ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની 3 મેચની T20I સીરિઝનો બીજો મુકાબલો 15 સપ્ટેમ્બરે રમાશે. પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરીને અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. હવે બીજા મુકાબલા પહેલા સૌથી વધુ ચર્ચા ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ XIને લઈને થઈ રહી છે.પ્રથમ મેચમાં કેટલાક ખેલાડીઓનું પ્રદર્શન અપેક્ષા પ્રમાણે રહ્યું નહોતું. તેથી બીજા મુકાબલામાં ટીમ મેનેજમેન્ટ પ્લેઇંગ XIમાં ફેરફાર કરશે કે નહીં તેના પર સૌની નજર છે. ખાસ કરીને સંજુ સેમસન અને 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને લઈને ચર્ચા ચાલી રહી છે.
શું સંજુ સેમસનને બહાર બેસાડવામાં આવશે?
પ્રથમ T20Iમાં સંજુ સેમસનને ઓપનિંગ કરવાની તક આપવામાં આવી હતી. જોકે, તે 8 બોલમાં માત્ર 10 રન બનાવી શક્યો હતો. હવે સવાલ એ છે કે શું ટીમ મેનેજમેન્ટ બીજા મુકાબલામાં સંજુની જગ્યાએ વૈભવ સૂર્યવંશીને તક આપશે?વૈભવને પ્રથમ મેચમાં અંતિમ 11 ખેલાડીઓમાં સામેલ કરવામાં આવ્યો નહોતો અને સંજુને પ્રાથમિકતા આપવામાં આવી હતી. આ નિર્ણયને લઈને પહેલાથી જ ક્રિકેટ ચાહકોમાં ચર્ચા હતી. જોકે, સંજુ સેમસનને બીજા મુકાબલામાં પણ પોતાની ક્ષમતા સાબિત કરવાની એક તક આપવામાં આવે તેવી શક્યતા વધુ છે.
વૈભવ સૂર્યવંશીને મળશે તક?
15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ છેલ્લા કેટલાક સમયથી પોતાની બેટિંગથી ક્રિકેટ જગતમાં ખાસ ઓળખ બનાવી છે. જો તેને બીજા T20માં તક મળે છે તો તે અભિષેક શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે.આ સ્થિતિમાં ઈશાન કિશનને વિકેટકીપર તરીકે જવાબદારી સોંપવામાં આવી શકે છે. વૈભવે જુલાઈ 2026માં ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું. 3 ઇનિંગ્સમાં તેણે કુલ 151 રન બનાવ્યા હતા અને તેને સીરિઝનો શ્રેષ્ઠ ખેલાડી જાહેર કરવામાં આવ્યો હતો.
ભારત પાસે સીરિઝ જીતવાની તક
પ્રથમ T20Iમાં ભારતે 157 રનનો લક્ષ્યાંક માત્ર 13.4 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. અભિષેક શર્માએ માત્ર 32 બોલમાં 82 રનની તોફાની ઇનિંગ રમી હતી. ઈશાન કિશને પણ 42 રન બનાવી ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.બીજા મુકાબલામાં ટીમ મેનેજમેન્ટ નીતિશ કુમાર રેડ્ડીની જગ્યાએ વૉશિંગ્ટન સુંદરને તક આપી શકે છે. પ્રથમ મેચમાં નીતિશે 2 ઓવર બોલિંગ કરીને 30 રન આપ્યા હતા.બીજી તરફ ઈજાગ્રસ્ત વરુણ ચક્રવર્તીની જગ્યાએ રવિ બિશ્નોઈને અંતિમ 11માં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.ભારત પાસે હવે બીજો મુકાબલો જીતીને સીરિઝ 2-0થી પોતાના નામે કરવાની તક છે. જોકે, સૌથી મોટો સવાલ એ રહેશે કે ટીમ મેનેજમેન્ટ સંજુ સેમસન પર ફરી વિશ્વાસ કરશે કે પછી વૈભવ સૂર્યવંશીને ટીમમાં સ્થાન મળશે.
ભારતની સંભવિત પ્લેઇંગ XI
અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, તિલક વર્મા, વૉશિંગ્ટન સુંદર, શિવમ દુબે, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને રવિ બિશ્નોઈ.
અફઘાનિસ્તાનની સંભવિત પ્લેઇંગ XI
ઇબ્રાહિમ ઝાદરાન, રહમાનુલ્લાહ ગુરબાઝ, સેદિકુલ્લાહ અટલ, દરવિશ રસૂલી, અજમતુલ્લાહ ઓમરઝાઈ, ગુલબદીન નાયબ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, મુજીબ ઉર રહમાન, નૂર અહમદ અને ફઝલહક ફારૂકી.
આ પણ વાંચો – IND vs AFG 2nd T20I : દિલ્હીમાં ભારત-અફઘાનિસ્તાન વચ્ચે આજે ટક્કર,કોણ મારશે બાજી?
