Ahmedabad News: કોને પૂછીને બસ વરસાદી પાણીમાં ઉભી રાખી તેનો ખુલાસો માંગીશું : AMTSના ચેરમેનનું નિવેદન

📅 Published: September 15, 2026 | 📂 Category: Ahmedabad

છેલ્લા બે દિવસથી રાજ્યમાં ભારે વરસાદ ખાબક્યો છે. ગઈકાલે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘ મહેર થઈ હતી. બીજી તરફ સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદમાં શાસકો અને અધિકારીઓની મોટી બેદરકારી સામે આવી હતી. જુલાઈમાં થયેલા વરસાદથી બોધ પાઠ નહીં લેતા ગઈકાલના વરસાદમાં પણ શહેર પાણીમાં ડૂબ્યું હતું.સવારથી જ વરસાદ શરૂ થતાં સ્કૂલ બસો પણ વરસાદી પાણીમાં ફસાઈ હતી.આ ઉપરાંત એએમટીએસની બસો પણ રસ્તા પર ભરાઈ ગયેલા પાણીમાં બંધ પડી ગઈ હતી. બસના ડ્રાઈવરોએ બંધ પડેલી બસ પાણીમાં જ ઉભી કરી દેતા મુસાફરો રોષે ભરાયા હતાં.ધારાસભ્યએ આ બાબતે સવાલ ઉઠાવતાં જ પદાધિકારીએ ખુલાસો કર્યો હતો. 

AMTS ચેરમેન દ્વારા નિવેદન આપવામાં આવ્યું

અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે ભરાયેલા પાણીમાં AMTSની ઇલેક્ટ્રિક બસ થંભી જવાના મામલે પદાધિકારીઓ દ્વારા સ્પષ્ટતાઓ કરવામાં આવી છે.સ્થાનિક ધારાસભ્ય અમિત શાહ દ્વારા સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને AMC અને તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.જેના પગલે AMTS ચેરમેન દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.ચેરમેને જણાવ્યું હતું કે મુસાફરોની સલામતીના ભાગરૂપે જ બસને થોભાવવામાં આવી હતી કારણ કે આગળ જતા પાણીનું સ્તર વધવાની શક્યતા હોઈ શકે તેમ હતી.આ મામલે કોઈપણ પ્રકારના પૂર્વ સંકલન વિના અચાનક બસ ઉભી રાખવા બદલ સંબંધિત બસ ઓપરેટર કંપનીને નોટિસ ફટકારવામાં આવશે અને સ્પષ્ટતા માગવામાં આવશે તેવું પણ જણાવ્યું છે. 

ધારાસભ્યએ સવાલો કરતાં તંત્ર ફસાયુ

શહેરના વાસણા વિસ્તારમાં AMTSની અંદાજે ચાર બસો પાણીમાં બંધ કરીને મૂકી દેવા સામે એલિસબ્રિજના સત્તાપક્ષના ધારાસભ્ય અને પૂર્વ મેયરે પ્રશ્ન ઉઠાવતાં મ્યુનિ.તંત્ર ફસાઈ ગયું હતું.વાસણામાં ઇલેક્ટ્રિક AMTSની બસો બંધ કરીને મૂકી દેવાઇ હતી. શરૂઆતમાં લાગ્યું કે, ઇલેક્ટ્રિક બસમાં ટેકનિકલ સમસ્યા લાગે છે.પરંતુ એલિસબ્રિજના ધારાસભ્ય અને પૂર્વ મેયરે તપાસ કરતાં બસ ચાલકે કહ્યું કે, પાણી ભરાઈ ગયાં છે એટલે ઉપરથી ઇલેક્ટ્રિક બસ બંધ રાખીને ઊભી રાખવાનો આદેશ છે.ધારાસભ્યએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, એક ફૂટ પાણીમાં ઇલેક્ટ્રિક બસ ચાલી શકતી નથી તો ખરીદવાની ક્યાં જરૂર છે ? જેના જવાબમાં AMTS વિભાગ ગોળ ગોળ જવાબ આપી છટકી ગયું હતું.બીજી તરફ સ્કૂલ બસની બે ઘટના બની હતી, જેમાં શેલામાં બસ પાણીમાં ફસાતાં બાળકોનું રેસ્કયુ કરાયું હતું,જ્યારે મકરબામાં બસ ખાડામાં ઊતરી ગઈ હતી.

આ પણ વાંચોઃ Ahmedabad News: એક ફૂટ પાણીમાં AMCની ઈલેક્ટ્રીક બસો દોડતી નથી તો ખરીદવાની ક્યાં જરૂર છે: ધારાસભ્યનો સવાલ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *