Ahmedabad News: એક ફૂટ પાણીમાં AMCની ઈલેક્ટ્રીક બસો દોડતી નથી તો ખરીદવાની ક્યાં જરૂર છે: ધારાસભ્યનો સવાલ

📅 Published: September 15, 2026 | 📂 Category: gujarati-news

છેલ્લા બે દિવસથી રાજ્યમાં ભારે વરસાદ ખાબક્યો છે. ગઈકાલે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘ મહેર થઈ હતી. બીજી તરફ સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદમાં શાસકો અને અધિકારીઓની મોટી બેદરકારી સામે આવી હતી. જુલાઈમાં થયેલા વરસાદથી બોધ પાઠ નહીં લેતા ગઈકાલના વરસાદમાં પણ શહેર પાણીમાં ડૂબ્યું હતું. સવારથી જ વરસાદ શરૂ થતાં સ્કૂલ બસો પણ વરસાદી પાણીમાં ફસાઈ હતી. આ ઉપરાંત એએમટીએસની બસો પણ રસ્તા પર ભરાઈ ગયેલા પાણીમાં બંધ પડી ગઈ હતી. બસના ડ્રાઈવરોએ બંધ પડેલી બસ પાણીમાં જ ઉભી કરી દેતા મુસાફરો રોષે ભરાયા હતાં. 

પેસેન્જરોને રઝળતા મૂકવાનો વિવાદ વકર્યો

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસો એક ફૂટ પાણીમાં બંધ કરીને મૂકી દઈ પેસેન્જરોને રઝળતા મૂકવાનો વિવાદ વકર્યો છે.વાસણામાં અંદાજે ચાર બસો પાણીમાં બંધ કરીને મૂકી દેવા સામે એલિસબ્રિજના સત્તાપક્ષના ધારાસભ્ય અને પૂર્વ મેયરે પ્રશ્ન ઉઠાવતાં મ્યુનિ.તંત્ર ફસાઈ ગયું હતું.ધારાસભ્યએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, એક ફૂટ પાણીમાં ઇલેક્ટ્રિક બસ ચાલી શકતી નથી તો ખરીદવાની ક્યાં જરૂર છે ? જેના જવાબમાં AMTS વિભાગ ગોળ ગોળ જવાબ આપી છટકી ગયું હતું.બીજી તરફ સ્કૂલ બસની બે ઘટના બની હતી, જેમાં શેલામાં બસ પાણીમાં ફસાતાં બાળકોનું રેસ્કયુ કરાયું હતું, જ્યારે મકરબામાં બસ ખાડામાં ઊતરી ગઈ હતી.

વાસણામાં ઇલેક્ટ્રિક AMTSની બસો બંધ કરીને મૂકી દેવાઇ

બસો ઓપરેટરોના લાભાર્થે ચાલતી હોય તેવા વિપક્ષ દ્વારા આક્ષેપ પણ કરાયા છે.વાસણામાં ઇલેક્ટ્રિક AMTSની બસો બંધ કરીને મૂકી દેવાઇ હતી. શરૂઆતમાં લાગ્યું કે, ઇલેક્ટ્રિક બસમાં ટેકનિકલ સમસ્યા લાગે છે.પરંતુ એલિસબ્રિજના ધારાસભ્ય અને પૂર્વ મેયરે તપાસ કરતાં બસ ચાલકે કહ્યું કે, પાણી ભરાઈ ગયાં છે એટલે ઉપરથી ઇલેક્ટ્રિક બસ બંધ રાખીને ઊભી રાખવાનો આદેશ છે.પૂર્વ મેયરે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, એક કે બે ફૂટ પાણીમાં ઇલેક્ટ્રિક બસો બંધ થઈ જતી હોય તો ખરીદવાની ક્યાં જરૂર છે ? અન્ય એક કિસ્સામાં શેલામાં સ્કૂલ બસ પાણીમાં ભરાઈ જતાં અન્ય બસ લાવીને બાળકોને હેમખેમ શિફ્ટ કરાયાં હતાં. જ્યારે મકરબામાં બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. ફાયર ટીમ પહોંચે તે પહેલાં જ બાળકોને બચાવી લેવાયાં હતાં.

AMTS-BRTSની 1350 બસોમાંથી 380થી વધુ EV બસો 

મ્યુનિ.ટ્રાન્સપોર્ટ અને જનમાર્ગ વિભાગ દ્વારા વરસાદી પાણી ભરાય એટલે ઇલેક્ટ્રિક બસો બંધ કરીને મૂકી દઈ કોન્ટ્રાક્ટરોને લાભ કરી અપાતો હોવાનું પુરવાર થયું છે.હાલ અંદાજે AMTSની 1000માંથી 136 ઇલેક્ટ્રિક બસ અને BRTSની 350માંથી 250 ઇલેક્ટ્રિક બસો છે.આમ અંદાજે 1350 બસોમાંથી 380થી વધુ ઇલેક્ટ્રિક બસો છે.વિભાગના સૂત્રોએ કહ્યું કે,બસ પાણીના લીધે બંધ કરાતી નથી પણ કોર્પોરેશનના ખરાબ રસ્તાના લીધે બસોને નુકસાન થાય નહીં એટલે બંધ રખાય છે.

આ પણ વાંચોઃ Tapi: વાલોડના દાદરીયામાં ફરી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોને રાહત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *