દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી… વિધાનસભાના પોલીસકર્મીઓમાં ડ્રેસને લઈને ગણગણાટ
વિધાનસભામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓના યુનિફોર્મના રંગને લઈને પણ અંદરખાને ગણગણાટ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસ કર્મચારીઓના ડ્રેસનો રંગ અમૂલ કેન્ટીનના કર્મચારીઓના ડ્રેસ સાથે મળતો આવતો હોવાથી કેટલાક પોલીસ કર્મચારીઓમાં એવી ચર્ચા છે કે દૂરથી જોતા તેઓ પોલીસ કરતાં કેન્ટીનના કર્મચારી જેવા લાગે છે. જોકે આ અંગે સત્તાવાર રીતે કોઈ રજૂઆત થઈ હોવાનું સામે આવ્યું નથી. સરકાર ખાનગી માલિકો પાસેથી જમીન ખરીદીને ઘરવિહોણા લોકોને પ્લોટ આપશે
ગામડાંઓમાં ઘરવિહોણા પરિવારોને જમીનના પ્લોટ આપવા માટે અત્યાર સુધી સરકાર માત્ર પોતાની પડતર જમીન, ખરાબા કે ગૌચર પર નિર્ભર રહેતી હતી. પરંતુ સરકારની નવી એસઓપી મુજબ, હવે જો સરકારી જમીન ઉપલબ્ધ નહીં હોય તો સરકાર ખાનગી જમીન પણ ખરીદી શકશે. એટલે કે, હવેથી વિકાસના નકશા પર “સરકારી જમીન નથી” તેવું બહાનું ચાલશે નહીં. જે ગામોમાં ઓછામાં ઓછા ૧૦ ઘરવિહોણા પરિવારો હશે, ત્યાં ગામતળથી 500મીટરની ત્રિજ્યામાં પહેલી પસંદગી સરકારી જમીનની કરાશે અને તે ન મળે તો ખાનગી જમીન ખરીદાશે. વિશેષ વાત એ છે કે આ ખરીદીની જવાબદારી હવે TDO ને બદલે DDOની રહેશે. આવા નિર્ણયને લઈને સચિવાલયમાં ચર્ચા થઈ રહી છે કે, આગામી સમયમાં ભાજપના જ કેટલાક નેતાઓની જમીનને સરકાર ઉંચી કીંમત આપીને ખરીદી લેશે… ગૃહમાં ટીખળ, Instagram અને ભાડાની વાતોથી લઈને ધારાસભ્યોની પાંખી હાજરીની ચર્ચા
વિધાનસભાના ત્રણ દિવસના સત્ર દરમિયાન ગૃહમાં બિલોની ગંભીર ચર્ચા વચ્ચે કેટલાક હળવા-ફુલકા પ્રસંગો પણ ચર્ચામાં રહ્યા. ઉપેન્દ્ર કુશવાહે અમરાઈવાડીના ધારાસભ્ય ડૉ. હસમુખ પટેલની મજાક કરતાં હવે તેમને ગુજરાત ભાજપના યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવશે તેવી ટીખળ કરી હતી. બીજી તરફ, બિલની ચર્ચા ચાલી રહી હતી ત્યારે મંત્રી મનીષા વકીલ Instagram ખોલીને ભાનુબેન સહિત અન્ય ધારાસભ્યોને પોતાના ફોટા બતાવતા હોવાની ચર્ચા રહી. ગુજરાત ભાડા વિધેયકની ચર્ચા દરમિયાન ગોપાલ ઇટાલિયાએ અમદાવાદમાં ₹70 હજારના ભાડે રહેતા હોવા સામે હાલમાં વિસાવદરમાં ₹8 હજારના ભાડે રહેતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ખેતીના મુદ્દે અર્જુન મોઢવાડિયાએ શૈલેષ પરમારને ‘તમને ખેતી કરતા આવડતું નથી’ તેમ કહેતાં શૈલેષ પરમારે ‘અમે બળદ નથી, ખેડૂત છીએ’ કહી જવાબ આપ્યો હતો. આ ઉપરાંત દંડકની સૂચના છતાં કેટલાક ધારાસભ્યોની પાંખી હાજરીની ચર્ચા પણ ગૃહમાં રહી. ત્રણ દિવસનું સત્ર, પણ ચાર દિવસની રજાની ચર્ચા
વિધાનસભાનું ત્રણ દિવસનું સત્ર પૂર્ણ થયા બાદ વિધાનસભા સ્ટાફને મળેલી વધારાની રજાને લઈને સચિવાલયમાં ચર્ચા છે. શનિ-રવિની નિયમિત રજા સાથે સોમવારની વધારાની રજા અને મંગળવારની જાહેર રજા જોડાતા વિધાનસભાના કર્મચારીઓ માટે સળંગ ચાર દિવસની રજા થઈ હોવાનું કહેવાય છે. બીજી તરફ, સત્ર દરમિયાન ધારાસભ્યોની પ્રશ્નોત્તરી માટે સચિવાલય અને જિલ્લા કક્ષાના કર્મચારીઓ દ્વારા જવાબો તૈયાર કરવા સહિતની કામગીરી કરવામાં આવે છે. સમગ્ર વર્ષમાં વિધાનસભાની કામગીરી માટે મર્યાદિત સમયગાળો રહેતો હોવા છતાં સત્ર પૂર્ણ થયા બાદ વિધાનસભા સ્ટાફ દ્વારા વધારાની રજાની માંગણી કરવામાં આવતી હોવાની ચર્ચા છે. ખાસ કરીને પ્રશ્નોત્તરીની તૈયારી માટે સચિવાલય અને જિલ્લા કક્ષાના કર્મચારીઓ કામગીરી કરે છે, જ્યારે વધારાની રજા વિધાનસભાના કર્મચારીઓને મળે છે તેવી ચર્ચા સચિવાલયમાં ચાલી રહી છે. CS અને મંત્રીઓની મૌખિક સૂચનાઓનું પાલન ન કરવા અધિકારીઓએ ટેક્નિકલ બહાના તૈયાર રાખ્યા
મુખ્યમંત્રીએ તમામ IAS અધિકારીઓને વારંવાર સૂચના આપી હતી કે, તમારે સોમ અને મંગળવારે મીટીંગો રાખવાની નથી અને તમારી ઓફીસમાં હાજર રહીને અરજદારોના પ્રશ્નો સાંભળીને તેનો નિકાલ કરવો. આમછત્તા હજુ મોટાભાગના અધિકારીઓ આ બન્ને દિવસે પણ મીટીંગો રાખે છે. છેલ્લા ત્રણેક મહિના દરમિયાન એક ડઝનથી વધુ વખત અલગ અલગ મંત્રીઓએ પોતાના વિભાગના સચિવને કોઈક કામ કરવા માટે મૌખિક સૂચના આપી હતી. આ જ રીતે મુખ્ય સચિવ એમ.કે. દાસ પણ અવારનવાર કમિટી ઓફ સેક્રેટરીઓની બેઠકમાં કેટલીક મહત્વની સૂચનાઓ આપી હતી. પરંતુ સચિવો આવી મૌખિત સૂચનાઓનુ પાલન નથી કરતા. તેઓ એકબીજા સાથે ચર્ચા કરતા હોય છે કે, કામ કરાવવુ હોય તો મંત્રીઓ કે મુખ્ય સચિવ લેખિતમાં કેમ આદેશે નથી કરતા, આપણે શા માટે જોખમ લેવુ. આંગણવાડીની મહીલાઓ-આશાવર્કર બહેનો કહે છે કે,’સેક્રેટરીનુ આશ્વાસન પણ મંત્રી જેવુ’
છેલ્લા કેટલાક સમયથી આંગણવાડીમાં કામ કરી રહેલી મહિલાઓ પોતાના વિવિધ પ્રશ્નોને લઈને ઉપવાસ આંદોલન અને ધરણા પ્રદર્શન કરી રહી છે. ખાસ કરીને આંગણવાડીની મહિલાઓ-આશાવર્કર બહેનોને ખુબ જ ઓછું વેતન મળી રહ્યુ છે.તેઓએ અનેક વખત સરકારમાં તેમજ આ વિભાગના સેક્રેટરી રાકેશ શંકરને મળીને રજૂઆત કરી છે કે, અન્ય રાજ્યો કરતા પણ અમને ઓછું વેતન મળે છે. હાઈકોર્ટનો પણ વધુ વેતનને લઈને આદેશ છે છત્તા તેનુ પાલન કરાતુ નથી. બહેનોનુ કહેવુ છે કે, અમે અનેક વખત આ વિભાગના સક્રેટરીને મળ્યા હતા. તેઓએ અમને આશ્વાસન પણ આપ્યુ હતુ તેમજ મહિલાઓનુ કલ્યાણ થવુ જોઈએ એ પ્રકારની મોટી મોટી વાતો પણ કરી હતી. તેમની મીઠી વાતોથી અમને આશા હતી કે, અમારા પ્રશ્નો ઉકેલાઈ જશે પરંતુ તેઓના વચન પણ રાજકીય નેતા જેવા છે.હવે અમને તેમની પાસેથી કોઈ જ આશા કે અપેક્ષા નથી. આંદોલનને વધુ તેજ કરવાનો નિર્ણય મહીલાઓએ લીધો છે.
સાહેબ મિટિંગમાં છે:વિધાનસભામાં પોલીસકર્મીઓમાં ડ્રેસને લઈ ગણગણાટ, સરકારી ખાનગી માલિક પાસેથી જમીન ખરીદીને ઘરણવિહોણા લોકોને પ્લોટ આપશે!
📅 Published: September 14, 2026 |
📂 Category: gujarati-news
