સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલા ગાંધીબાગ પાસેથી ગેરકાયદેસર ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલી સલાબતપુરાની મહિલા આરોપીને સુરતની કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. ડ્રગ્સની હેરાફેરીના આ ગંભીર કેસમાં અદાલતે મહિલાને દોષિત ઠેરવીને 10 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે. જોકે, આ જ કેસમાં મહિલાને મુંબઈથી ડ્રગ્સનો સપ્લાય કરનાર પેડલરને શંકાનો લાભ આપીને કોર્ટે નિર્દોષ છોડી મૂક્યો છે. કારણ કે, પોલીસ તેની સામે અદાલતમાં પૂરતા અને સચોટ પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહી હતી. રૂકસાર મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાઈ હતી
આ ડ્રગ્સ કેસની વિગતો અનુસાર, ગત તારીખ 3 ફેબ્રુઆરી, 2026ના રોજ શહેરના અઠવાલાઈન્સ પોલીસ મથકની હદમાં આવેલા ગાંધીબાગ પાસે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને રેડ પાડી હતી. આ દરોડા દરમિયાન રૂકસાર જાકિર જાફર શેખ નામની મહિલા પોલીસના હાથે ઝડપાઈ ગઈ હતી. આ મહિલા મૂળ કોપરખૈરને, નવી મુંબઈની રહેવાસી છે અને સુરતમાં તે સલાબતપુરા વિસ્તારમાં આવેલા મોમનાવાડ ખાતે રહેતી હતી. 2.37 લાખનો મુદ્દામાલ જપ્ત, મુંબઈના પેડલરની ધરપકડ
પોલીસે મહિલા આરોપી રૂકસારની તલાશી લેતા તેની પાસેથી રૂ. 1,96,290 ની કિંમતનું 65.430 ગ્રામ જેટલું ગેરકાયદેસર મેફેડ્રોન (MD) ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂ. 2,37,330 નો મુદ્દામાલ ઘટના સ્થળેથી જપ્ત કર્યો હતો. મહિલાની સઘન પૂછપરછમાં આ ડ્રગ્સનો જથ્થો આપનાર તરીકે તલોજા, મુંબઈના રહેવાસી મોબીન ઉર્ફે ગુરુ મહેબુબ ખાનનું નામ ખુલ્યું હતું. જેના આધારે પોલીસે મુંબઈ જઈને તેની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સરકારી વકીલની દલીલો અને કોર્ટનો અંતિમ ફેંસલો
આ કેસની સુરતની સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સરકારી વકીલ શ્રી જે. એન. પારડીવાળાએ ધારદાર દલીલો કરતા જણાવ્યું હતું કે, મહિલા પાસેથી પ્રત્યક્ષ રીતે ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો છે અને તમામ કાયદાકીય જોગવાઈઓનું પાલન કરીને ગુનો નિઃશંકપણે સાબિત થાય છે. સામે પક્ષે બચાવપક્ષના વકીલોએ પંચનામા અને સીડીઆર પુરાવાઓ પર શંકા ઉઠાવી હતી. બંને પક્ષોની દલીલો અને દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ કોર્ટે મુખ્ય મહિલા આરોપી રૂકસારને NDPS એક્ટ હેઠળ દોષિત માની 10 વર્ષની સજા ફટકારી છે, જ્યારે પૂરતા પુરાવાના અભાવે મોબીનને નિર્દોષ મુક્ત કર્યો છે.
ગાંધીબાગ ડ્રગ્સ કેસ, સલાબતપુરાની મહિલાને 10 વર્ષની કેદ:1.96 લાખના મેફેડ્રોન સાથે ઝડપાઈ હતી, મુંબઈનો પેડલર પુરાવાના અભાવે મુક્ત
📅 Published: September 15, 2026 |
📂 Category: gujarati-news
