બાંગ્લાદેશની ઢાકા યુનિવર્સિટીમાં પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીન્નાની તસવીરોને લઈને વિવાદ થયો છે. યુનિવર્સિટીના સેન્ટ્રલ સ્ટુડન્ટ્સ યુનિયન (DUCSU)ના નવા આર્કાઇવમાં ઝીન્નાની ત્રણ તસવીરો લગાવવામાં આવી હતી. જેનો વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો અને ઝીન્નાની એક તસવીર ફાડી નાખી. તેના જવાબમાં વિદ્યાર્થી સંગઠનના નેતાએ તે જ જગ્યાએ જમાત-એ-ઇસ્લામીના પૂર્વ પ્રમુખ ગુલામ આઝમની તસવીર લગાવી દીધી. આ પછી વિવાદ વધુ વકર્યો. મામલો વધતા યુનિવર્સિટી પ્રશાસને DUCSUના કેટલાક હાલના નિર્ણયોને નિયમો વિરુદ્ધ ગણાવ્યા અને કાર્યવાહીની ચેતવણી આપી. વિદ્યાર્થી સંઘે કહ્યું- સન્માન નહીં, ઇતિહાસ બતાવવાનો હેતુ DUCSUના નવા તૈયાર કરાયેલા આર્કાઇવનું ઉદ્ઘાટન રવિવારે થયું હતું. અહીં 1905 થી 1971 સુધી ઢાકા યુનિવર્સિટીના ઇતિહાસ સાથે સંબંધિત સામગ્રી રાખવામાં આવી છે. આર્કાઇવમાં ઝીન્ના સાથે સંબંધિત ત્રણ તસવીરો સામેલ હતી. તેમાં એક 1948ની તસવીર હતી. જેમાં ઝીન્ના ઢાકાના તત્કાલીન રેસકોર્સ ગ્રાઉન્ડમાં ઉર્દૂને પાકિસ્તાનની એકમાત્ર રાજ્ય ભાષા બનાવવાની વાત કહી રહ્યા હતા. બીજી તસવીર 1940માં ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગના લાહોર અધિવેશનની હતી. ત્રીજી 1970ની ચૂંટણી સાથે સંકળાયેલા ‘ડોન’ અખબારની કટિંગ હતી. DUCSU સચિવ ફાતિમા તસ્નીમ જુમાએ કહ્યું કે આ તસવીરો જિન્નાના સન્માનમાં લગાવવામાં આવી ન હતી. તેમનું કહેવું હતું કે આર્કાઇવનો હેતુ યુનિવર્સિટીનો ઇતિહાસ દર્શાવવાનો છે. તેથી તે સમયની મહત્વપૂર્ણ ઘટનાઓ અને તેની સાથે સંકળાયેલા લોકોની તસવીરો પણ લગાવવામાં આવી છે. DUCSUના જીએસ એસએમ ફરહાદે પણ કહ્યું કે જિન્નાની ઉર્દૂવાળી તસવીર તેમના સમર્થનમાં ન હતી. તેને એટલા માટે રાખવામાં આવી હતી જેથી લોકોને ખબર પડે કે ભાષાના મુદ્દે જિન્નાનું શું વલણ હતું અને તેનો વિરોધ શા માટે થયો. વિદ્યાર્થીઓ બોલ્યા- મુજીબુર રહેમાનનો ફોટો કેમ નહીં તસવીરો સામે આવ્યા બાદ કેટલાક વિદ્યાર્થી સંગઠનોએ તેનો વિરોધ શરૂ કરી દીધો. તેમનું કહેવું હતું કે ઢાકા યુનિવર્સિટીનો ઇતિહાસ ભાષા આંદોલન અને 1971ની આઝાદીની લડાઈ સાથે જોડાયેલો છે. આવી સ્થિતિમાં જિન્નાની તસવીરોને આર્કાઇવમાં સ્થાન આપવું યોગ્ય નથી. વિદ્યાર્થીઓએ એ પણ સવાલ ઉઠાવ્યો કે આર્કાઇવમાં જિન્નાની ત્રણ તસવીરો છે, પરંતુ બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની કોઈ એકલી અને મુખ્ય તસવીર નથી. સોમવારે આ વિરોધ વધુ ઉગ્ર બન્યો.
ઢાકા યુનિવર્સિટીમાં જિન્નાની તસવીરો પર વિવાદ:વિદ્યાર્થીઓએ ફાડીને હટાવી, જમાતના પૂર્વ ચીફ ગુલામ આઝમની તસવીર લગાવી
📅 Published: September 15, 2026 |
📂 Category: International
