WCPLમાં સુષ્મા વર્માની નાઈટ રાઈડર્સમાં ધમાકેદાર એન્ટ્રી

📅 Published: September 15, 2026 | 📂 Category: cricket

વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલી મહિલા કેરેબિયન પ્રીમિયર લીગ એટલે કે WCPLની નિર્ણાયક મેચો પહેલાં ત્રિનબાગો નાઈટ રાઈડર્સે પોતાની ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. ભારતીય વિકેટકીપર-બેટર સુષ્મા વર્માને ટીમમાં સામેલ કરવામાં આવી છે. સુષ્મા વર્માને યાસ્તિકા ભાટિયાની જગ્યાએ ટીમમાં સ્થાન મળ્યું છે. યાસ્તિકા ભારત Aની આગામી શ્રેણી માટે સ્વદેશ પરત ફરી છે.યાસ્તિકા ભાટિયા WCPL 2026માં શાનદાર ફોર્મમાં જોવા મળી હતી. તે હાલમાં આ સ્પર્ધામાં સૌથી વધુ રન બનાવનારી બેટર્સમાં બીજા ક્રમે છે. જોકે, ઓસ્ટ્રેલિયા A સામેની આગામી શ્રેણી માટે ભારત Aની ટીમની કમાન સંભાળવાની હોવાથી યાસ્તિકાને WCPL છોડીને ભારત પરત ફરવું પડ્યું છે.

સુષ્મા વર્મા માટે મોટી તક

સુષ્મા વર્મા માટે લાંબા સમય બાદ ઉચ્ચ સ્તરના ક્રિકેટમાં પરત ફરવાની આ મહત્વની તક છે.તે છેલ્લે 2023માં દક્ષિણ આફ્રિકામાં રમાયેલી T20 આંતરરાષ્ટ્રીય ત્રિકોણીય શ્રેણી દરમિયાન ભારતીય ટીમનો ભાગ બની હતી.જોકે,તે સીરિઝમાં તેને રમવાની તક મળી નહોતી.ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં પણ સુષ્માનો અનુભવ અત્યાર સુધી મર્યાદિત રહ્યો છે. તેણે 2023ની મહિલા પ્રીમિયર લીગમાં ગુજરાત જાયન્ટ્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું.તે સિઝનમાં સુષ્માએ 5 ઇનિંગ્સમાં 42 રન બનાવ્યા હતા.2025-26ના ઘરેલુ વનડે સ્પર્ધામાં તેણે 6 ઇનિંગ્સમાં 9 છગ્ગા ફટકાર્યા હતા.આ આંકડો સ્પર્ધામાં કોઈપણ ખેલાડી દ્વારા ફટકારવામાં આવેલા ત્રીજા સૌથી વધુ છગ્ગા હતા.સુષ્માએ WCPLમાં જોડાવા અંગે ખુશી વ્યક્ત કરી છે.

WCPLમાં છઠ્ઠી ભારતીય ખેલાડી

સુષ્મા વર્મા WCPL 2026માં રમનારી 6ઠ્ઠી ભારતીય ખેલાડી બની છે. તેના સિવાય યાસ્તિકા ભાટિયા અને શિખા પાંડે ત્રિનબાગો નાઈટ રાઈડર્સ સાથે જોડાયેલી હતી. જ્યારે કિરણ નવગિરે, પૂજા વસ્ત્રાકર અને હરલીન દેઓલ બાર્બાડોસ ટ્રાઈડેન્ટ્સનો ભાગ છે.

Sushma-Verma

નાઈટ રાઈડર્સ ફાઈનલમાં

ત્રિનબાગો નાઈટ રાઈડર્સે WCPL 2026ની ફાઈનલમાં પહેલેથી જ સ્થાન બનાવી લીધું છે.4 ટીમોની લીગમાં ટોચનું સ્થાન મેળવવાના કારણે તેને સીધો ફાઈનલમાં પ્રવેશ મળ્યો છે.હવે ફાઈનલમાં નાઈટ રાઈડર્સ સામે કઈ ટીમ રમશે તેનો નિર્ણય બાર્બાડોસ ટ્રાઈડેન્ટ્સ અને ગુયાના એમેઝોન વોરિયર્સ વચ્ચેના પ્લેઓફ બાદ થશે. WCPL 2026નો ખિતાબી મુકાબલો 17 સપ્ટેમ્બરે બ્રિજટાઉનમાં રમાશે. સુષ્મા વર્મા માટે આ મેચોમાં પોતાની બેટિંગ અને વિકેટકીપિંગ ક્ષમતા સાબિત કરવાની મોટી તક રહેશે.

આ પણ વાંચો – ODI Tri Series પહેલા ECB એક્શન મોડમાં! પાકિસ્તાન પહોંચ્યું ઇંગ્લેન્ડનું સ્પેશિયલ ડેલિગેશન


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *