અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલા શહેરકોટડા પોલીસ મથક પરિસરમાં એક યુવકે આપઘાત કરી લેતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી અને જામનગરથી ટ્રેન મારફતે યુપી જવા નીકળેલો રાજુ નામનો યુવક છેલ્લા ચાર દિવસથી ભારે માનસિક તણાવમાં હતો. ટ્રેનમાં મુસાફરી દરમિયાન કોઈ તેને હેરાન કરતું હોવાનો ડર લાગતાં તે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 12 પર ઉતરી ગયો હતો.
શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં યુવકે આત્મહત્યા કરી
અહીંથી તેણે પોલીસને ફોન કરીને હેરાનગતિ અંગે ફરિયાદ કરતા શહેરકોટડા પોલીસની ટીમ તેને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશને લાવ્યા હતા. પોલીસે માનવતા દાખવીને રાજુના ભાઈ સાથે ફોન પર વાત કરાવી હતી. રાજુ પાસે પૈસા ન હોવાથી તેના ભાઈએ એક દિવસમાં રૂપિયા મોકલી આપવાની અને સવારે તેને લેવા આવવાની ખાતરી આપી હતી. દરમિયાન એક પોલીસ કર્મચારીએ તેને નાસ્તા માટે 100 રૂપિયા પણ આપ્યા હતા.
યુપી જવા નીકળેલ યુવક માનસિક તણાવમાં હતો
પરિવારજનો સવારે તેને લેવા આવે તે પહેલાં, સવારે આશરે 5:00 વાગ્યાના અરસામાં રાજુને તક મળતાં તે પોલીસ સ્ટેશનના ઈલેક્ટ્રિક રૂમમાં જતો રહ્યો હતો. ત્યાં તેણે પોતાના પેન્ટ વડે પંખા સાથે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. થોડીવાર બાદ પોલીસ કર્મચારીઓને જાણ થતાં તાત્કાલિક તપાસ હાથ ધરાઈ હતી પરંતુ યુવકનો જીવ બચાવી શકાયો નહોતો.પરિવારજનોના જણાવ્યા અનુસાર યુવક માનસિક રીતે બીમાર અને પરેશાન હતો. બીજી તરફ, મુસાફરી દરમિયાન તેની સાથે રહેલો મિત્ર ફોન ન ઉપાડતો હોવાથી પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
