એક્સપાયર્ડ ફાયર સર્ટિફિકેટ, બિનઅધિકૃત બુકિંગ અને અન્ય એજન્સીને સંચાલન સોંપતા તંત્ર લાલઘૂમ
શહેરના હિમાલયા મોલ સ્થિત ‘મેક્સસ સિનેમા’માં ફાયર સેફ્ટીની મુદત પૂરી થવા છતાં કામગીરી ચાલુ રાખવા તેમજ ગુજરાત સિનેમા નિયમોના ગંભીર ભંગ બદલ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, સીટી મામલતદારની સરપ્રાઈઝ તપાસમાં વગર પરવાનગીએ થર્ડ પાર્ટી સંચાલન, ગેરકાયદે ટિકિટ બુકિંગ અને GST નિયમોની અનિયમિતતાઓ સામે આવતા, જાનમાલની સુરક્ષાને ધ્યાને રાખી સિનેમાનું લાયસન્સ તાત્કાલિક અસરથી મોકૂફ કરી દેવાયું છે… ભાવનગર શહેરના હિમાલયા મોલના બીજા માળે આવેલ ‘મેક્સસ સિનેમા’માં આકસ્મિક તપાસ દરમિયાન ગંભીર ક્ષતિઓ અને નિયમોનો ભંગ સામે આવતા ભાવનગરના જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. મનીષકુમાર બંસલ દ્વારા સિનેમાનું લાયસન્સ તેમજ ટિકિટ વેચાણનો પ્રવેશ હક્ક તાત્કાલિક અસરથી મોકૂફ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. સીટી મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ ભાવનગર દ્વારા તા.7/9 ના રોજ કરવામાં આવેલી સરપ્રાઈઝ તપાસમાં ગુજરાત સિનેમા નિયમો ૨૦૧૪ અને લાયસન્સની શરતોના અનેક ઉલ્લંઘનો સામે આવ્યા હતા., તપાસ દરમિયાન સામે આવેલી મુખ્ય ક્ષતિઓમાં સિનેમાનું ફાયર સેફ્ટી સર્ટિફિકેટ તા.19/6/2026 ના રોજ પૂર્ણ થઈ ગયેલ હતું., ત્યારબાદ તેને રીન્યુ કરાવવામાં આવ્યું ન હોતું કે રીન્યુઅલ માટે અરજી કર્યાના કોઈ આધાર રજૂ કરાયા ન હતા., મૂળ લાયસન્સધારક ‘શ્રીજી એક્ઝીબીટર્સ’ દ્વારા પૂર્વ પરવાનગી વગર સિનેમાનું સંચાલન મુંબઈની અન્ય એજન્સીને કરારથી સોંપી દેવાયું હતું, જે નિયમ 131 નો ભંગ છે, ટેક્સ ઈનવોઈસ ચકાસતા જી.એસ.ટી. નંબર મૂળ લાયસન્સ ધારક કરતા અલગ હોવાનું સામે આવ્યું હતું., નિયમ મુજબ મેનેજરની હાજરી ફરજિયાત હોવા છતાં તપાસ સમયે તેઓ ગેરહાજર હતા., આ ઉપરાંત લાયસન્સમાં દર્શાવેલા કર્મચારીઓ સિવાય અન્ય બિનઅધિકૃત વ્યક્તિઓ ટિકિટનું વેચાણ કરતા પકડાયા હતા, શોપિંગ મોલ અને સિનેમાનું પાર્કિંગ અલગ રાખવાની શરતનો અમલ થયો ન હતો. સાથે જ લાયસન્સમાં દર્શાવેલ સ્થળ ઉપરાંત ગ્રાઉન્ડ ફ્લોર પરથી પણ બિનઅધિકૃત રીતે બુકીંગ કરવામાં આવતું હતું., સિનેમા ખાતે જરૂરી વિઝિટર બુક, પૂરતી કચરાપેટી/થૂંકદાની, આગ સામે સાવચેતીના સાઈનબોર્ડ તથા ફિલ્મ સર્ટિફિકેટ પ્રદર્શિત કરવાની શરતોનું પાલન થતું ન હોવાનું જણાયું હતું. તાત્કાલિક અસરથી લાયસન્સ રદ/મોકૂફ ફાયર સેફ્ટી વિના સિનેમા ચાલુ રાખવાથી મોટી હોનારત સર્જાવાની અને જાનમાલની હાનિ થવાની શક્યતા ધ્યાને લઈ, જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગુજરાત સિનેમા નિયમોના નિયમ 136(2) હેઠળ મળેલ સત્તાની રૂએ શ્રીજી એક્ઝીબીટર્સના ‘મેક્સસ સિનેમા’ (સ્ક્રીન 1 થી 4)નું લાયસન્સ તથા ટિકિટ વેચાણનો હક્ક આગળનો હુકમ ન થાય ત્યાં સુધી તાત્કાલિક અસરથી મોકૂફ કરવાનો આદેશ જારી કરાયો છે..
હિમાલયા મોલ સ્થિત 'મેક્સસ સિનેમા'નું લાયસન્સ તાત્કાલિક અસરથી મોકૂફ:જિલ્લા મેજિસ્ટ્રેટે 'મેક્સસ સિનેમા'ની સ્ક્રીન 1 થી 4નું લાયસન્સ અને ટિકિટ વેચાણ રદ કર્યું, આગળનો હુકમ ન થાય ત્યાં સુધી શો બંધ
📅 Published: September 15, 2026 |
📂 Category: gujarati-news
