IND vs AFG 2nd T20I : દિલ્હીમાં ભારત-અફઘાનિસ્તાન વચ્ચે આજે ટક્કર,કોણ મારશે બાજી?

📅 Published: September 15, 2026 | 📂 Category: cricket

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે T20I સીરિઝની બીજી મેચ આજે નવી દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.પ્રથમ મેચમાં શાનદાર જીત મેળવી ભારતીય ટીમે સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. હવે ટીમ ઇન્ડિયાની નજર બીજો મુકાબલો જીતીને સીરિઝ પોતાના નામ કરવા પર રહેશે. બીજી તરફ અફઘાનિસ્તાન માટે આ મેચ કરો યા મરો જેવી સ્થિતિ સમાન છે. જો અફઘાનિસ્તાન આ મેચ હારી જશે તો સીરિઝ જીતવાની તેની આશા પૂરી થઈ જશે.પ્રથમ T20Iમાં અફઘાનિસ્તાનની ટીમ પોતાના શ્રેષ્ઠ ફોર્મમાં જોવા મળી નહોતી. ટીમના ખેલાડીઓ ભારત સામે લયમાં આવી શક્યા નહોતા અને હવે બીજા મુકાબલામાં મજબૂત વાપસી કરવાનો પ્રયાસ કરશે. અફઘાનિસ્તાન પાસે રાશિદ ખાન, મોહમ્મદ નબી, રહમાનુલ્લાહ ગુરબાઝ અને અજમતુલ્લાહ ઓમરઝાઈ જેવા અનુભવી ખેલાડીઓ છે, જે કોઈપણ સમયે મેચનું ચિત્ર બદલી શકે છે.

દિલ્હીનું હવામાન કેવું રહેશે?

15 સપ્ટેમ્બરે દિલ્હીમાં દિવસ દરમિયાન હવામાનમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે.મહત્તમ તાપમાન લગભગ 33 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે,જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે.દિવસ દરમિયાન આકાશમાં વાદળોની આવ-જાવ જોવા મળી શકે છે અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડી શકે છે.જોકે, મેચ સાંજે રમાવાની હોવાથી હવામાન વધુ અનુકૂળ રહેવાની આશા છે. સાંજના સમયે વરસાદ મેચમાં મોટો વિઘ્ન ઉભો કરે તેવી શક્યતા ઓછી છે.જેના કારણે ક્રિકેટ ચાહકોને ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 40 ઓવરની રોમાંચક ટક્કર જોવા મળી શકે છે.

અરુણ જેટલી સ્ટેડિયમની પિચ રિપોર્ટ

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમની પિચ સામાન્ય રીતે બેટિંગ માટે મદદરૂપ માનવામાં આવે છે. અહીં બાઉન્ડ્રી પ્રમાણમાં નાની છે અને આઉટફિલ્ડ પણ ઝડપી હોવાથી બેટ્સમેનોને મોટા શોટ રમવામાં ફાયદો મળી શકે છે. સ્ક્વેર બાઉન્ડ્રી લગભગ 65 મીટર અને સ્ટ્રેટ બાઉન્ડ્રી લગભગ 68 મીટરની આસપાસ છે.પીચ પર બોલને સારો ઉછાળો મળી શકે છે, જેના કારણે બોલ બેટ પર સારી રીતે આવી શકે છે. શરૂઆતના ઓવરોમાં ઝડપી બોલરોને થોડી સ્વિંગ મળી શકે છે. જોકે, મેચ આગળ વધતાં પીચ બેટિંગ માટે વધુ સારી બની શકે છે. સૂકી સપાટીને કારણે મધ્ય ઓવરોમાં સ્પિનરોને પણ થોડી પકડ અને મદદ મળવાની શક્યતા છે.

મેચ કેટલા વાગ્યે શરૂ થશે?

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેનો બીજો T20I મુકાબલો સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ટોસ સાંજે 7:00 વાગ્યે થશે. ભારતીય ટીમ આ મેચ જીતીને સીરિઝમાં 2-0ની અજેય લીડ મેળવવા માંગશે, જ્યારે અફઘાનિસ્તાન સીરિઝમાં વાપસી માટે પૂરી તાકાત લગાવશે.

બંને ટીમોની સંભવિત પ્લેઇંગ XI

અફઘાનિસ્તાન:ઇબ્રાહિમ ઝાદરાન, રહમાનુલ્લાહ ગુરબાઝ, સેદિકુલ્લાહ અટલ, દરવિશ રસૂલી, અજમતુલ્લાહ ઓમરઝાઈ, ગુલબદીન નાયબ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, મુજીબ ઉર રહમાન અથવા નવીન-ઉલ-હક, નૂર અહમદ, ફઝલહક ફારૂકી.

ટીમ ઈન્ડિયા :અભિષેક શર્મા, સંજુ સેમસન, ઇશાન કિશન, શ્રેયસ ઐયર, તિલક વર્મા, શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, રવિ બિશ્નોઈ.

આ પણ વાંચો – Trophy chor નકવીનું નાક કપાયું, પાકિસ્તાન ફેન્સે કહી આ વાત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *