પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમે 20 ઓવરમાં 8 વિકેટના ભોગે 159 રન બનાવ્યા છે. હવે ટીમ ઈન્ડિયાને આ મેચ જીતવા માટે 160 રન બનાવવાનો લક્ષ્યાંક મળ્યો છે. અફઘાન ટીમ તરફથી કેપ્ટન ઇબ્રાહિમ ઝાદરાને 33 બોલમાં 6 ચોગ્ગાની મદદથી સૌથી વધુ 37 રનની ઇનિંગ રમી હતી, જ્યારે ભારત તરફથી નીતીશ કુમાર રેડ્ડીએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.
ઇનિંગમાં સતત વિકટો ગુમાવી
અફઘાનિસ્તાનની આખી ઇનિંગમાં સતત વિકટો ગુમાવી હતી. ટીમની પ્રથમ વિકેટ 0 રને જ પડી ગઈ હતી, જે બાદ કેપ્ટન ઝાદરાને ઇનિંગ સંભાળી હતી. જોકે, 50 રન બાદ બીજી વિકેટ પડતાં જ ઇનિંગ ફરી ખોરવાઈ ગઈ હતી. એક સમયે એવું લાગી રહ્યું હતું કે ટીમ 150નો આંકડો પણ પાર કરી શકશે નહીં, પરંતુ 8મા નંબરે બેટિંગ કરવા આવેલા રાશિદ ખાને 28 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. આ સિવાય દરવિશ રસૂલીએ પણ 26 રનનું યોગદાન આપ્યું હતું. આમ, નીચલા ક્રમના બેટ્સમેનોના નાના યોગદાનના જોરે ટીમ સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી.
પહેલી મેચમાં ભારતનો ભવ્ય વિજય
રવિવારે રમાયેલી શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમે શાનદાર વિજય મેળવ્યો હતો. આ મેચમાં અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટના ભોગે 156 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ આ લક્ષ્યાંક માત્ર 13.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને આસાનીથી સર કરી લીધો હતો. ભારત તરફથી આક્રમક બેટિંગ કરતા અભિષેક શર્માએ માત્ર 32 બોલમાં 82 રનની તોફાની ઈનિંગ રમી હતી, જેમાં તેમણે 7 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. તેમના સિવાય ઈશાન કિશને પણ 32 બોલમાં 42 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
ભારતની સંભવિત પ્લેઈંગ-11 :
અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, રવિ બિશ્નોઈ.
અફઘાનિસ્તાનની સંભવિત પ્લેઈંગ-11 :
ઈબ્રાહિમ ઝદરાન (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સેદીકુલ્લાહ અટલ, દરવીશ રસૂલી, અઝમતુલ્લા ઓમરઝાઈ, ગુલબદ્દીન નાયબ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન/નવીન-ઉલ-હક, નૂર અહમદ, ફઝાલહક.
