ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મુંબઈ ખાતે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર (SRMD) દ્વારા આયોજિત પર્યુષણ મહાપર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા અને ગુરુદેવ રાકેશજીના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે હર્ષ સંઘવીએ ‘પાવર ઑફ વન’ અભિયાનની આ વર્ષની આવૃત્તિનો શુભારંભ કર્યો. ગુરૂદેવ પ્રેરિત શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેરના આ વૈશ્વિક અભિયાનનો હેતુ લોકોને જરૂરિયાતમંદો માટે પોતાની વસ્તુઓ જેમ કે કપડાં, વાસણો, રમકડાં, અનાજ અને અન્ય જરૂરી સામગ્રી વગેરે આપવા પ્રેરણા આપવાનો છે, જેથી મેળવનારના જીવનમાં ગૌરવ, સન્માન અને આનંદ લાવી શકાય. 2019 થી અત્યાર સુધીમાં આ અભિયાન દ્વારા 50 લાખથી વધુ વસ્તુઓનું વિતરણ થઈ ચૂક્યું છે. આ અવસરે ગુરુદેવ રાકેશજીની 60મી જન્મજયંતિ નિમિત્તે ‘Aho Gurudev – 60 Years of an Enlightened Existence’ – આ વૈશ્વિક ઉજવણીની જાહેરાત કરવામાં આવી તથા તેનું સ્મૃતિગીત ‘Aho Gurudev’ રજૂ કરવામાં આવ્યું. આ ઉજવણી 25 અને 26 સપ્ટેમ્બરે મુંબઈના Jio Convention Centre ખાતે યોજાશે. શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા આયોજિત આઠ દિવસીય પર્યુષણ મહાપર્વને ઉજવવા ભારત તથા વિશ્વભરમાંથી હજારો ભાવિકો એકત્રિત થયા છે. ગુરુદેવ રાકેશજીની પાવન નિશ્રામાં થતી આ ઉજવણીઓ પર્યુષણને માત્ર ઉપવાસ કે ક્ષમાપર્વ તરીકે નહીં, પરંતુ બાહ્ય જગતના કોલાહલથી વિરામ લઇ પોતાના આંતરિક સ્વરૂપ સાથે પુનઃજોડાવાની આધ્યાત્મિક યાત્રા તરીકે પ્રસ્તુત કરે છે. આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “ગુરુદેવ રાકેશજીના સત્સંગનો મને અનેકવાર લાભ મળ્યો છે, એ મારું સૌભાગ્ય છે. શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના આધ્યાત્મિક અને સામાજિક ક્ષેત્રના વિવિધ અભિયાનોને નજીકથી નિહાળવાની અને તેમાંથી શીખવાની મને તક મળી છે. હું ગુરુદેવ રાકેશજીનો આભાર માનું છું કે તેઓએ ધરમપુરમાં માનવતાનો ધર્મ મહેકાવ્યો છે. વિશ્વના હજારો યુવાનોને સશક્ત બનાવ્યા છે અને આધ્યાત્મિક માર્ગ તરફ સહજતાથી, કોઈ દબાણ વગર, આનંદપૂર્વક વાળ્યા છે. આવતી પેઢી માટે આનાથી મોટી ભેટ કોઈ ન હોઈ શકે. ગુરુદેવની 60મી જન્મજયંતીની ઉજવણીના આ પાવન અવસરે, કૃતજ્ઞતાની નમ્ર અભિવ્યક્તિરૂપે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર સાથે સેવાકાર્ય માટે સમય અર્પણ કરવાની અને આ ઉમદા દૃષ્ટિમાં મારાથી શક્ય હોય તે રીતે યોગદાન આપવાની મારી હાર્દિક ભાવના છે.” મુંબઈના વરલી સ્થિત SVP Stadium ખાતે યોજાયેલી આ પર્યુષણ મહાપર્વની ઉજવણીઓની વિશિષ્ટતા એ રહી કે ગુરુદેવ રાકેશજીએ ગહન આધ્યાત્મિક જ્ઞાનને એક જીવંત, અનુભૂતિસભર યાત્રામાં રૂપાંતરિત કર્યું. હૃદયસ્પર્શી પ્રવચનો દ્વારા તેમણે સાધકોને સાંભળવા, આત્મનિરીક્ષણ કરવા, ધ્યાનમાં ઊતરવા અને અંતરના પરિવર્તનની સંભાવનાને અનુભવવા પ્રેરિત કર્યા. સાથે જ દરરોજ મંગલમય સ્નાત્રપૂજા, ભાવવિભોર કરતી ભક્તિ સંધ્યા ‘Titthayara Me Pasiyantu’, ભારતનો સૌથી મોટો ઇન્ડોર Sound Bath Meditation Experience, યુવાઓ માટેનો ‘Global Youth Live: Ritual to Spiritual’, SRMD Divinetouchના વિદ્યાર્થીઓ દ્વારા “રાજા શ્રેણિકની પરમ ભક્તિ’નાટ્યપ્રયોગ, ભગવાન મહાવીરના જન્મોત્સવની ઉજવણી ‘મંગલમય જન્મોત્સવ’ તથા કુમાર ચેટર્જીની આત્મસ્પર્શી ભક્તિ – આ તમામ ભક્તિમય કાર્યક્રમો દ્વારા પર્યુષણનો આધ્યાત્મિક ભાવ અનેકવિધ સ્વરૂપે પ્રગટ્યો. સાથે સાથે વિવિધ સેવાકાર્યોએ કરુણાને કાર્યાન્વિત કરી. વર્ષોવર્ષ પર્યુષણની આ પાવન યાત્રા સાથે જોડાતા હજારો સાધકો માટે તેનો શાશ્વત સંદેશ અત્યંત વ્યક્તિગત છે -બાહ્ય ઘોંઘાટ વચ્ચે થોભવું, અંતરમાં જોવું અને પોતાના સત્ય સ્વરૂપની નજીક પહોંચવું.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુરુદેવ રાકેશજીના આશીર્વાદ મેળવ્યા:મુંબઈમાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા થઇ રહેલ પર્યુષણ મહાપર્વની ઉજવણીમાં ‘પાવર ઑફ વન’ અભિયાનનો શુભારંભ કર્યો
📅 Published: September 15, 2026 |
📂 Category: gujarati-news
