અમેરિકાના લોસ એન્જલસમાં મંગળવાર, 15 સપ્ટેમ્બરે એક મોટી દુર્ઘટના ઘટી. NBC ન્યૂઝ માટે ઉપયોગમાં લેવાઈ રહેલું એક હેલિકોપ્ટર પાર્કિંગ એરિયામાં ક્રેશ થઈ ગયું, જેમાં ત્રણ લોકોનાં મોત થયા છે. દુર્ઘટના સમયે ન્યૂઝ ટીમ નજીકમાં જ થયેલા એક બસ અકસ્માતનું રિપોર્ટિંગ કરી રહી હતી. NBC4 લોસ એન્જલસના એન્કર કોલીન વિલિયમ્સે લાઈવ બ્રોડકાસ્ટ દરમિયાન જણાવ્યું કે સ્ટેશનનું હેલિકોપ્ટર સાંજે લગભગ 7 વાગ્યાથી થોડા સમય પહેલા ક્રેશ થયું હતું. તેમણે કહ્યું કે, “અમે આ ઘટનાને સમજવા માટે થોડી મિનિટો લઈશું.” આ દરમિયાન તેમનો અવાજ ધ્રૂજી રહ્યો હતો. થોડી જ વારમાં NBC4 નું લાઈવ કવરેજ અચાનક બંધ થઈ ગયું. બસ અકસ્માતના કવરેજ દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ થયું લોસ એન્જલસ ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, હેલિકોપ્ટર લોસ એન્જલસના સેન ફર્નાન્ડો વેલી વિસ્તારના ચેટ્સવર્થમાં એક સ્ટોરેજ ફેસિલિટી પાસે ક્રેશ થયું હતું.
તે સમયે ન્યૂઝ ટીમ એક બસ અકસ્માતને કવર કરી રહી હતી. આ બસ અકસ્માતમાં બે લોકોનાં મોત અને 6 લોકો ઘાયલ થયા હતા. હેલિકોપ્ટર ક્રેશ થયા પછી વધુ એક વ્યક્તિને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે, તે વ્યક્તિની સ્થિતિ અંગે તરત જ કોઈ માહિતી મળી શકી ન હતી. હેલિકોપ્ટરની અંદરથી રેકોર્ડ કરાયેલો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં અકસ્માતની અંતિમ મોમેન્ટ દેખાઈ રહી છે. વીડિયોમાં હેલિકોપ્ટર બસ અકસ્માત વાળી જગ્યા ઉપર ફરતું જોવા મળે છે. ત્યારબાદ કેમેરો અચાનક ઝડપથી હલવા લાગે છે અને હેલિકોપ્ટર નીચે પડતું દેખાય છે. હેલિકોપ્ટર સંપૂર્ણપણે બળીને ખાખ ફાયર વિભાગના પ્રવક્તા કેપ્ટન બ્રાન્ડેન સિલ્વરમેને જણાવ્યું હતું કે, અકસ્માતમાં મૃત્યુ પામેલી એક વ્યક્તિ પાર્કિંગ સ્થળ પર હોવાની પુષ્ટિ થઈ છે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે બાકીના બે મૃતકો જમીન પર હાજર હતા કે હેલિકોપ્ટરમાં સવાર હતા. અકસ્માત બાદ એક વ્યક્તિને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તેની સ્થિતિ અંગે તાત્કાલિક કોઈ માહિતી મળી શકી નથી. સિલ્વરમેને કહ્યું કે, અકસ્માત સમયે હેલિકોપ્ટરમાં કેટલા લોકો સવાર હતા તે જાણવાનો અધિકારીઓ પ્રયાસ કરી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ, હેલિકોપ્ટર સંપૂર્ણપણે બળી ગયું છે અને કાટમાળની તપાસ કર્યા પછી જ અકસ્માતમાં કુલ નુકસાન અને મૃત્યુઆંક અંગેની સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે. જમીન પર પાર્ક કરેલી કાર અને કન્ટેનર પણ બળ્યા હેલિકોપ્ટરમાં આગ લાગ્યા બાદ આસપાસ પાર્ક કરેલી ચાર કાર અને બે કન્ટેનર પણ આગની લપેટમાં આવી ગયા હતા. ફાયર ટીમે થોડા જ સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. બે કલાક પહેલાં થયો હતો બસ અકસ્માત હેલિકોપ્ટર દુર્ઘટનાના લગભગ બે કલાક પહેલાં આ જ વિસ્તારમાં એક એસયૂવી(SUV)એ સિટી બસને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા બે લોકોનાં મોત અને છ લોકો ઘાયલ થયાની માહિતી સામે આવી હતી. હેલિકોપ્ટર બસ અકસ્માત વાળી જગ્યાથી લગભગ અઢી કિલોમીટર દૂર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. હેલિકોપ્ટર દુર્ઘટનાનું કારણ હજુ સામે આવ્યું નથી. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ અકસ્માતની તપાસ કરવાની જાહેરાત કરી છે.
બસ દુર્ઘટનાનું LIVE કવરેજ કરી રહેલું હેલિકોપ્ટર ક્રેશ, VIDEO:લોસ એન્જલસમાં ન્યૂઝ ચેનલનું હેલિકોપ્ટર પાર્કિંગમાં પટકાયું, 3નાં મોત; કેમેરામાં કેદ થઈ અકસ્માતની અંતિમ મિનિટો
📅 Published: September 16, 2026 |
📂 Category: International
