Ahmedabad: ભાઈના જન્મદિવસે ઘર છોડ્યું,, HCએ 3 દાયકા બાદ 67 વર્ષીય પતિને આપ્યા છૂટાછેડા

📅 Published: September 15, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ કૌટુંબિક ચુકાદામાં 44 વર્ષથી અલગ રહેતા 67 વર્ષીય વરિષ્ઠ નાગરિક પતિની છૂટાછેડાની અરજી મંજૂર કરી છે. જસ્ટિસ ઇલેશ જે. વોરા અને જસ્ટિસ આર.ટી. વાછાણીની ખંડપીઠે ફેમિલી કોર્ટના 2015ના જૂના આદેશને રદબાતલ ઠેરવીને ત્યાગ (Desertion) ના આધારે લગ્નજીવનનો અંત આણ્યો હતો.

ભાઈના જન્મદિવસે પિયર ગયેલી પત્ની ક્યારેય પાછી ન ફરી

કેસની પ્રાપ્ત વિગતો મુજબ, દંપતીના લગ્ન 1989 માં થયા હતા અને તેમને બે પુત્રો છે. ઓગસ્ટ 1992માં પત્ની પોતાના ભાઈના જન્મદિવસે હાજરી આપવા પિયર ગઈ હતી અને ત્યારબાદ ક્યારેય સાસરે પરત ફરી નહોતી. પતિએ 1999માં પ્રથમ વખત કાનૂની જંગ શરૂ કર્યો હતો, પરંતુ 2015માં ફેમિલી કોર્ટે અરજી ફગાવી દીધી હતી. જેથી પતિએ વકીલ સી.બી. દસ્તુર મારફતે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.

44 વર્ષથી અલગ રહેતા દંપતીના છૂટાછેડા મંજૂર

હાઈકોર્ટે બંને પક્ષોની મૌખિક જુબાનીઓ અને દલીલો ગ્રાહ્ય રાખતા નોંધ્યું હતું કે, પત્ની કોઈપણ વાજબી કારણ વિના દાયકાઓથી અલગ રહેતી હતી અને તેને વૈવાહિક જીવન પુનઃ શરૂ કરવામાં કોઈ રસ નહોતો.પત્નીના વકીલ રશેષ પરીખની રજૂઆતો અને પત્ની પાસે આવકનું કોઈ સાધન ન હોવાથી તે ધાર્મિક સંસ્થામાં રહેતી હોવાની બાબત ધ્યાને લઈ કોર્ટે માનવતાવાદી અભિગમ અપનાવ્યો હતો. હાઈકોર્ટે પતિને દર મહિને ₹20,000 પત્નીના બેંક ખાતામાં સીધા જમા કરાવવા આદેશ કર્યો હતો. આ ઉપરાંત પતિની સંમતિથી, છૂટાછેડા પછી પણ પત્ની તેના પેન્શન અને સરકારી નિવૃત્તિ લાભોમાં એકમાત્ર નોમિની તરીકે કાયમ રહેશે તેવું પણ સ્પષ્ટ કર્યું હતું.

આ પણ વાંચો: Surat: રાંદેર વિસ્તારમાંથી 1.57 લાખથી વધુના MD ડ્રગ્સ સાથે એક ઇસમ ગિરફ્તાર



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *