એક ઘૂંટ માણસાઈ

📅 Published: September 14, 2026 | 📂 Category: Nari

ઉનાળાના બપોરનો ધોમધખતો તાપ હતો. ઘડિયાળમાં બે વાગ્યા હતા. રસ્તા પર ડામર પાથરવાનું કામ ચાલી રહ્યું હતું. જમીન એટલી ધગધગે છે કે પગ નીચે ચંપલ પણ ચોંટી જાય. રામુકાકા વારંવાર પોતાના ખભે રાખેલા ફાટેલા ટુવાલથી પરસેવો લૂછી રહ્યા છે. તેમની બાજુમાં પત્ની ગીતાબહેન માથે રૂમાલ બાંધી, તપતી રેતીનાં તગારાં ઉપાડી રહ્યાં છે. તેમનો ત્રણ વર્ષનો દીકરો રાજુ નજીકના બાવળના ઝાડ નીચે, એક ફાટેલી ગોદડી પર સૂતો છે. જેમ જેમ તાપ વધે છે, તેમ તેમ ઝાડનો છાંયડો નાનો થતો જાય છે. રાજુ ગરમીથી જાગીને રડવા લાગે, એટલે ગીતાબહેન કામ પડતું મૂકી દોડી જાય. દીકરાને બે ઘૂંટ પાણી પાઈ, ફરી છાંયડામાં સુવડાવીને પાછાં કામમાં પરોવાઈ જાય.   

ઇજનેર સાહેબે જીપમાં બેઠાં-બેઠાં બૂમ પાડી, `જલદી કામ પતાવો. સાંજ સુધીમાં કામ પૂરું ન થયું, તો એક દિવસનો પગાર કાપી લઈશ.’ રામુકાકાનું ગળું સુકાઈ ગયું હતું. પાણીની બોટલ ખાલી થઈ ગઈ હતી. જીભ તાળવે ચોંટતી હતી. રામુકાકાએ હાથ જોડીને ધીમા અવાજે કહ્યું, `સાહેબ, થોડું પાણી મળશે? ગળું બહુ સુકાય છે, હવે તો ઊભા પણ રહેવાતું નથી.’ ઇજનેર સાહેબે ચશ્માં ઊંચાં કરી કડકાઈથી કહ્યું, `રામુ, કોન્ટ્રાક્ટમાં ક્યાંય નથી લખ્યું કે કંપની પાણી આપશે. અહીં પાણીની વ્યવસ્થા નથી.’   

રામુકાકાએ ફરી પાવડો ઉપાડ્યો, પણ બે તગારાં નાખતાં જ આંખે અંધારાં આવ્યાં. તેઓ ધડામ દઈને તપતા ડામર પર ઢળી પડ્યા. ગરમ ડામર પર પડતાં જ તેમની પીઠ દાઝી ગઈ. ગીતાબહેન આક્રંદ કરી ઊઠ્યાં. આસપાસના મજૂરો દોડી આવ્યા, પણ તેમને ડર હતો કે સાહેબ ગુસ્સે થશે. જોકે, રામુકાકાને બેભાન અવસ્થામાં જોઈને ઇજનેર સાહેબનું કઠણ કાળજું કંપી ગયું. તેઓ દોડીને આવ્યા અને મજૂરોની મદદથી રામુકાકાને ગાડીમાં બેસાડી હોસ્પિટલ પહોંચાડ્યા.   

ડોક્ટરે કહ્યું, `હીટસ્ટ્રોક છે. પાણી અને છાંયડા વગર જીવનું જોખમ છે.’ હોસ્પિટલથી પરત આવી ઇજનેર સાહેબે મોટા શેઠને ફોન કરી પરિસ્થિતિની ગંભીરતા સમજાવી. સાંજે શેઠ પોતે સાઈટ પર આવ્યા. ગાડીમાંથી ઊતરતાં જ તેમનો બૂટ ડામરમાં ચોંટી ગયો. તાપની તીવ્રતાનો તેમને અહેસાસ થયો. મજૂરોની લાલચોળ આંખો અને સુકાયેલા હોઠ જોઈ શેઠની આંખો ભીની થઈ ગઈ. તેમણે તરત આદેશ આપ્યો, `અત્યારે જ મોટો તંબુ બંધાવો! ઠંડા પાણીનાં કેન મુકાવો! દરેક મજૂરને બૂટ, ટોપી અને ગ્લુકોઝ આપો. આજથી બપોરે કામ બંધ!’ શેઠે મજૂરો વચ્ચે ઊભા રહીને કહ્યું, `રામુભાઈ, તમારા લોહી-પરસેવાથી જ આ રસ્તા બને છે. તમારી તબિયત મારા માટે સૌથી પહેલાં છે. આજથી બપોરે આ તંબુમાં આરામ કરજો, પગાર આખો મળશે અને રામુભાઈનો આ અઠવાડિયાનો પગાર ડબલ કરવામાં આવશે.’   

બીજા દિવસથી કામનો સમય બદલાઈ ગયો. હવે રામુકાકા અને સાથીદારો હસતા મોઢે કામ કરે છે. કારણે કે, હવે તપતા રસ્તા પર `માણસાઈનો છાંયડો’ ઊગ્યો છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *