નવી સિવિલ હોસ્પિટલની નર્સિંગ કચેરીમાં ગણેશ સ્થાપના:કર્મચારીઓએ ઉત્સાહભેર જોડાઈને દર્દીઓના સ્વાસ્થ્ય અને લોકકલ્યાણ માટે કરી પ્રાર્થના

📅 Published: September 14, 2026 | 📂 Category: gujarati-news

સુરતની નવી સિવિલ હોસ્પિટલની નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ કચેરી ખાતે વિઘ્નહર્તા શ્રી ગણેશજીની પ્રતિમાની પૂજા-અર્ચના અને આરતી સાથે ભક્તિભાવપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિની પરંપરાને જીવંત રાખી સર્વધર્મ સમભાવના ઉદ્દેશ સાથે યોજાયેલા આ પવિત્ર પ્રસંગમાં હોસ્પિટલનો સમગ્ર નર્સિંગ સ્ટાફ અને અગ્રણીઓ ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલમાં સારવાર માટે આવતા તમામ દર્દીઓ જલ્દી સાજા અને સ્વસ્થ થાય તથા નર્સિંગ સ્ટાફ દ્વારા તેમની વધુ ઉત્તમ અને સચોટ સેવા થઈ શકે તે માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. આ ઉપરાંત, સમાજના સૌ લોકોનું કલ્યાણ થાય, પ્રજા તંદુરસ્ત રહે અને દેશવાસીઓ સુખી-સંપન્ન બને તેવી દાદાના ચરણે કામના કરાઈ હતી. આરોગ્ય સંબંધી તમામ મહત્વપૂર્ણ જાણકારી અને સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ જન-જન સુધી પહોંચે તથા આપણો દેશ વિશ્વગુરુ બનવાની દિશામાં આગળ વધે તેવી ભાવના પણ મજબૂત કરવામાં આવી હતી. આ ગણેશ પૂજા અને આરતીના મંગલ અવસરે તબીબી અધિક્ષક ડૉ. પારૂલ વડગામા અને આર.એમ.ઓ. ડૉ. કેતન નાયક વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ નિરજા પટેલ અને ભાવિની પટેલ તેમજ નર્સિંગ એસોસિએશનની ટીમ, વિવિધ વોર્ડના સ્ટાફ હેડ નર્સ અને આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના સંપન્ન કરાઈ હતી. નિવૃત્ત નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ તથા આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ વાસંતીબેન નાયર દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નર્સિંગ એસોસિએશનના સેક્રેટરી ઇકબાલ કડીવાલા, નિલેશભાઈ લાઠિયા, જગદીશ બુહા, સંજય પરમાર, બિપિનભાઈ અને વિભોર ચુગ વિશેષ ઉપસ્થિત રહી સહયોગ આપ્યો હતો. આ આયોજનનું સૌથી મોટું અને પ્રેરણાદાયી પાસું એ રહ્યું કે તેમાં વિવિધ ધર્મના નર્સિંગ કર્મચારીઓ અને સ્ટાફે ઉત્સાહભેર જોડાઈને ભારતીય સંસ્કૃતિના સાચા અર્થમાં ‘સર્વધર્મ સમભાવ’ અને એકતાનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલમાં તમામ તહેવારો હંમેશાં પરસ્પર સદ્ભાવના સાથે ઉજવવાની પરંપરા રહી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *