અક્ષર બેટા, તારે મારી એક વાત માનવાની છે. અંશુમાન અંકલનું મૃત્યુ થયું છે અને હમણાં તેમને સ્મશાનગૃહમાં લઈ જઈ અગ્નિસંસ્કાર કરવાના છે, કલાએ આંખમાં આંસુ સાથે કહ્યું.
ચોક્કસ મમ્મી. અંશુમન અંકલને હું ઓળખું જ છું. એ તું અને પપ્પા કોલેજમાં સાથે જ સ્ટડી કરતાં હતાં એટલે એ ક્યારેક આપણે ત્યાં આવતા પણ હતા. એમને એકદમ શું થયું? એમને કોઈ સંતાન નથી? અક્ષરે પૂછ્યું. છે પણ એ એકલા જ હતા. એમનાં પત્ની થોડા વર્ષ અગાઉ જ મૃત્યુ પામ્યાં હતાં અને તેમનો સન ચિરાગ અમેરિકા રહે છે, એ કંઈ આવી શકે એમ નથી એટલે મેં વિચાર્યું કે તું જ એમના અગ્નિસંસ્કાર કરજે.
મમ્મીએ કહ્યા મુજબ અક્ષરે અંશુમાન અંકલની અંતિમ સંસ્કારની વિધિ કરી. એ નાનો હતો ત્યારથી અંશુમન અંકલને જાણતો હતો. મમ્મી એને ઘણીવાર સ્કૂટી પર એક ગાર્ડન આગળ લઈ જતી ત્યારે તેઓ મળતા. તેને કંઈ ને કંઈ ચોકલેટ, બિસ્કિટ, આઈસક્રીમ વગેરે લઈ આપતા. બહુ સારા સ્વભાવના હતા. જોકે, ઘરે ઓછું આવતા, પણ મમ્મી કેમ આટલી બધી દુઃખી થઈ ગઈ. પપ્પાના અવસાન વખતે જેટલી રડતી હતી એથી વધુ એ રડી હતી. મમ્મી બહુ ભાવુક! રાતે પત્ની, બાળકો અને મમ્મી સાથે ડાઈનિંગ ટેબલ પર બેઠો ત્યારે મમ્મીથી કંઈ ન જમાયું. એણે મમ્મીને કહ્યું, મમ્મી, મૃત્યુ તો બધા જ પામે. અંશુમાન અંકલની પણ એજ તો હતી જ. તું તો એટલી દુઃખી થાય છે કે જાણે મારા પપ્પા મૃત્યુ પામ્યા હોય!
પુત્ર અક્ષરના એ શબ્દો સાંભળતાં એ ઊભી થઈને પોતાના બેડરૂમમાં જતી રહી. બારણું બંધ કરીને એ ધ્રૂસકે ધ્રૂસકે રડવા માંડી. એ અક્ષરને કઈ રીતે કહે કે અંશુમાન જ તારા ખરા પિતા હતા. અંશુમાન એનો ખરો મિત્ર હતો. કોલેજમાં તે, અંશુમાન અને અનુજની મિત્ર ત્રિપુટી હતી. હરતાં, ફરતાં સાથે સ્ટડી કરતાં, ફિલ્મો જોતાં ફંક્શનોમાં જતાં અને બહુ મોજ કરતાં.
એને અંશુમાન પ્રત્યે લવ થઈ ગયો હતો. એણે મનોમન જ તેની સાથે મેરેજ કરવાનો નિર્ણય કર્યો અને તેને એક દિવસ એકાંતમાં લવ પ્રપોઝ કરતાં એણે આઈ લવ યુ ટૂ કહ્યા પછી કહ્યું કલા, હું તારી સાથે મેરેજ નહીં કરી શકું. મારા સમાજના રીતરિવાજ મુજબ નાનપણમાં જ મેરેજ થઈ ચૂક્યા છે એ માટે પરિવાર અને સમાજ ખાતર સ્વીકાર્યા વિના છૂટકો નથી. એના એ શબ્દો સાંભળી પોતાનું દિલ તૂટી ગયું હતું, પરંતુ અંશુમાને તેની પીઠ થપાવતાં કહ્યું હતું કે કલા, તું આપણા ખાસ મિત્ર અનુજ સાથે મેરેજ કરી લે. એ તને મારાથી પણ વધુ લવ કરે છે. એને પોતાને અનુજ પણ ગમતો હતો. એટલે સ્ટડી પૂરી થયા બાદ એની સાથે મેરેજ કરી લીધા હતા. જીવન ખરેખર ખૂબ જ આનંદથી વીતી રહ્યું હતું, પરંતુ સાતેક વર્ષ વીતવા છતાં તેને બાળક થતું ન હતું. તેણે ખાનગી રીતે તપાસ કરાવી તો તેના પોતાનામાં કોઈ વાંધો ન હતો. એ મનોમન સમજી ગઈ કે અનુજના સ્પર્મમાં કંઈ ખોટ છે. એ ખૂબ જ વ્યથિત થઈ ગઈ હતી. એને કોઈ પણ ભોગે અનુજને પિતાનું સુખ અપાવવું હતું. અનુજ પણ ઘણીવાર તેમને સંતાન થશે પછી તેને કેટલું વહાલ કરશે તેના માટે શું શું લાવશે વગેરે વાતો કર્યા કરતો. એ પણ ટાપસી પુરાવતી, પરંતુ તપાસ કરાવ્યા બાદ એની ઊંઘ ઊડી ગઈ હતી. એ રાતે ફાટી આંખે શું કરવું એ વિશે વિચાર્યા કરતી. એને આઈવીએફનો વિચાર આવતો હતો, પરંતુ તેથી અનુજને આંચકો લાગશે. છેલ્લે એની નજરમાં અંશુમાન આવ્યો. એણે એનો સંપર્ક કરી પોતાની કરમ કહાણી કહીને મદદ કરવા આજીજી કરી. એણે એનો હાથ પકડી કહ્યું હતું કલા, તારા ખાતર હું કંઈ પણ કરવા તૈયાર છું. હું તો તને સુખી થતી જોવા માંગું છું.
હા, પણ મેરેજ સિવાય કહી એ હસી પડી હતી. બંનેએ ગુપ્ત પ્લાનિંગ કર્યું અને એકાંત મેળવી પતિ-પત્ની તરીકે શારીરિક સુખ માણ્યું. એ જ્યારે પ્રેગ્નન્ટ રહી એ પછી બંનેએ મળવાનું બંધ કરી દીધું. અક્ષરનો જન્મ થયો ત્યારે એ મિત્રના નામે મળવા આવ્યો હતો. પછી એકવાર અનુજ નહોતો આવ્યો ત્યારે વાતચીત કરતાં તેણે તેના તરફ હાથ જોડી કહ્યું હતું, કલા, મને માફ કરજે. મારા કોઈ મેરેજ થયા નથી. હું આજેય એકલો જ છું. તો પછી તેં મારી સાથે કેમ મેરેજ ન કર્યા? કલાએ આંખમાંથી આગ ઓકતાં કહ્યું.
કલા, આપણો અનુજ તને એટલો બધો ચાહતો હતો કે તું મારી સાથે મેરેજ કરત તો એ સહી ન શકત. એ એકવાર બોલ્યો પણ હતો કે અંશુમાન, આ કલા મને નહીં મળે તો હું જાન આપી દઈશ. એ મારો ખાસ મિત્ર હતો એટલે મેં તમને બંનેને મેરેજ કરાવવાનો નિર્ણય કર્યો હતો. બની શકે તો મને માફ કરજે. કહી એ આંખમાં આંસુ સાથે જતો રહ્યો હતો, પરંતુ તેઓ વચ્ચેની વાત બાજુની રૂમમાં આવેલા અનુજે સાંભળી લીધી હતી એટલે જ એ જેવો ગયો એવો જ અનુજે તેની પાસે આવી કહ્યું હતું કે કલા, મેં તારી અને અંશુમાનની વાત સાંભળી લીધી છે. મારા માટે તમે બંનેએ જે ભોગ આપ્યો છે તેનો બદલો હું આ જન્મે તો નહીં વાળી શકું, પરંતુ હવે આ વાત અહીં જ ખતમ કરી દેવાની છે. અનુજને પણ ખબર ન પડવી જોઈએ કે હું જાણું છું. એ વધુ વિચારી રહી હતી ત્યાં જ તેના બેડરૂમનો દરવાજો ખટખટાવતાં અક્ષર બોલી રહ્યો હતો. મમ્મી, દરવાજો ખોલ, કેમ દરવાજો બંધ કરીને સૂતી છે? એણે દરવાજો ખોલીને બેડ પર બેસીને રડતાં રડતાં કહ્યું, અક્ષર, તેં મને પૂછ્યું હતુંને કે મમ્મી આટલી બધી તે પપ્પા વખતે પણ નહોતી રડી, તો તારી વાત સાચી છે, કારણ કે અંશુમાન જ તારા ખરા પિતા હતા. કહી એણે ધ્રૂસકે ધ્રૂસકે રડતાં રડતાં તેને અથથી ઈતિ સુધી વાત કરતાં અક્ષરની આંખમાંથી પાણી વહેવા માંડ્યું. એણે મનોમન અંશુમાનને પ્રણામ કર્યા અને મમ્મીએ તેમના અગ્નિસંસ્કાર કરવા શા માટે કહ્યું તે સમજાઈ ગયું.
