Anand: ગ્રામ્યના NDPS ગુનામાં નવ વર્ષથી વોન્ટેડ આરોપી મધ્યપ્રદેશમાંથી ઝડપાયો

📅 Published: September 13, 2026 | 📂 Category: Anand

આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPSના ગુનામાં છેલ્લા નવ વર્ષથી નાસતો ફરતો આરોપી મધ્યપ્રદેશમાંથી ઝડપાયો છે. આણંદ જિલ્લા પોલીસની પેરોલ-ર્ફ્લો સ્ક્વોડે બાતમી અને ટેકનિકલ માહિતીના આધારે કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી માટે આણંદ રૂરલ પોલીસને સોંપ્યો છે.

મળતી વિગતો મુજબ, આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં 2017માં NDPS ગુનો નોંધાયો હતો. આ ગુનામાં આરોપી રાકેશભાઈ કેગભાઈ વસુનિયા, મૂળ મેઘનગર આવાસ કોલોની, મધ્યપ્રદેશ અને હાલ ઝાયડા શિવ મંદિર પાસે, તા.જી. ઝાબુઆ, મધ્યપ્રદેશ ખાતે રહેતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. આરોપી લાંબા સમયથી પોલીસથી બચતો ફરતો હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આણંદ જિલ્લા પોલીસ દ્વારા લાંબા સમયથી ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે હાથ ધરાયેલી કોમ્બિંગ કામગીરી દરમિયાન પેરોલ-ર્ફ્લો સ્ક્વોડને આરોપી મધ્યપ્રદેશમાં પોતાના રહેણાક સ્થળે આવ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસ ટીમ મધ્યપ્રદેશ પહોંચી હતી અને આરોપી રાકેશભાઈ વસુનિયાને ઝડપી પાડયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, વર્ષ 2017માં આણંદ વઘાસી ઓવરબ્રિજ પાસે 32 કિલો પોશ-ડોડા, જેની કિંમત આશરે રૂ. 1,14,484 હતી, તે મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો હતો. જ્યારે આ કેસમાં રાકેશભાઈ વસુનિયા ફરાર રહ્યો હતો. ઝડપાયેલા આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. સમગ્ર કામગીરી પેરોલ-ર્ફ્લો સ્ક્વોડના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. પરમારના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. ડી.કે. મોરી, પો.સ.ઈ. જે.બી. વાઘેલા સહિતના પોલીસ કર્મચારીઓએ હાથ ધરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *