મોદીનાં ડિનરમાં જિનપિંગ કેમ ન ગયા?:મીટિંગમાંથી સીધા હોટલ ભેગા, બીજા દિવસે ચીન રવાના, ભારતની કઇ વાતથી સમસમી ગયા? સસ્પેન્સ ઘેરાયું

📅 Published: September 14, 2026 | 📂 Category: International

12 અને 13 સપ્ટેમ્બર દિલ્હીના ભારત મંડપમમાં બ્રિક્સ સમિટ હતી. બ્રિક્સમાં રશિયા, ચીન સહિત 11 દેશો છે અને આ દેશોના વડા ભારતના આમંત્રણ પર દિલ્હી પહોંચ્યા હતા. તેમાં રશિયાના રાષ્ટ્રપતિ વાલ્દીમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ હતા. આ તો થયા સમાચાર. મૂળ ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે 12મીને શનિવારે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશોના વડાઓ માટે ગાલા ડીનર રાખ્યું હતું. આ ડીનરમાં ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ ગયા નહીં. નમસ્કાર, જિનપિંગ મોદીના ડીનરમાં ગયા નહીં તેના બે કારણો સામે આવે છે. પહેલું એ કે તે ચીનથી આવીને સીધા સમિટમાં પહોંચી ગયા. આખો દિવસ મિટિંગ ચાલી એટલે થાકી ગયા હતા. બીજું કારણ એ આવે છે કે શનિવારે સાંજે ભારત-ચીન વચ્ચે દ્વિપક્ષીય મિટિંગ હતી. તેમાં ભારતે અરૂણાચલમાં ઘૂસણખોરીનો મુદ્દો કડક રીતે ઉપાડ્યો. આ વાતથી જિનપિંગ ખુશ નહોતા એટલે ડીનરમાં ગયા નહીં. મોદીના ગાલા ડીનરમાંથી જિનપિંગ કેમ ગયા નહીં? બ્રિક્સના 11 દેશોના વડા ભારતમાં બે દિવસ હતા. તમામને વડાપ્રધાન મોદી તરફથી ગાલા ડીનરનું આમંત્રણ હતું. તેમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ હતું. આ ડીનરમાં ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અને અબુધાબીના ક્રાઉન પ્રિન્સ ગયા નહીં. ચીન કે ભારત સરકાર તરફથી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આવ્યું. પણ એવું કહેવાય છે કે જિનપિંગ 12 સપ્ટેમ્બરે સવારે લાંબી યાત્રા કરીને પહોંચ્યા. પછી બ્રિક્સ સમિટમાં ભાગ લીધો પછી સાંજે 6 વાગ્યે દ્વિપક્ષીય મિટિંગ હતી એટલે થાકી ગયા હતા. તે આરામ કરવા રૂમ પર જતા રહ્યા હતા. બ્રિક્સ સમિટ ચાલી રહી હતી ત્યારે જિનપિંગની તબિયત થોડી ખરાબ લાગતી હતી. ત્યારે મોદીએ વચ્ચે ભાષણ અટકાવીને પૂછ્યું હતું કે તમે ઓકે છો ને? આ દ્વિપક્ષીય મિટિંગમાં ભારતે કડક રીતે ચીનને ઘેર્યું હતું. ભારતે કહ્યું હતું કે ભારત-ચીન સરહદે તણાવ ચલાવી લેવાશે નહીં. ભારતની ભૂમિ અરૂણાચલ પ્રદેશમાં ચીનની ઘૂસણખોરી ચલાવી લેવાશે નહીં. ભારત અને ચીન વચ્ચે ટ્રેડ સારો ચાલે છે. પણ જ્યાં સુધી સીમા વિવાદ ચાલે છે ત્યાં સુધી બીજા કોઈ મુદ્દે સમાધાન થઈ શકે નહીં. આ સાંભળીને જિનપિંગ સમસમી ગયા હતા. તેમણે તો એવું કહી દીધું કે, સીમા પર જે ચાલતું હોય તે ચાલવા દો. એ અલગ મુદ્દો છે. આપણા ટ્રેડમાં સરહદ વિવાદની અસર ન પડવી જોઈએ. ત્યારે ફરી ભારતે કહ્યું કે, એવું ના હોય. પહેલા અરૂણાચલ મુદ્દે વાત કરો પછી બીજી વાત. આ સાંભળીને જિનપિંગ નારાજ થયા હતા. તે સાંજે 7 વાગ્યે હોટેલના રૂમ પર જવા રવાના થઈ ગયા હતા પણ રાત્રે 9 વાગ્યે ગાલા ડીનરમાં આવ્યા નહોતા. રવિવારે 13 તારીખે બપોરે જિનપિંગ ચીન જવા નીકળી ગયા છે. અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ તો રાત રોકાવાના જ નહોતા એ તો શનિવારે સાંજે જ નીકળી ગયા હતા એટલે ડીનરમાં હાજર રહેવાનો સવાલ જ નથી આવતો. ચીનને સીમા વિવાદ સળગતો રાખવો છે ને વેપાર પણ કરવો છે 30 જૂન, 2026ના ઈન્ડિયન એક્સપ્રેસમાં સમાચાર છપાયા હતા. અરૂણાચલ પ્રદેશથી રિપોર્ટર સુકૃતા બરૂઆએ લખ્યું છે કે, અપર સુવાસરી જિલ્લાના તાકસિંગ વિસ્તારમાં ચીની કેમ્પ બની રહ્યા છે. જ્યાં આ કેમ્પ બની રહ્યા છે તે ભારતનો વિસ્તાર છે. ચીને અરૂણાચલના ઘણા વિસ્તારોમાં પગપેસારો કરી દીધો છે. ચીને ભારતની ઘણી જમીનો પર આર્મી કેમ્પ, રસ્તા, પુલ બનાવી લીધા છે. આના માટે ‘સેવ અરૂણાચલ, સેવ તાકસિંગ’ કમિટિ પણ બની છે. જે આંદોલન ચલાવી રહી છે. આ ઘટના બહાર આવ્યા પછી કોંગ્રેસે 13 ઓગસ્ટે લેખિત સ્ટેટમેન્ટ બહાર પાડ્યું કે અમે આ ઘટનાથી ચિંતિત છીએ કે ચીન ભારતના પેટ્રોલિંગ પોઈન્ટ સુધી ભારતીયોને જ નથી જવા દેતા. ઈન્ડિયન આર્મીના ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ માર્ચ મહિનામાં માહિતી આપી હતી કે ચીન આ સરહદીય વિસ્તારમાં 628 ગામ બનાવે છે. 13 ઓગસ્ટ કોંગ્રેસ સ્ટેટમેન્ટ બહાર પાડે છે. 14 ઓગસ્ટે મલ્લિકાર્જુન ખડગેએ આ જ મુદ્દે ટ્વિટ કર્યું હતું અને 15 ઓગસ્ટે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ત્યારે કોંગ્રેસે એવું કહેલું કે શી જિનપિંગ સપ્ટેમ્બરમાં ભારત આવવાના છે ત્યારે મોદીએ આ મુદ્દે વાત કરવી જોઈએ. અલબત્ત, મોદીએ બહુ કડક રીતે વાત મૂકી પણ ખરી. 12 સપ્ટેમ્બરે (જિનપિંગ ભારત પહોંચ્યા એ દિવસે) ધ હિન્દુમાં સમાચાર છપાયા છે. સુહાસીની હૈદર અને વિજેતા સિંહે ઘણા સરકારી સૈન્ય અધિકારીઓ અને આર્મી ઓફિસરો સાથે વાત કરીને રિપોર્ટ બનાવ્યો છે કે તાકસિંગમાં ભારતીય અને ચીની સેનાઓ ફોરવર્ડ પોઝિશનમાં તહેનાત છે. ચીની સેનાઓએ હાઈપોઝિશનમાં ટેન્ટ નાખી દીધા છે. ભારતીય સેનાએ પણ તહેનાતી વધારી દીધી છે. જુલાઈ 2026માં આ જ વિસ્તારમાં બંને સેનાઓ વચ્ચે નાની ઝડપ થઈ હતી. 12 સપ્ટેમ્બરે (જિનપિંગ ભારત પહોંચ્યા એ દિવસે) બ્રિટનના અખબાર ધ ઈન્ડિપેન્ડન્ટે પણ સેટેલાઈટ ઈમેજ સાથેનો રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. તેમાં લખ્યું છે કે અરૂણાચલ પ્રદેશના માલધારીઓએ તેની રિપોર્ટર શ્વેતા સિંહ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, ચરાવાની જમીન પર ઘણા અંદર સુધી ચીની સૈનિકોની ઘૂસણખોરી થઈ ચૂકી છે. આપણે પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં જેટલો રસ દાખવીએ છીએ તેટલો ચીની ઘૂસણખોરીમાં કેમ દાખવતા નથી. ચીનના વિષય પર ભારત સરકારનું મોટા ભાગે મૌન હોય છે. પણ આ વખતે ખુલીને વાત મૂકી છે. ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનની મદદે ચીન પહોંચ્યું હતું 2020માં ગલવાન ઘાટીમાં ભારત-ચીની સૈનિકો વચ્ચે સંઘર્ષ થયો તેમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા. આ બધી વાત સરકારે બહુ મોડેથી જાહેર કરી. ઓપરેશન સિંદૂર વખતે એવા સમાચાર છપાયા હતા કે પાકિસ્તાનને ચીન મદદ કરી રહ્યું છે. 11 મે 2026ના ઈન્ડિયન એક્સપ્રેસ અને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટમાં એવું લખ્યું છે કે ચીને જાહેરમાં સ્વીકાર્યું છે કે ઓપરેશન સિંદૂર વખતે ચીને પાકિસ્તાનને મદદ કરી હતી. આ પહેલાં જુલાઈ 2025માં લેફ્ટનન્ટ જનરલ રાહુલ સિંહ તો ફીકીના કાર્યક્રમમાં જાહેરમાં કહી ચૂક્યા હતા કે ઓપરેશન સિંદૂર દરમિયાન ઉત્તરમાં એક જ સરહદ પર ત્રણ દેશ પાકિસ્તાન, ચીન અને તુર્કીનો સામનો કર્યો. પાકિસ્તાન ફ્રન્ટ પર હતું પણ ચીને તેને બનતી મદદ કરી હતી. ચીન પાકિસ્તાનના ખભે બંદૂક ફોડીને ભારતને નુકસાન કરવા માગતું હતું. ઓપરેશન સિંદૂરના સમયે ચીનની ભૂમિકાને લઈને ઘણી વાતો થઈ છે. 29 જુલાઈ 2025એ સંસદમાં ઓપરેશન સિંદૂરની ચર્ચા થઈ હતી ત્યારે રાહુલ ગાંધીએ ચીનને લઈને સવાલો ઉઠાવ્યા હતા. રાહુલે કહેલું કે, ભારત તો એમ જ માનતું હતું કે તે પાકિસ્તાન સામે લડે છે. પણ પછી મોડેમોડે ખબર પડી કે આપણે માત્ર પાકિસ્તાન સામે નહીં, ચીન સામે પણ લડી રહ્યા છીએ. 2026માં મોદી અને જિનપિંગ ત્રણ વાર મળી ચૂક્યા છે. છતાં પૂર્વી લદ્દાખ અને અરૂણાચલ પ્રદેશમાં ઘૂસણખોરી અને તણાવના સમાચાર સતત આવ્યા કરે છે. બંને દેશ વચ્ચે જ વેપાર છે પણ સરહદ વિવાદમાં મનમેળ નથી. જિનપિંગ – મોદીની મુલાકાતની ટાઈમલાઈન ભારત અને ચીન, વિશ્વાસનો સૌથી મોટો અભાવ ગ્લોબલ અફેર્સના નિષ્ણાત ડો. ડાયલન લોહ માને છે કે ભારત-ચીનનું વાતચીતના ટેબલ પર આવવું એ રિસ્ક મેનેજમેન્ટ છે, કોઈ સ્ટ્રેટેજિક રીસેટ નથી. બંને વચ્ચે સીમા વિવાદ અને એકબીજાની વિદેશ નીતિને કારણે અવિશ્વાસની એટલી ઊંડી ખાઈ છે, જેને ભરવામાં લાંબો સમય લાગી શકે છે. જો બંનેના સંબંધો સુધારવા હોય, તો તેમને ઘણા મુદ્દાઓ પર પાછળ હટવું પડશે. 2025-26માં બંને દેશો વચ્ચે 151 અબજ ડોલરનો વેપાર થયો. તેમાંથી ભારતે ચીન પાસેથી 132 અબજ ડોલરનો સામાન ખરીદ્યો, જ્યારે માત્ર 19 અબજ ડોલરનો સામાન વેચ્યો. એટલે કે ભારતને લગભગ 112 અબજ ડોલરનું નુકસાન થયું, જે ઓલટાઈમ હાઈ છે. ભારત આજે પણ લોહ અયસ્ક, નેફ્થા અને મસાલા જેવી કાચી વસ્તુઓ ચીનને વેચે છે, જ્યારે તેની પાસેથી ઇલેક્ટ્રોનિક્સ, મશીનરી, બેટરી અને સોલર કમ્પોનન્ટ્સ, ફાર્મા કેમિકલ પાવડર જેવી હાઈ વેલ્યૂ પ્રોડક્ટ ખરીદે છે. ભારતની ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિક વાહન, સોલર એનર્જી, ફાર્માસ્યુટિકલ, ટેલિકોમ જેવી ઇન્ડસ્ટ્રીઝ ચીની કાચા માલ, મશીનરી અને કમ્પોનન્ટ્સ પર નિર્ભર છે. ભારત-ચીન પોલિસી એક્સપર્ટ ડો. શ્રીપર્ણા પાઠક માને છે કે ચીન સાથે 100 અબજ ડોલરથી વધુનો વેપાર ખાધ ભારતની સપ્લાય ચેઇન અને ઇન્ડસ્ટ્રીઝ માટે ખતરો છે. આના કારણે ભારત સ્ટ્રેટેજિક મોરચે સિમિત થઈ જાય છે. જ્યારે ચીન ઇચ્છે છે કે સરહદ વિવાદને અલગ રાખીને માત્ર વેપાર વધારવામાં આવે, જે ભારત નથી ઇચ્છતું. બે મહિના પહેલાં વિજય ગોખલેનું પુસ્તક આવ્યું છે. ચાઈનાઝ વોર.. ધ પોલિટિક્સ એન્ડ ડિપ્સોમસી બિહાઈન્ડ ઈટ્સ મિલિટરી કન્સર્ન. આ પુસ્તકમાં વિજય ગોખલેએ લખ્યું છે કે ચીન કેમ ભારત સામે મોટું યુદ્ધ નથી કરતું. ચીન એ પણ ધ્યાન રાખે છે કે સૈન્ય ટકરાવ મોટા યુદ્ધનું રૂપ ન લઈ લે. સાથે સૈન્ય ઘૂસણખોરી કરાવીને પ્રેશર કરી રાખે છે. ચીનને એવો ભ્રમ છે કે તે ભારત પર પ્રેશર કરશે તો તે ન્યૂટ્રલ થઈ જશે. એટલે અમેરિકા તરફ ઝૂકાવ નહીં રાખે. ચીને જ્યારે જ્યારે ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો છે ત્યારે ભારતનો ઝૂકાવ રશિયા અથવા અમેરિકા તરફ વધ્યો છે. ચીનને ભારત સાથે વાતચીત કરવામાં રસ નથી. એ વાતચીત ત્યારે જ કરે છે જ્યારે પોતાનું હિત સાધવું હોય. પૂર્વ વિદેશમંત્રી યશવંત સિન્હાએ મહત્વની વાત કરી બ્રિક્સ સમિટમાં ઘણી એવી બાબતો બની જેણે વિશ્વનું ધ્યાન ખેંચ્યું. પુતિન અને જિનપિંગની સમિટમાં હાજરી, જિનપિંગની ગાલા ડીનરમાં ગેરહાજરી આ બધું તો છે જ. પણ પૂર્વ વિદેશમંત્રી યશવંત સિન્હાએ બહુ મહત્વના મુદ્દા પર ધ્યાન દોર્યું છે. યશવંત સિન્હાએ કહ્યું કે, બ્રિક્સ દેશોમાં ક્યા દેશના વડા આવે છે તેના પર સફળતાનો આધાર રહે છે. દુનિયાના બે શક્તિશાળી નેતા પુતિન અને જિનપિંગ બ્રિક્સ સમિટમાં પહોંચ્યા તે જ મોટી સફળતા છે. સમિટના અંતમાં તમામ બ્રિક્સ દેશોનું જોઈન્ટ ડેક્લેરેશન ઈશ્યૂ થયું. મે મહિનામાં તમામ બ્રિક્સ દેશોના વિદેશ મંત્રી મળ્યા હતા ત્યારે મતભેદોના કારણે જોઈન્ટ સ્ટેટમેન્ટ બહાર નહોતું પડ્યું. પણ આ વખતે જોઈન્ટ સ્ટેટમેન્ટ બહાર પડ્યું તે બીજી સફળતા છે. ખાસ વાત એ છે કે દિલ્હીની બ્રિક્સ સમિટમાં ઈરાનના રાષ્ટ્રપતિ પઝશકિયાં પણ આવ્યા હતા. હું માનું છું કે આટલા મહત્વના સુપ્રીમ લીડર્સની હાજરી છતાં તેનો બહુ મોટો પ્રભાવ જોવા મળ્યો. કારણ કે જ્યારે અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર આક્રમણ કર્યું હતું ત્યારે ભારત થોડું અળગું લાગતું હતું. તેના સુપ્રીમ લીડર ખામેની માર્યા ગયા તો ભારતે પાંચ દિવસ પ્રતિક્રિયા આપી નહોતી. આ બધા વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિનું આવવું ને ભાગીદારી નિભાવવી એ દુનિયાને બહુ મોટો મેસેજ છે. યશવંત સિન્હાએ મહત્વની વાત એ કરી કે ભારતની પરંપરાગત પ્રણાલી પેલેસ્ટાઈન અને ઈઝરાયલને લઈને રહી છે, તે પ્રણાલી મોદીજીના કાર્યકાળમાં તૂટતી દેખાતી હતી. પણ આ સંમેલનના કારણે ભારત ફરી એ જ સ્ટેન્ડ પર આવી ગયું જે પહેલેથી રહ્યું છે. આ જોઈન્ટ સ્ટેટમેન્ટમાં આપણે પેલેસ્ટાઈનના અધિકારોનું સમર્થન કર્યું છે. ઈઝરાયલ ગાઝા કે લેબનાનમાં જે કાંઈ કરી રહ્યું છે તેની ટીકા કરાઈ છે. જોકે ભારતના આ પગલાંથી નેતન્યાહૂના પેટમાં તેલ રેડાયું છે. છેલ્લે, આજથી ગણેશ ઉત્સવની શરૂઆત થઈ છે ત્યારે નરેન્દ્ર મોદીનું વાક્ય યાદ આવે છે. તમને બધાને પણ યાદ હશે. 27 મે 2025માં વડાપ્રધાન મોદી અમદાવાદમાં હતા. તેમણે કહેલું કે, હવે આપણે વિદેશી માલનો ઉપયોગ નહીં કરીએ. પણ દુર્ભાગ્ય જુઓ. ગણેશજી પણ વિદેશથી આવી જાય છે. જીણી આંખોવાળા ગણેશજી આવે છે. ગણેશજીની આંખ પણ ખુલતી નથી. આવું કહીને મોદીએ ચીની માલનો વિરોધ કર્યો હતો. કહેવાય છે કે જિનપિંગ નારાજ થઈને ગયા છે. પણ આપણે ઈચ્છીએ કે સરહદે કોઈ વિઘ્ન ન આવે. સોમવારથી શુક્રવાર સાંજે 7 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ : યશપાલ બક્ષી)


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *