ગાંધીનગર પંથકમાં મેઘરાજાની મહેર:પાટનગરમાં સાર્વત્રિક વરસાદથી મુરજાતી મોલાતને નવજીવન મળ્યું

📅 Published: September 14, 2026 | 📂 Category: gujarati-news

સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે ત્યારે પાટનગર ગાંધીનગર જિલ્લામાં પણ સવારથી જ મેઘાવી માહોલ છવાયો છે. ગઈકાલથી ગાંધીનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદનું આગમન થયું છે, જેના કારણે લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો અને નાગરિકોમાં ભારે આનંદની લહેર દોડી ગઈ છે. સવારે 6 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકનો વરસેલો વરસાદ
હવામાન વિભાગના સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો, છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગાંધીનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં સારો એવો વરસાદ નોંધાયો છે. જે મુજબ ગાંધીનગરમાં 22MM ,માણસામાં 28 MM,કલોલમાં 17 MM અને દહેગામ તાલુકામાં 15 MM વરસાદ નોંધાયો છે.વરસાદી માહોલ વચ્ચે વહીવટી તંત્ર દ્વારા પણ સતર્કતા દાખવવામાં આવી રહી છે. નાગરિકોને વીજળીના કડાકા-ભડાકા વખતે સુરક્ષિત સ્થાને રહેવા અને ખુલ્લા ખેતરો કે વૃક્ષો નીચે ઊભા ન રહેવા સૂચના આપવામાં આવી છે. ખેતીપાકને નવજીવન મળતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ પંથકમાં પણ ધીમીધારે વરસાદી માહોલ છવાયો છે. રખિયાલની આસપાસના સામેત્રી, ઉદણ, પાટનાકુવા, પીપળજ, સાહેબજીના મુવાડા, જલિયાનામઠ, ધારિસણા, પટેલપુરા, સગદલપુર, બદપુર, સાંપા અને જીંડવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આ સાર્વત્રિક વરસાદના કારણે ખેતરોમાં પાણી પહોંચતા અતિશય ગરમી અને તાપને કારણે મુર્ઝાતી મોલાત (પાક) ને નવું જીવન મળ્યું છે. ખેડૂતોના મતે આ વરસાદ પાક માટે અત્યંત ગુણકારી સાબિત થશે. હવામાન વિભાગ દ્વારા આજે સવારે જાહેર કરાયેલ વિગતો મુજબ, આગામી ત્રણ કલાક રાજ્યના અનેક જિલ્લાઓ માટે અત્યંત સંવેદનશીલ છે. હવામાન વિભાગે સાબરકાંઠા, અમદાવાદ અને રાજકોટ સહિત રાજ્યના 19 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ રેડ એલર્ટવાળા વિસ્તારોમાં પ્રતિ કલાક 15 મિલીમીટર કે તેથી વધુ ધોધમાર વરસાદ વરસી શકે છે. આ સાથે જ 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની અને મધ્યમથી ભારે ગાજવીજ સાથે જમીન પર વીજળી પડવાની 60 ટકાથી વધુ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નાગરિકોને સાવચેત રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા ખાસ અપીલ કરાઈ છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *