Rapido ride booking: રાઇડ બુક કરનારા યુઝર્સને વધુ ભાડું ચૂકવવા માટે પ્રેરિત કરવાના મામલે Rapido સામે કાર્યવાહી કરવામાં આવી છે. કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા પ્રાધિકરણ (CCPA)એ Rapidoની ઓપરેટર કંપની Roppen Transportation Services પર 10 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. CCPAને Rapido એપમાં કેટલીક ડિઝાઇન અને મેસેજ વાંધાજનક હતા. તેના કારણે યુઝર્સ વધુ ભાડું પસંદ કરે તેવી શક્યતા હોવાનું જણાવાયું છે.
વધુ પૈસા આપશો તો રાઇડ મળવાની શક્યતા વધુ
CCPAની તપાસ દરમિયાન Rapido એપ પર એવા મેસેજ જોવા મળ્યા હતા, જેમાં યુઝરને જણાવવામાં આવતું હતું કે વધુ કિંમત ઓફર કરવાથી રાઇડ મળવાની શક્યતા વધી શકે છે. એક મેસેજમાં “Higher the price, higher the chance of getting a ride” લખવામાં આવ્યું હતું. બીજા મેસેજમાં જણાવાયું હતું કે કેપ્ટન 60 રૂપિયામાં રાઇડ સ્વીકારી રહ્યા નથી અને યુઝર તેમાં 10, 20 કે 30 રૂપિયા વધુ ઉમેરી શકે છે.
CCPAએ તેને ડાર્ક પેટર્ન કેમ ગણ્યું?
CCPAને Rapido એપમાં બે પ્રકારના ડાર્ક પેટર્ન જોવા મળ્યા હતા. તેમાં Confirm Shaming અને Interface Interferenceનો સમાવેશ થાય છે. Confirm Shamingમાં યુઝર પર એવી રીતે દબાણ બનાવવામાં આવે છે કે તે કોઈ વિકલ્પ પસંદ કરવામાં સંકોચ અનુભવે અથવા તેને ખોટું કરી રહ્યો હોય તેવું લાગે. જ્યારે Interface Interferenceમાં એપનું ઈન્ટરફેસ એવી રીતે બનાવવામાં આવે છે કે યુઝર કોઈ ખાસ વિકલ્પ તરફ વધુ આકર્ષાય.
‘Set your price’ ફીચર પર પણ સવાલ
CCPAએ Rapidoના ‘Set your price’ ફીચર પર પણ સવાલ ઉઠાવ્યા હતા. યુઝર વધુ પૈસા પસંદ કરે ત્યારે એપમાં લીલા રંગથી વધુ રાઇડ મળવાની શક્યતા બતાવવામાં આવતી હતી. જ્યારે ઓછી કિંમત પસંદ કરવાથી લાલ કે નારંગી રંગ દેખાતો હતો. CCPAનું કહેવું હતું કે આવી રીતે રંગોનો ઉપયોગ કરીને યુઝરના નિર્ણય પર અસર પડી શકે છે.
બુકિંગ પહેલાં લેવાતી રકમને ‘ટિપ’ કહેવા સામે વાંધો
CCPAએ રાઇડ બુક કરતા પહેલાં લેવામાં આવતી વધારાની રકમને ટિપ તરીકે દર્શાવવા સામે પણ વાંધો વ્યક્ત કર્યો હતો. નિયમનકારી સંસ્થા અનુસાર, રાઇડ બુક કરતી વખતે દેખાતું ભાડું અંતર, સમય, ટ્રાફિક, ટોલ અને ડ્રાઇવરને મળતી રકમ જેવા વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને નક્કી થાય છે. CCPAએ Motor Vehicle Aggregator Guidelines, 2025નો પણ ઉલ્લેખ કર્યો હતો. આ માર્ગદર્શિકા અનુસાર ટિપ આપવાનો વિકલ્પ રાઇડ પૂર્ણ થયા બાદ મળવો જોઈએ, બુકિંગ સમયે નહીં.
Uber અને Ola પણ તપાસ હેઠળ
આ કાર્યવાહી માત્ર Rapido પૂરતી મર્યાદિત નથી. CCPAએ અગાઉ Uber, Ola, Rapido અને Namma Yatriને ડાર્ક પેટર્ન સંબંધિત નિયમોનું પાલન કરવા અને સેલ્ફ-ડિક્લેરેશન જમા કરાવવા કહ્યું હતું. Uber અને Ola સાથે જોડાયેલા મામલાની તપાસ હજુ ચાલી રહી છે.
ગ્રાહકો ક્યાં ફરિયાદ કરી શકે?
CCPA અનુસાર, જો કોઈ ગ્રાહકને ખોટી જાહેરાત, અનુચિત વેપારી વ્યવહાર અથવા ડાર્ક પેટર્ન સંબંધિત ફરિયાદ હોય તો તે રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન 1915 પર ફરિયાદ કરી શકે છે.
આ પણ વાંચો: ભારતના આ રાજ્યમાં ઉબેર અને રેપિડો એપ પર પ્રતિબંધ
