Ahmedabad : સરખેજમાં સગીરાના આપઘાત કેસમાં ચોંકાવનારો વળાંક, “સાચો પ્રેમ કરતી હોય તો લટકી જા” કહેવાનો આક્ષેપ, આરોપી મહિલા જેલહવાલે

📅 Published: September 15, 2026 | 📂 Category: Crime

અમદાવાદના સરખેજ વિસ્તારમાં ધોરણ-12 કોમર્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય સગીરાના આપઘાત મામલે ચોંકાવનારો વળાંક આવ્યો છે. સગીરાના સહાધ્યાયી સાથેના પ્રેમસંબંધથી નારાજ સગીરની માતા નેહાએ કથિત રીતે સગીરાને માનસિક ત્રાસ આપ્યો હોવાના આક્ષેપ બાદ પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. હવે પોલીસે આરોપી મહિલાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી બાદ તેને જેલ હવાલે કરી છે.

સહાધ્યાયી સાથે પ્રેમસંબંધ હોવાનો મામલો

ફરિયાદ મુજબ, સગીરાને તેની સાથે જ અભ્યાસ કરતા એક સગીર સાથે પ્રેમસંબંધ હતો. બંને મોબાઇલ પર વાતચીત અને મેસેજ કરતા હતા. આ બાબત સગીરાના માતા-પિતાના ધ્યાનમાં આવતા તેમણે સગીરના ઘરે જઈ બંનેને અભ્યાસ અને કારકિર્દી પર ધ્યાન આપવા સમજાવ્યું હતું. જોકે, ત્યારબાદ પણ બંને વચ્ચેનો સંપર્ક ચાલુ રહ્યો હતો. બંને સ્કૂલના મેદાનમાં સાથે બેઠેલા જોવા મળતાં સ્કૂલના આચાર્યએ બંને પરિવારને બોલાવી સમગ્ર મામલે જાણ કરી હતી.

સગીરની માતા સગીરાના ઘરે પહોંચી

પ્રેમસંબંધથી નારાજ સગીરની માતા નેહા સગીરાના ઘરે પહોંચી હતી. આક્ષેપ મુજબ, નેહાએ સગીરાને પ્રેમસંબંધ અને પરિવારની આબરૂને લઈને ભારે માનસિક ત્રાસ આપ્યો હતો.

સાચો પ્રેમ કરતી હોય તો લટકી જા

ફરિયાદમાં જણાવ્યા મુજબ, નેહાએ સગીરાને “સાચો પ્રેમ કરતી હોય તો લટકી જા”, “કોઈ ઘરે ન હોય ત્યારે લટકી જવાય” અને “તારા મા-બાપને હું જોઈ લઈશ” જેવા શબ્દો કહ્યા હોવાનો આક્ષેપ છે. આ ઉપરાંત દવા પીને મરી જવા, લટકી જવા તેમજ ધાબા પરથી નીચે ફેંકી દેવા જેવી ધમકીભરી વાતો કરી હોવાનો પણ આરોપ છે.

ઓડિયો અને CCTVથી તપાસમાં વળાંક

આ સમગ્ર ઘટનાક્રમ બાદ સગીરા માનસિક રીતે હતાશ થઈ ગઈ હતી અને અંતે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. સગીરાના આપઘાત બાદ પરિવારજનોએ પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ કબજે 

પરિવારે નેહા અને સગીરા વચ્ચેની વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ તેમજ નેહા સગીરાના ઘરે આવી હોવાના CCTV ફૂટેજ પણ પોલીસને સોંપ્યા હતા. પોલીસે આ પુરાવાઓની તપાસ કર્યા બાદ નેહા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો.

આરોપી મહિલા જેલહવાલે

પોલીસ તપાસમાં કથિત વાતચીત, ઘટનાક્રમ અને ઉપલબ્ધ પુરાવાઓના આધારે આરોપી મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેને જેલ હવાલે કરવામાં આવી છે. હાલ સરખેજ પોલીસ ઓડિયો રેકોર્ડિંગ, CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.  

આ પણ વાંચો   :    Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *