘટનાએ ગુજરાતને હચમચાવ્યું; બાળક ChatGPTને પૂછે છે- ગળાફાંસો ખાવામાં ગાંઠ કેમ મારવી

📅 Published: September 14, 2026 | 📂 Category: gujarati-news

બાર જ દિવસમાં સુરતમાં બે ઘટના એવી બની જેણે ગુજરાતને હચમચાવી નાખ્યું છે. 13 વર્ષના બાળક અને 11 વર્ષની બાળકીએ ગળાફાંસો ખાઈ લીધો. જીદ્દ હતી માત્ર મોબાઈલ જોવાની. જેમણે હજી દુનિયા જોઈ નથી, જેને દુનિયાદારીની ખબર નથી એવા બાળકો આપઘાત કરવા લાગ્યા છે. આખરે બાળકો આપઘાત કેમ કરી રહ્યા છે? શું આપણે ઓસ્ટ્રેલિયા જેવા કડક નિયમો નહીં લાવી શકીએ? જાણીશું આજના ગુજરાત એક્સપ્લેનરમાં…. સવાલ-1 : કઈ બે ઘટનાથી ગુજરાત હચમચ્યું? જવાબ : સુરતની આ બે ઘટના વાંચો.. સવાલ-2 : આખરે બાળકો આત્મહત્યા કેમ કરવા લાગ્યા? જવાબ : આનો જવાબ આપતાં શેલ્બિ હોસ્પિટલ્સના સાયકિયાટ્રિસ્ટ અને સેક્સોલોજિસ્ટ ડૉ. કલરવ મિસ્ત્રી કહે છે કે, અમારે ત્યાં 12 વર્ષથી 14 વર્ષના બાળકો એટલી મોટી સંખ્યામાં આવે છે કે જેણે આપઘાતનો પ્રયાસ કર્યો હોય. આટલી મોટી સંખ્યા જોઈને અમને પણ આંચકો લાગે છે. અમે આ બાળકોનું કાઉન્સેલિંગ કરીએ છીએ, હિપ્નોટિઝમ કરીએ છીએ. ત્યારે એ આપઘાતના પ્રયાસના કારણો આપે છે. તેમાં સૌથી મોટું કારણ એ આપે છે કે ઘરમાં મારા મમ્મી-પપ્પા આખો દિવસ ઝઘડો કરે છે. આ ઉંમરના બાળકો એવા શબ્દો વાપરે કે, મારા મમ્મી-પપ્પા એટલું ઝઘડે છે કે મારા મગજનો અઠ્ઠો થઈ જાય છે. અમારે ત્યાં અત્યારે ચાર બાળકો એડમિટ છે. એકની ઉંમર 9 વર્ષની છે, એકની 12 વર્ષની છે ને બે 14 વર્ષના છે. અમે તેનું કાઉન્સેલિંગ કે હિપ્નોટિઝમ કરીએ તો છોકરાંવ બે-ત્રણ કારણો આપે છે. પહેલું કારણ એ આપે છે કે મમ્મી-પપ્પા કામ કરીને રાત્રે ઘરે આવે પછી ઝઘડતા હોય છે. અમે આખો દિવસ ભણીને થાકી ગયા હોઈએ. અમે અમારા પ્રોબ્લેમ્સ કહેવા જઈએ તો સાંભળતા નથી. તે બંને કકળાટ કરવામાંથી ઊંચા આવતા નથી. અમારે ક્યાં જવું તે ખબર પડતી નથી. અમુક બાળકો તો ChatGPTનો યુઝ કરીને પૂછે છે કે, મન ઉદાસ રહે છે, ક્યાંય ગમતું નથી. કંટાળો આવે છે તો આગળ શું કરવું? એ લોકોને જવાબ મળે કે તમે સાયકિયાટ્રિસ્ટની હેલ્પ લો, દવા કરાવો, કાઉન્સેલિંગ કરાવો. મિત્રો સાથે વાતચીત કરો, મમ્મી-પપ્પા સાથે વાતચીત કરો. અમુક બાળકો મનથી વધારે ભાંગી પડ્યા હોય તો એ સર્ચ કરે છે કે ‘હાઉ ટુ કમિટ સુસાઈડ?’. કેટલાક બાળકો વેબસિરિઝ જોઈને આપઘાત કરવાનું શીખે છે. ડૉ. કલરવ મિસ્ત્રી શોકિંગ વાત કરતાં કહે છે, બીજો મુદ્દો છે રિલેશનશિપ. પાંચમા, છઠ્ઠા ધોરણમાં ભણતા બાળકોમાં હવે રિલેશનશિપ કોમન થઈ ગઈ છે. હું તમને એક કિસ્સો કહું. એક બાળકનું કાઉન્સેલિંગ કર્યું તો તેણે કહ્યું કે, અમે કેટલાક સ્ટુડન્ટ્સ પ્રોજેક્ટમાં સાથે કામ કરતા હતા. નાટકમાં સાથે પ્રેક્ટિસ કરતા હતા. મને એક છોકરી ગમી ગઈ. મેં તેને પ્રપોઝ કર્યું તો તેણે ના પાડી દીધી. આ છોકરો છઠ્ઠા ધોરણમાં ભણે છે. એ છોકરો ઘરે જઈને રૂમમાં પુરાઈને ધમપછાડા કરવા માંડ્યો. મોબાઈલ, ટીવીના રિમોટ, શો પીસ ફેંકવા લાગ્યો. અતિશય ગુસ્સાના કારણે હિસ્ટેરિયા થઈ જાય એટલે અર્ધબેભાન બનીને પડી જાય. તેના મમ્મી-પપ્પાને લાગ્યું કે ખેંચ આવે છે. પછી ન્યૂરોલોજિસ્ટને બતાવ્યું. ન્યૂરોલોજિસ્ટે કહ્યું કે, આ બાળકને કોઈ મેડિકલ રિઝન લાગતું નથી. પછી કેસ મારી પાસે આવ્યો. તેનું હિપ્નોટિઝમ કરીને પૂછ્યું તો તેણે કન્ફેસ કર્યું કે, અમે પ્રોજેક્ટ કરતા હતા તેમાં એક છોકરી મને ગમવા લાગી હતી. તેણે ના પાડી તો મને થયું કે, તેણે ના કેમ પાડી… તેના મમ્મી-પપ્પા સુરેન્દ્રનગરના. તેમણે મને કહ્યું કે, અમારા ઘરમાં વેબસિરિઝ પણ નથી જોતા. અમે મિડલ ક્લાસ ફેમિલી છીએ. કોઈ મોબાઈલ કલ્ચર પણ નથી. પણ અમારા છોકરાએ ક્યાંથી આ બધું શિખ્યું તે ખબર નથી. એક સમયે તો છઠ્ઠા ધોરણમાં ભણતા છોકરા-છોકરીઓને તો ખબર પણ નહોતી પડતી કે બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ શું છે. પહેલાના સમયમાં અવું હતું કે 15-16 વર્ષે સેક્સના હોર્મોન્સ બને. વિજાતીય આકર્ષણ થાય. આજકાલના બાળકો જંકફૂડ એટલું ખાય છે, લાઈફ સ્ટાઈલ એવી થઈ ગઈ છે. સોશિયલ મીડિયાનો અતિરેક એટલો છે કે 10 કે 12 વર્ષે સેક્સના હોર્મોન્સ બનવાના શરૂ થઈ જાય. મગજ એ ઝડપે ડેવલપ થતું નથી એટલે શરીર મગજ સાથે મેચ થતું નથી. સવાલ-3 : શું બાળકો માટે મોબાઈલ બીમારી બની ગઈ છે? જવાબ : બાળકો માટે મોબાઈલ ટેવ નહીં, બીમારી બની ગઈ છે. પણ આ બીમારી દૂર કરવી તે બાળકના હાથમાં નથી, માતા-પિતાના હાથમાં પણ નથી કે ડોક્ટરના હાથમાં પણ નથી. આ બીમારીનો ઈલાજ માત્ર ને માત્ર સરકારના હાથમાં છે. આ બાબત ઓસ્ટ્રેલિયાની સરકારે સાબિત કરી આપી છે. 10 ડિસેમ્બર 2025થી ઓસ્ટ્રેલિયા સરકારે 16 વર્ષથી નીચેના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો. આને તમે ઓસ્ટ્રેલિયાનું બાળપણ બચાવો આંદોલન પણ કહી શકો. ઓસ્ટ્રેલિયા ચિંતા કરે છે કે ત્યાંના બાળકોમાં સોશિયલ મીડિયાના કારણે મોબાઈલ મેનિયા થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝે કહેલું કે, અમને ખબર છે કે આજના બાળકોના પેરેન્ટ્સ બનવું કેટલું કઠીન થઈ ગયું છે. આવા અલ્ગોરિધમ કે આવા પરિવર્તનનો સામનો અગાઉની પેઢીએ નથી કરવો પડ્યો. અમે સોશિયલ મીડિયા પર બેન મૂકીને બાળકોને તેમનું બાળપણ પાછું આપી રહ્યા છીએ. વડાપ્રધાન અને પોતે આ મુદ્દે કેમેરા સામે આવીને વાત કરે છે. એટલે ત્યાંની સરકાર કેટલી ગંભીર છે. ઓસ્ટ્રેલિયા આવું કરનારો પહેલો દેશ બન્યો છે. ઓસ્ટ્રેલિયાના પગલે ઈન્ડોનેશિયાએ પણ આ કાયદો ઘડ્યો છે. હવે ફ્રાન્સ, ડેનમાર્ક, ગ્રીસ અને કેનેડા પણ કાયદો બનાવી રહ્યા છે અને થોડા સમયમાં આ પ્રકારનો કાયદો લાગૂ કરી શકે છે. ભારતમાં આવો કાયદો કેમ નથી? ટીનએજ બાળકોના માઈન્ડ કેવા થઈ જાય છે તે જુઓ. 2025માં જ દિલ્હીમાં 1400 ટીનએજ બાળકોએ ગુનો કર્યો હતો. તેમાંથી 107 બાળકોએ તો હત્યા કરી છે. ભારતના 10 મોટા શહેરોમાં 13થી 16 વર્ષના બાળકોએ દર 7માંથી 1 બાળકે નશો તો કર્યો જ છે. દિલ્હીમાં જંતર મંતર પર આંદોલન થયું તેમાં 15-15 વર્ષની છોકરીઓ કેવી ગાળો બોલતી હતી તે બધાએ સાંભળ્યું. આ વેબસિરિઝ, સોશિયલ મીડિયા ને રિલ્સની અસર છે. ભારતમાં 15 વર્ષથી નાની ઉંમરના 35 કરોડ બાળકો છે. મા-બાપ એ ચેક નથી કરતા કે તેનો ટીનએજ દીકરો કે દીકરી સોશિયલ મીડિયામાં શું જોઈ રહ્યા છે. કારણ કે મા-બાપ પાસે જ એવો ટાઈમ નથી. બાળકો આજે સ્કૂલમાંથી ઓછું ને રિલ્સમાંથી વધારે શીખે છે. આજના બાળકો પરિવાર કરતાં સોશિયલ મીડિયા ઈન્ફ્યૂએન્સરની વાત વધારે સાંભળે છે. સોશિયલ મીડિયાનું અલ્ગોરિધમ એવું છે કે બાળકોને ખરાબ કન્ટેન્ટ ન બતાવવાના બદલે વધારે ને વધારે બતાવીને કંપનીને માલામાલ કરે છે. પણ ઓસ્ટ્રેલિયાએ પોતાના દેશના બાળકોનું ભવિષ્ય બચાવવા દુનિયાને નવો રસ્તો બતાવ્યો છે. 16 વર્ષથી નીચેના બાળકો ઈન્સ્ટા, ફેસબુક, ટીકટોક, એક્સ, થ્રેટ, યૂટ્યૂબ, સ્નેપચેટ જેવી 10 એપનો ઉપયોગ નહીં કરી શકે. માનો કે 16 વર્ષથી નીચેના બાળકો આવી એપનો ઉપયોગ કરે છે તો તેની જવાબદારી તેના મા-બાપ પર નહીં, સોશિયલ મીડિયા કંપનીઓની રહેશે. ઓસ્ટ્રેલિયામાં તો કાયદો એવો કડક કર્યો છે કે 16 વર્ષ કે તેનાથી નીચેના બાળકને સોશિયલ મીડિયા કંપનીએ એકાઉન્ટ બનાવવાની મંજૂરી આપી તો કંપનીને 300 કરોડ રૂપિયાનો ભારે દંડ ફટકારાશે. વોટ્સએપ, પ્રિન્ટરેસ્ટ, મેસેન્જર, યૂટ્યૂબ કિડ્સ, ડિસ્કોર્ડ અને રોબ્લોસ જેવી એપને છૂટ આપવામાં આવી છે. કારણ કે આ એપ મેસેજિંગ અને ગેમિંગ માટે વધારે ઉપયાગ થાય છે. ઓસ્ટ્રેલિયામાં સોશિયલ મીડિયા એપે 16 વર્ષથી નીચેના મોબાઈલમાંથી હટાવી દેવાઈ છે. કોઈ ખોટી ઉંમર ન નાખે એટલે તેના માટે કેટલાક પુરાવા આપવા પડે છે. ઘણી બધી એપ્સ બાળકોનું બ્રેન વોશ કરે છે. સોશિયલ મીડિયામાં કાંઈ પણ જુએ કે વાંચે ટીન એજર્સ તેને પોતાના વિચાર માની બેસે છે. બાળકોનું બ્રેન સોશિયલ મીડિયા અને વેબસિરિઝે કબજે કરી લીધું છે. સોશિયલ મીડિયાનું બિઝનેસ મોડેલ બાળકોને ટાર્ગેટ કરી રહ્યું છે. બાળકો પરિવારથી દૂર રહેવા લાગ્યા છે. એકલા રહેવા લાગ્યા છે. બધાને રિલેશનશિપમાં રહેવું છે પણ લગ્ન નથી કરવા. એવી વાતો અત્યારથી કરવા લાગ્યા છે. જમતી વખતે પણ ફોનમાં વ્યસ્ત રહે છે. ભારત પાસે સોશિયલ મીડિયા કંટ્રોલ કરવાનો ઉપાય છે. સોશિયલ મીડિયા મફત છે એટલે તેનો ઉપયોગ બેફામ થાય છે. એપ્સનો ઉપયોગ પેઈડ બનાવી દેવામાં આવે તે જરૂરી છે. 16 વર્ષથી નીચેના બાળકોએ પેમેન્ટ નથી કરી શકવાના. કોઈ એપ માટે પેમેન્ટ કરવું હશે તો પેરેન્ટ્સ પાસે માગવું પડશે. 2019માં ચીને કાયદો બનાવ્યો હતો કે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો રોજની 90 મિનિટ ગેમ રમી શકે અને વિકએન્ડમાં 3 કલાક રમવાની છૂટ છે. સાયકિયાટ્રિસ્ટ ડૉ. કલરવ મિસ્ત્રી કહે છે, ટૂંકમાં, બાળકો મોબાઈલ એડિક્ટ બની ગયા છે. ગુજરાતમાં પણ બાળકોની આત્મહત્યાના બનાવો વધતા જાય છે. પેરેન્ટ્સ મોબાઈલ ન આપે તો બાળક ગેલેરીમાંથી કૂદી જવાનો ભય બતાવી, આપઘાતનો પ્રયાસ કરે છે… જુઓ આ AI વીડિયો … સવાલ-4 : ગુજરાતમાં બાળકોના આત્મહત્યાના પ્રમાણમાં કેટલો વધારો થયો? જવાબ : નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યુરો (NCRB)નો રિપોર્ટ ચોંકાવનારો છે. પહેલાં ભારતની વાત કરીએ તો, 2024માં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં એક્ઝામની નિષ્ફળતાને કારણે 1,071 આત્મહત્યાઓ થઈ. રિપોર્ટમાં કુલ 14,488 વિદ્યાર્થી આત્મહત્યાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે પરીક્ષાનું પ્રેશર ચિંતાનો વિષય છે. પણ પરિવારની સમસ્યાઓ, બીમારી અને રિલેશનશિપ સંબંધિત સમસ્યાઓ પણ તેમાં મહત્વની ભૂમિકા ભજવે છે. વાત ગુજરાતની કરીએ તો, રાજ્યમાં છેલ્લા ચાર વર્ષમાં 1,063 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી. 2025ના એક જ વર્ષમાં ગુજરાતમાં 568 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું. આ ગુજરાત માટે ચિંતાજનક બાબત છે. આમાં બાળકોથી માંડીને કોલેજ સ્ટુડન્ટ આવી જાય. 10થી 19 વર્ષની ઉંમર આત્મહત્યા કરવા માટે નથી. છેલ્લા પાંચ જ વર્ષમાં ગુજરાતમાં ટીનએજમાં આત્મહત્યા કરવાના બનાવોમાં 16%નો વધારો થયો છે. ડોમેસ્ટિક વાયોલન્સ, પેરેન્ટ્સના ઝઘડા, કંપેરિઝન કલ્ચર, સોશિયલ મીડિયા ટ્રેન્ડ્સ, રિલેશનશિપ પ્રોબ્લેમ્સ, કરિયર સ્ટ્રેસ, માતા કે પિતાના એકસ્ટ્રા મેરિટલ અફેર વિશે ખબર હોવી આ બધા કારણોથી ટીનએજમાં આત્મહત્યાની ઘટના વધી છે. કેટલી આત્મહત્યા થઈ તેના આંકડા તો ચોંકાવનારા છે જ પણ આ દરેક આંકડાની પાછળ એક પરિવારનો આક્રંદ, એક માતા-પિતાનું તૂટેલું સ્વપ્ન અને અધૂરું ભવિષ્ય છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *