ટ્રેડિશનલ અને મોડર્ન ફેશનનું શ્રેષ્ઠ મિશ્રણ નૌવારી અને રેડી-ટુ-વેર સાડી

📅 Published: September 14, 2026 | 📂 Category: Nari

ભારતીય સંસ્કૃતિમાં તહેવાર હોય એટલે ટ્રેડિશનલ આઉટફિટ્સને પ્રાધાન્ય આપવામાં આવે છે. એમાં પણ ગણેશ ચતુર્થી જેવા પવિત્ર અને ઉત્સાહભર્યા પર્વ પર સાડી પહેરવાનો અનોખો ક્રેઝ હોય છે, પરંતુ દોડધામભરી આધુનિક જીવનશૈલી અને ગરમી-ઉકળાટના વાતાવરણમાં છ મીટરની ભારે સાડીને પાટલીઓ અને પલ્લુ સાથે સંભાળવી દરેક યુવતી કે મહિલા માટે સરળ નથી હોતી. આ જ કારણ છે કે અત્યારે ફેશન વર્લ્ડમાં નૌવારી એટલે કે મહારાષ્ટ્રીયન સાડી અને રેડી-ટુ-વેર સાડીનો ટ્રેન્ડ છે. આ આઉટફિટ્સ પરંપરાગત લુક પણ આપે છે અને પહેરવામાં આરામદાયક રહે છે.  

નૌવારી સાડી

ગણેશ ઉત્સવની વાત આવે અને મહારાષ્ટ્રીયન લુક યાદ ન આવે તે શક્ય જ નથી. `નૌવારી’ એટલે કે નવ વાર લાંબી સાડી. તેને ધોતી સ્ટાઇલમાં પહેરવામાં આવે છે. આ પ્રકારની સાડી પહેરી હરવા-ફરવામાં સરળતા રહે છે. તેને ટ્રેડિશનલ મહારાષ્ટ્રીયન લુક પણ કહે છે. પહેલાંના જમાનામાં નૌવારી સાડી બાંધવામાં ઘણો સમય જતો હતો, પરંતુ અત્યારે માર્કેટમાં રેડીમેઇડ નૌવારી સાડીઓ ઉપલબ્ધ છે. તેને પેન્ટની જેમ માત્ર પહેરી જ લેવાની હોય છે. એમાં મળતાં મટીરિયલની વાત કરીએ તો સિલ્ક, પૈઠણી અને કોટન સિલ્ક ફેબ્રિકમાં નૌવારી સાડીઓ અત્યારે ખૂબ ડિમાન્ડમાં છે. ડાર્ક ગ્રીન, રોયલ બ્લૂ, મિર્ચ રેડ અને બ્રાઇટ યલો જેવા રંગો ગણેશ ચતુર્થી પર રોયલ લુક આપે છે.  

રેડી-ટુ-વેર સાડી

જે યુવતીઓને સાડીની પાટલીઓ બનાવવામાં કે પલ્લુ સેટ કરવામાં તકલીફ પડે છે, તેમના માટે રેડી-ટુ-વેર સાડી વરદાન સમાન છે. આ સાડીને સ્કર્ટ કે જીન્સની જેમ માત્ર એકથી બે મિનિટમાં જ પહેરી શકાય છે. રેડી ટુ વેર એટલે કે પ્રી સ્ટિચ્ડ સાડી કમ્ફર્ટ અને ફેશનનો બેસ્ટ સંગમ છે. સાડી સાથે કમરપટ્ટો અથવા મેચિંગ ફેબ્રિક બેલ્ટ અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં છે. આનાથી ફિગર ખૂબ સરસ દેખાય છે અને પલ્લુ વારંવાર છટકી જવાનો ડર નથી રહેતો. નીચે પલાઝો કે શરારા પેન્ટ હોય અને તેની સાથે જોડાયેલો સાડીનો પલ્લુ હોય. આ ઇન્ડો-વેસ્ટર્ન લુક કોલેજ ગર્લ્સ અને યંગ વર્કિંગ વિમેનમાં અતિશય ફેવરિટ બન્યો છે. લાઇટ વેટમાં ઓર્ગેન્ઝા, શિફોન અને સિકંસ જ્યોર્જટ ફેબ્રિકમાં પ્રી-સ્ટિચ્ડ સાડી ગ્લેમરસ લાગે છે.  

તહેવારોના દિવસે પૂજા, મહેમાનો અને દર્શનની ભાગદોડમાં સાડી પહેરવામાં અડધો કલાક બગાડવાને બદલે રેડી-ટુ-વેર સાડી બે મિનિટમાં પહેરી શકાય છે. આ આઉટફિટ્સ ટ્રેડિશનલ અને મોડર્ન ફેશનનું શ્રેષ્ઠ મિશ્રણ પૂરું પાડે છે, જેથી તમે ભીડમાં અલગ અને આકર્ષક દેખાઈ શકો છો.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *