સંસ્કારી નગરી વડોદરામાં નવરાત્રી ઉત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ગરબાના શોખીન ખેલૈયાઓ માટે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ-2026ની ભવ્ય તૈયારીઓનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. આ વર્ષના આયોજનને વધુ યાદગાર અને સુવ્યવસ્થિત બનાવવાના ઉદ્દેશ્યથી વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના વિશાળ ગ્રાઉન્ડ ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. ગત વર્ષે પ્રાપ્ત થયેલી ઐતિહાસિક સફળતા બાદ આયોજકો દ્વારા આ વખતે નવરાત્રી મહોત્સવને અગાઉ કરતાં પણ વધુ ભવ્ય, દિવ્ય અને સુરક્ષિત બનાવવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. 15 હજાર વધુ ખેલાડીઓ સમાઈ શકશે
આ વર્ષે ખેલૈયાઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ગરબા ગ્રાઉન્ડના રેડિયસમાં આશરે 18થી 20 ફૂટનો મોટો વધારો કરવામાં આવ્યો છે. આ વધારાના કારણે ગ્રાઉન્ડ ક્ષમતામાં મોટો ઉછાળો આવશે અને એકસાથે આશરે 10થી 15 હજાર વધારાના ખેલૈયાઓ કોઈ પણ પ્રકારની અગવડ વિના મુક્તપણે ગરબા રમી શકશે. વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ દ્વારા પ્રતિવર્ષ સુચારૂ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવી રહ્યું છે જેની વિધિવત તૈયારીઓ આજથી શરૂ કરવામાં આવી છે. સિક્યોરિટી ઉપર ખાસ ફોકસ, પાર્કિગમાં તેમજ ગ્રાઉન્ડમાં CCTV
વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના મયંક પટેલે જણાવ્યું હતું કે, ગ્રાઉન્ડના વિસ્તરણની સાથે સાથે આયોજકો દ્વારા પાર્કિંગ વ્યવસ્થા અને સિક્યોરિટી પર પણ ખાસ અને સઘન ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેથી દૂર-દૂરથી આવતા ખેલૈયાઓ અને દર્શકોને ટ્રાફિક કે સુરક્ષા સંબંધી કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. પાર્કિગમાં તેમજ ગ્રાઉન્ડમાં ઠેર ઠેર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવશે. ખેલૈયાઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ગરબા ગ્રાઉન્ડમાં ખૂણે ખૂણે સુરક્ષા જવાનો તૈનાત રહેશે જેથી સુરક્ષા જાળવી શકાય. વરસાદની કોઈ ચિંતા નહીં, એક પણ દિવસ ગરબા બંધ નથી રહ્યા
આ ઉપરાંત, ગ્રાઉન્ડના મધ્ય ભાગમાં મા જગદંબાના ભવ્ય અને આકર્ષક મંદિરની રચના કરવામાં આવશે, જે સમગ્ર ઉત્સવ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. હાલના સમયમાં વાતાવરણ અને વરસાદ અંગે વાત કરતા આયોજકોએ પૂર્ણ શ્રદ્ધા અને આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે નવરાત્રી મહોત્સવને હવે આશરે 25 દિવસ જેટલો સમય બાકી છે, પરંતુ આયોજકોને વરસાદ અંગે કોઈ પણ પ્રકારની ચિંતા નથી. તેઓ મા જગદંબાની અસીમ કૃપા પર સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે. ભૂતકાળના અનુભવો વાગોળતા આયોજકોએ દાવો કર્યો હતો કે ભૂતકાળમાં પણ ગમે તેવો મુસળધાર વરસાદ આવ્યો હોય તેમ છતાં વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં ગરબા ક્યારેય બંધ રહ્યા નથી. માતાજીની કૃપા અને મજબૂત આયોજનના બળે આ વર્ષે પણ ખેલૈયાઓ માટે એક અદ્ભુત અને યાદગાર ગરબા ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવશે, જ્યાં સમગ્ર વડોદરા ભક્તિ અને શક્તિના રંગે રંગાશે.
વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના ગરબા ગ્રાઉન્ડનું ભૂમિપૂજન:ગ્રાઉન્ડના રેડિયસમાં 20 ફૂટનો વધારો,15 હજાર વધુ ખેલાડીઓ સમાઈ શકશે; વરસાદમાં પણ તકલીફ નહીં પડે
📅 Published: September 15, 2026 |
📂 Category: gujarati-news
