દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની T20 સિરીઝની બીજી મેચ રમાઈ રહી છે. આ મેચમાં અફઘાનિસ્તાનના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે. ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે સતત બીજી મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે અફઘાનિસ્તાનની ટીમ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરી છે.
ઈતિહાસની સૌથી ધીમી શરૂઆત
ભારત સામેની બીજી T20માં અફઘાનિસ્તાનની શરૂઆત ખૂબ જ ધીમી રહી હતી. ટીમે પ્રથમ 2 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને માત્ર 2 રન બનાવ્યા હતા. T20 ઈન્ટરનેશનલના ઈતિહાસમાં પ્રથમ 2 ઓવરમાં અફઘાનિસ્તાનનો આ સૌથી ઓછો સ્કોર છે. આ પહેલાં આ ફોર્મેટમાં તેમના નામે પ્રથમ 2 ઓવરમાં 1 વિકેટના નુકસાન સાથે 3 રનનો સૌથી ઓછો સ્કોર હતો, જે 2 વખત નોંધાયો હતો. 2024 T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ સામે અને 2025 એશિયા કપમાં બાંગ્લાદેશ સામે અફઘાનિસ્તાને શરૂઆતની 2 ઓવરમાં 3 રન બનાવ્યા હતા.
નબળી શરૂઆત છતાં 4 ઓવરમાં 39 રન
જોકે શરૂઆતની 2 ઓવરમાં માત્ર 2 રન બનાવ્યા બાદ અફઘાનિસ્તાનની બેટિંગમાં થોડો વેગ જોવા મળ્યો હતો. ટીમે ત્યારબાદની 4 ઓવરમાં 39 રન ઉમેર્યા હતા. આમ, પાવરપ્લેની 6 ઓવર પૂરી થયા બાદ અફઘાનિસ્તાનનો સ્કોર 1 વિકેટે 41 રન હતો. આ દરમિયાન અફઘાનિસ્તાનના બેટ્સમેનોએ કુલ 22 ડોટ બોલ રમ્યા હતા. પ્રથમ T20 મેચમાં પણ શરૂઆતની 6 ઓવરમાં અફઘાનિસ્તાને 24 ડોટ બોલ રમ્યા હતા.
