વડનગરમાં દિવાળી જેવો માહોલ, કાંકરિયામાં 1.25 લાખ દીવડા પ્રગટાવાશે:શર્મિષ્ઠા તળાવથી હાટકેશ્વર સુધી ઝળહળાટ, PM મોદીના બર્થ-ડેની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ

📅 Published: September 16, 2026 | 📂 Category: gujarati-news

PM નરેન્દ્ર મોદીના આવતીકાલે (17 સપ્ટેમ્બર) જન્મદિવસને લઈને ભાજપે ગુજરાતમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. વડનગર અને અમદાવાદમાં યોજાનારા કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે. વડનગરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. શર્મિષ્ઠા તળાવથી લઈને હાટકેશ્વર મંદિર સુધીના તમામ વિસ્તારોને રોશનીથી શણગારા છે. જ્યારે અમદાવાદમાં જમાલપુર જગન્નાથ મંદિર ખાતે આરતી અને કાંકરિયા લેકફ્રન્ટ ખાતે 1.25 લાખ દિવડા પ્રગટાવી આશીર્વાદના દીવડાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનના જન્મદિવસની આ ભવ્ય ઉજવણી માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. વડનગરમાં હજારોની સંખ્યામાં લોકો PM મોદીના બર્થ-ડે વિશ કરશે
PM નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં જન્મોત્સવનો માહોલ અત્યારથી જ જામ્યો છે. દિવાળી હજુ દૂર છે, પરંતુ વડનગરની ગલીઓમાં જાણે દિવાળી આવી ગઈ હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. શહેરના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોને રોશનીથી શણગારવાની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે, જ્યાં હજારોની સંખ્યામાં લોકો એકત્ર થશે. આ જન્મોત્સવ નિમિત્તે શર્મિષ્ઠા તળાવ પર ભવ્ય આરતી, હાટકેશ્વર મહાદેવ મંદિરે દીપમાળા, વડનગરથી વારાણસી સુધી કળશ યાત્રા તેમજ સાંજે દીવા પ્રગટાવીને નગરજનો દ્વારા વડાપ્રધાનને શુભકામનાઓ અને આશીર્વાદ પાઠવવાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વડનગરથી વારાણસી સુધીની ભવ્ય કળશ યાત્રા
PM મોદીના જન્મદિવસ નિમિતે ગુજરાત ભાજપે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વડનગરથી વારાણસી બાઈક પર ભવ્ય કળશ યાત્રા યોજી છે. જેમાં ચાર પવિત્ર સ્થળો સોમનાથ, ઉનાઈ માતા મંદિર, શામળાજી અને પાવાગઢથી 13 સપ્ટેમ્બરે પવિત્ર જળ સાથે ચાર અલગ-અલગ બાઈક યાત્રાનો પ્રારંભ કરાયો હતો. આ ચારેય યાત્રામાં 250 બાઈક પર કુલ 500 ભાજપ કાર્યકર્તાઓ ચાર ટુકડીમાં જોડાયા છે. વિવિધ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી પસાર થતી આ યાત્રા દરમિયાન કાર્યકર્તાઓ નાગરિકો સાથે સંવાદ કરશે. પ્રદેશ ભાજપના પદાધિકારીઓ, મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને આગેવાનો પણ અલગ-અલગ તબક્કે યાત્રામાં જોડાશે. હાટકેશ્વર મહાદેવને જળાભિષેક કરાશે
આજે 16 સપ્ટેમ્બરે ચારેય પવિત્ર સ્થળોથી લાવવામાં આવેલું જળ લઈને બાઈક યાત્રા વડનગરની ઐતિહાસિક ધરતી પર પહોંચ્યું અને આવતીકાલે જ્યાં તેના એક ભાગથી હાટકેશ્વર મહાદેવનો જળાભિષેક કરાશે અને બીજો ભાગ શર્મિષ્ઠા તળાવમાં અર્પણ કરાશે. આ કળશ યાત્રાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રસ્થાન કરાવવાના હોવાથી સમગ્ર કાર્યક્રમને ભવ્ય સ્વરૂપ આપવા માટે વડનગરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારબાદ શર્મિષ્ઠા તળાવનું પવિત્ર જળ સાથે લઈને 250 બાઈક પર 500 ભાજપ કાર્યકર્તાઓ વારાણસી જવા રવાના થશે, જ્યાં પહોંચીને તેઓ કાશી વિશ્વનાથ મહાદેવનો જળાભિષેક કરશે. શર્મિષ્ઠા તળાવ ભવ્ય આરતી થશે
PM મોદીના જન્મોત્સવની ઉજવણીને પગલે સમગ્ર વડનગર ઉત્સવના રંગે રંગાયું છે, જેમાં ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવને ભવ્ય રીતે શણગારી રોશની અને ધાર્મિક માહોલ વચ્ચે વિશેષ આરતીનું આયોજન કરાયું છે. આ સાથે જ શહેરના આરાધ્ય દેવ હાટકેશ્વર મહાદેવ મંદિર પરિસરને પણ રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું છે, જ્યાં કળશ યાત્રામાં જોડાનારા બાઈકચાલકોનું સન્માન યોજાનાર હોવાથી સમગ્ર વિસ્તારમાં વિશેષ ઉત્સાહ અને રોનક જોવા મળી રહી છે. કાંકરિયા તળાવના ફરતે 1.25 લાખ દિવડાઓ પ્રગટાવાશે
અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહે કહ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને અમદાવાદમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જે અંતર્ગત દરેક વોર્ડમાં બ્લડ કેમ્પ યોજાશે. તેમજ તમામ મંદિરો અને શહેરના જાણીતા સ્થળો ઉપર સાંજના સમયે આશીર્વાદ દીવડાનો કાર્યક્રમ પણ છે. કાંકરિયા તળાવના ત્રણ કિલોમીટરના ફરતે 1.25 લાખ દિવડાઓ પ્રગટાવવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ PM મોદીના જન્મદિવસે વડનગર અને અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જેમાં વડનગરમાં તેઓ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ અમદાવાદમાં સાંજે 6:30 વાગ્યાની આસપાસ જમાલપુર જગન્નાથ મંદિરે આરતી કરશે. આરતી કર્યા બાદ કાંકરિયા લેક ફ્રંટ ખાતે યોજાનારા આશીર્વાદના દીવડા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ‘કાંકરિયા ખાતે યોજાનારા કાર્યક્રમને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં બપોરથી જ કાંકરિયાની ચારે તરફ દિવડા લગાવવાની શરૂઆત થશે અને સાંજે તેને પ્રગટાવવામાં આવશે. આ સાથે જ વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને આગોતરું આયોજનના ભાગરૂપે એક મંડપ ઊભો કરાયો છે, જેથી રાત્રે વરસાદ આવે તો પણ કાર્યક્રમ અવિરતપણે મંડપમાં યોજી શકાય.’


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *