મિડલ ઈસ્ટમાં અત્યારે જે ઈરાન-યમન અને સાઉદી અરેબિયા વચ્ચે યુદ્ધનો જ્વાળામુખી ફાટ્યો છે. એ કોઈ સામાન્ય સરહદી વિવાદ નથી, એ વૈશ્વિક સત્તાના ગણિતને મૂળમાંથી હલાવી નાખનાર ઘટના છે. સેટેલાઈટ ઈમેજમાં સાઉદી સાઉદી અરેબિયાની તસવીરો દેખાઈ છે જે અતિ ખતરનાક છે. ઈરાન યુદ્ધના પડઘા સાઉદી અરેબિયામાં પડ્યા છે તેની અસર ટૂંક સમયમાં ભારતના વેપાર અને માણસોના ખિસ્સા પર પડી શકે એમ છે. કારણ કે સાઉદી અરેબિયા દુનિયાનું ક્રુડ ઓઈલ પ્રોડ્યુસ કરતો બીજા નંબરનો દેશ છે. જે દેશ અત્યારે એકસાથે ત્રણ મોરચે લડી રહ્યો છે. એક બાજુથી યમનના હુથીઓના હુમલા થઈ રહ્યા છે, બીજી બાજુએ પોતાના દેશના ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધડાધડ હુમલાઓ થઈ રહ્યા છે અને ત્રીજી બાજુએ કાચું તેલ સપ્લાય કરવા માટે બાબ અલ મંદેબ અને હોર્મુઝ સ્ટ્રેટ પર બંધ મૂકાયેલું છે. જેના પર ભરોસો કરી શકે એવા દેશ એટલે કે અમેરિકા અને પાકિસ્તાન અત્યારે દોસ્તી નિભાવવાના બદલે દૂરથી દર્શન આપીને બીટવીન ધ લાઈન્સ કહી રહ્યા છે કે ભાઈ અમારાથી આઘા રહેજો. આ કપરા સમયે સાઉદીએ કોને યાદ કર્યું? અને ઈસ્લામના સૌથી પવિત્ર સ્થળ મક્કા પર ડ્રોન હુમલા થયાના શું સમાચાર છે? ચાલો આખા મામલા પરથી પડદો હટાવીએ. નમસ્કાર… એક વાત સમજી લો… આ સંકટ અચાનક સપ્ટેમ્બર 2026માં ઊભું થયું નથી. હુથીઓ અને સાઉદી વચ્ચેની સીધી અથડામણનો બીજ 2009માં જ વવાઈ ગયું હતું. તે સમયે સાઉદી અરેબિયાએ પહેલીવાર જોયું કે યમનની અંદરની ગણાતી હુથી બળવાખોરી તેની સરહદ સુધી પહોંચી શકે છે. 2014માં હુથીઓએ યમનની રાજધાની સનાનો કબજો કર્યો અને 2015માં સાઉદી આગેવાની હેઠળના ગઠબંધને તેમની સામે મોટું લશ્કરી અભિયાન શરૂ કર્યું. ત્યારથી વર્ષો સુધી યુદ્ધ લગભગ મડાગાંઠમાં રહ્યું. આજે એ જ જૂનો સંઘર્ષ ફરી સાઉદીની ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સમુદ્રી માર્ગ સુધી પહોંચી ગયો છે. આખો ડખો શું છે હવે તે જાણી લો સપ્ટેમ્બર 2026ની આ કટોકટીએ સાઉદી અરેબિયાના કહેવાતા અમેરિકન સુરક્ષા કવચના ભુક્કા બોલાવી દીધા છે. યમનના હુથી વિદ્રોહીઓએ રેડ સીના એન્ટ્રીગેટ બાબ અલ મંદેબ સ્ટ્રેટ પર કબજો જમાવીને દુનિયાના ઊર્જા સપ્લાય કે રૂટની નસ દબાવી દીધી છે. આટલું જ નહીં સાઉદીની અંદર સુધી ડ્રોન અને મિસાઈલ્સનો વરસાદ કરીને એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમને પણ ખોખલી સાબિત કરી દીધી છે. વાત કંઈક એવી છે કે હુથી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયાને બાનમાં લીધું છે. તેમણે સાઉદીના બંદરો, દરિયાઈ રૂટ્સ પરના અમુક નોડ્સ પર કબજો જમાવવાનું શરૂ કર્યું છે. જેના કારણે સાઉદીની સિક્યોરિટી અને તેલની એક્સપોર્ટ પર ભયાનક અસર પડી છે અને લાગે છે કે ભવિષ્યમાં એનાથી પણ ઊંડી અસર જોવી મળી શકશે. હુથીઓ એટલા ખતરનાક કેવી રીતે બન્યા? કારણ કે આ હવે માત્ર પહાડોમાં લડતું નાનું બળવાખોર જૂથ નથી. છેલ્લા વર્ષોમાં હુથીઓએ બેલિસ્ટિક મિસાઈલ, ક્રૂઝ મિસાઈલ, ડ્રોન અને એન્ટી-શિપ હથિયારોની ક્ષમતા વિકસાવી છે. 2023 પછી તેમણે જૂની બેલિસ્ટિક મિસાઈલોને એન્ટી-શિપ હથિયારો તરીકે પણ ઉપયોગમાં લીધી છે. એટલે હુથીઓની સૌથી મોટી તાકાત તેમની સેનાની સંખ્યા નહીં, પણ સસ્તા અને એસિમેટ્રિક વેપન્સથી મોટી સૈન્ય શક્તિને મોંઘું નુકસાન પહોંચાડવાની કેપેસિટી છે. સાઉદી-તુર્કી-પાક.નું ઈસ્લામિક નાટો ફેલ ગયું પણ અહીં એક ઈન્ટ્રેસ્ટિંગ વાત એ જોવા મળી કે સાઉદી અરેબિયાએ પોતાની સિક્યોરિટી માટે બનાવેલી મક્કા પેક્ટ કે ઈસ્લામિક નાટો અહીં ફેલ ગઈ છે. મક્કા પેક્ટ એટલે કે સાઉદીએ પાકિસ્તાન અને તુર્કી સાથે એક સેટિંગ ગોઠવ્યું છે કે બધાને બધાની રક્ષા કરવાની છે. કોઈ એક દેશ પર હુમલો થાય તો બીજા દેશે પોતાના પર હુમલો થયો એવું માનીને મદદે પહોંચી જવાનું છે. પણ સાઉદી પર હુથીઓના હુમલા થઈ રહ્યા છે ત્યારે પાકિસ્તાન મદદે પણ નથી આવ્યું. ઉલટાનું તેમણે એવું કહ્યું કે, “મક્કા સંરક્ષણ કરારનો અર્થ તાત્કાલિક યમનમાં લશ્કરી હસ્તક્ષેપ તરીકે ન કરવો જોઈએ.” મદદ માટે સાઉદી પ્રિન્સે ટ્રમ્પને ફોન ઘૂમેડ્યો આ મામલે સાઉદી અરેબિયાએ અમેરિકાની મદદ માગી કે કંઈક કરો. આપણી જાણ માટે કે સાઉદી અને અમેરિકા વચ્ચે સાત દાયકા પહેલા ડીલ થઈ હતી કે સાઉદી અરેબિયા પોતાનું ક્રુડ ડોલરમાં વેચે અને બદલામાં અમેરિકા સાઉદી અરેબિયાની રક્ષા કરશે. આને ધ્યાને લઈને સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને સીધો ડોનાલ્ડ ટ્રમ્પને ફોન ઘુમેડ્યો કે મદદ કરો. પણ ટ્રમ્પે સીધી સ્ટ્રાઈક કરવાની ના પાડી છે. આવું એટલા માટે કારણ કે અમેરિકાનું યુદ્ધ હાલ ઈરાન સાથે ચાલે છે. ઈરાનનો સપોર્ટ ઓમાનમાં રહેલા હુથીઓ કરે છે, જો અમેરિકા ઓમાન પર સીધો હુમલો કરે તો અત્યારનું યુદ્ધ વધુ મોટું થાય. અધૂરામાં પૂરું હાલ અમેરિકાની હાલત એવી નથી કે તે હુથીઓ સાથે સીધી ટક્કર લે. શું સાઉદી સંકટના કારણે તેલ-ગેસના ભાવ વધશે? ટૂંકમાં જો આવું ને આવું ચાલતું રહેશે તો સામાન્ય માણસ અને ભારત પર મોટી અસરો જોવા મળી શકે એમ છે. સાઉદી અરેબિયા પર હુથીઓના હુમલા અને દરિયાઈ નાકાબંધીના કારણે કાચા તેલના ભાવ ભડકી શકે એમ છે. જો આવું થાય તો સીધી રીતે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે અને તેની અસર આખી ઈકોનોમી પર જોવા મળે એમ છે. હુથીઓએ સાવ મામૂલી અને દેશી સિસ્ટમ વાપરીને સાઉદી અરેબિયાની એડવાન્સ ડિફેન્સ સિસ્ટમને ઉભેઉભી ચીરી નાખી છે. તો એવામાં સવાલ બને કે પાકિસ્તાને કેમ ખરા સમયે પીછે હઠ કરી? તો આ સવાલનો જવાબ હવે મેળવી લઈએ. પાકિસ્તાને સાઉદી અરેબિયાને દગો દીધો હવે સવાલ પાકિસ્તાનનો. ગયા મહિને સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કીએ મક્કા જોઈન્ટ ડિફેન્સ એગ્રીમેન્ટ કર્યો હતો. તેમાં એક દેશ પર હથિયારથી એટેક થાય તો ત્રણેય સામે એટેક માનવાની વાત છે. પણ જ્યારે યમનના હુથી મોરચે સાઉદી પર હુમલા થયા ત્યારે પાકિસ્તાને તરત યમનમાં પોતાની સેના મોકલી દીધી નથી. પાકિસ્તાનું કહેવું છે કે, આ પેક્ટનું ઓપરેશનલાઈઝેશન હજી અલગ પ્રક્રિયામાં છે અને યમનમાં હુથી ટારગેટ પર હુમલો કરવો અત્યારે માત્ર હાયપોથેટિકલ સ્થિતિ છે. પાકિસ્તાનને ઈરાનની ગરજ અને પાકિસ્તાન માટે આ નિર્ણય સહેલો નથી. ઈસ્લામાબાદ પોતે પણ હોર્મુઝ અને રેડ સીની તે જ સી રૂટ્સ પર નિર્ભર છે, જેને ઈરાન અને હુથી ડિસરપ્ટ કરી શકે છે. એટલે એક તરફ ગલ્ફ કન્ટ્રી સાથે તેના ડિફેન્સ અને ઈકોનોમિક જોડાણ છે, તો બીજી તરફ તહેરાનને સીધું નારાજ કરવાથી પોતાનું ઓઈલ અને ગેસ સપ્લાય ચેઈન જોખમમાં મુકાઈ શકે છે. એટલે ઈસ્લામાબાદ માટે આ માત્ર સાઉદીને મદદ કરવાનો સવાલ નથી… પોતાનું સ્ટ્રેટેજિક બેલેન્સ બનાવી રાખવાનો પણ સવાલ છે. સાઉદીની તેલ પાઈપ લાઈન પર હુમલા આપણને એવું થાય કે આ બધુ થાય તો મારે શું લેવાદેવા? તો હવે સાંભળો, આ બધી જ ઘટનાઓના કારણે તેલ વેપાર પર ભારે ફટકો પડ્યો છે. સાઉદીની સૌથી મોટી લાઈફલાઈન ગણાતી 1200 કિલોમીટર લાંબી ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન પર 10 અને 11 સપ્ટેમ્બરે ડ્રોનથી હુમલા કરવામાં આવ્યા હતા. આ વાતની હજુ પુષ્ટિ નથી થઈ કે હુથીઓએ જ હુમલા કર્યા હતા. પણ સાઉદી અરેબિયાએ આ તેલ પાઈપલાઈનના હુમલાને ઈરાકી ડ્રોન સાથે જોડ્યો છે. આના કારણે રોજના 7 મિલિયન બેરલ તેલ સપપ્લાય કરવાની કેપેસિટીવાળી સિસ્ટમના પરખચ્ચા ઉડી ગયા છે. સાઉદી માથે તેલ ગાયબ થવાનો ખતરો બીજી બાજુ, EIA એટલે કે એનર્જી ઈન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશનનું કહેવું છે હોર્મુઝ સ્ટ્રેટનો ટ્રાફિક રોજના 21.6 મિલિયન બેરલથી ઘટીને 4.9 મિલયન બેરલ થયેલો છે. ઈન્ડસ્ટ્રિયલ સોર્સ પાસેથી રોયટર્સને ખબર પડી છે કે યાનબુ પોર્ટ પર ખાલી 5થી 7 દિવસ ચાલે એટલો જ સ્ટોક બચ્યો છે. આ બધા ડખાના કારણે હવે રોજનું અંદાજે 3.5થી 5 મિલિયન બેરલ સાઉદી તેલ ગાયબ થવાનો ખતરો ઉભો થયો છે. જેના કારણે સાઉદીથી જતા તેલ ટેન્કર્સને સાઉદીનું તેલ લઈને ક્યાંથી નીકળવું તેની મુંજવણ ઉભી થઈ ગઈ છે. આની ડોમીનો ઈફેક્ટ સમજો! જે ગ્લોબલ કન્ટેનર ભાડું પહેલા 1500 ડોલર આસપાસ હતું તે આજના સમયમાં ઉછળીને 4500 ડોલરને પાર પહોંચી ગયું છે. શાંઘાઈથી ન્યૂયોર્કના શિપિંગ ખર્ચા તો 7800 ડોલરને પાર પહોંચી ગા છે. આ મોંઘવારી ભારત સુધી આવશે તો તેની વસૂલી સરકાર આપણા જેવા સામાન્ય લોકો પાસેથી જ કરશે. અમેરિકા-બ્રિટન હુથી પર કેમ નથી ત્રાટકતા? હવે એક ઈન્ટ્રેસ્ટિંગ એંગલની પણ વાત કરીએ. આપણે સૌ જાણીએ છીએ કે રેડ સી જેને આપણે લાલ સમુદ્ર પણ કહીએ છીએ ત્યાં તો ઓલરેડી અમેરિકા અને બ્રિટન જેવા પાવરફુલ દેશોની નેવી તહેનાત છે. તો પછી એ લોકો આ હુથી વિદ્રોહીઓ પર હુમલા કેમ નથી કરતા? તો અહીંથી શરૂ થાય છે મોટો ખેલ. સાવ એવું નથી કે અમેરિકા અને બ્રિટને અગાઉ ક્યારેય ઈરાન કે તેના ગ્રુપ્સ પર એટેક નથી કર્યા. સાઉદીને બચાવવા અમેરિકા કેમ ન આવ્યું? આ બંને દેશો જાણે છે કે યમન પર હુમલો કરવો હોય તો ગ્રાઉન્ડથી કરવો પડે જેનો ખર્ચો વધારે છે. હુથીઓ પહાડી રસ્તાઓ પર ગુરિલ્લા ટેક્નિકથી એટેક કરે છે, એટલે ક્યાં કેવી રીતે હુમલો થાય એ કોઈને ખબર નથી પડતી અને ખબર પડે ત્યાં સુધીમાં તો એ લોકો ગાયબ થઈ જાય છે. ઉપરથી રિજનલ પોલિટિક્સનું ટેન્શન પર ઉભું છે. અને અહીં એક વાત મહત્વની છે. સાઉદી પોતે પણ ફરી એક ફુલ સ્કેલ ગ્રાઉન્ડ વોરમાં જવા ઇચ્છતું નથી. કારણ કે યમનની પહાડી ગ્રાઉન્ડ પર જમીની યુદ્ધ લાંબું ચાલી શકે અને ભારે જાનહાનિ થઈ શકે છે. એટલે સાઉદી હાલ એવા બીજા લાંબા યુદ્ધમાં ઉતરવા અંગે સાવચેત છે. અમેરિકા પણ ઈરાનના યુદ્ધમાં વ્યસ્ત હોવાથી યમનમાં સીધી ફૂલ સ્કેલ તંગદીલીથી દૂર રહેવા માગે છે. અમેરિકા અને બ્રિટન દરિયામાં પોતાના જહાજો બચાવવા માટે મથી રહ્યા છે. બીજા ભલે કૂટાઈ મરે પણ પહેલા આપણું ભલું થજોવાળી કામગીરી. એવામાં યમનની જમીન પર પોતાની સેના ઉતારીને હુથીઓને ભડાકે દેવાનો કાં તો તેમની પાસે સમય નથી અથવા કાં તો લાગે છે તેમની ઈચ્છા નથી. ઈસ્લામિક દેશોમાં વિશ્વ યુદ્ધના ભણકારા? આ ડરનું નામ છે ઈરાન. જો અમેરિકા સીધો હુમલો કરે તો આખું મિડલ ઈસ્ટ સળગી ઉઠે અને ઈસ્લામિક દેશો પૂરતું ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ શકે. બીજું કારણ છે આર્થિક. હુથીઓ રોજના જે સસ્તા ડ્રોન છોડી રહ્યા છે તેને તોડી પાડવા માટે અમેરિકા અને સાઉદી અરેબિયાએ પોતાના કરોડો રૂપિયાની મિસાઈલ્સ વાપરવી યોગ્ય નહીં લાગતી હોય. કારણ કે યુદ્ધ લાંબુ ચાલે અને શસ્ત્રોનો જથ્થો ખાલી થઈ જાય તો બીજી મગજમારી ઉભી થાય. આ બધાના કારણે સાઉદી અરેબિયાને સમજાઈ ગયું કે અમેરિકા જમીન પર લડવા નહીં અને અને તેના મોંઘા હથિયારો ફોડીને ડોલર ઉડાવાથી નુકસાન પોતાને જ છે. એટલે સાઉદીએ પોતાની નાકામી છૂપાવવા એક માસ્ટર સ્ટ્રોક રમ્યો. સાઉદી અરેબિયાએ પોતાનું બ્રહ્માસ્ત્ર ગણાતું ઈસ્લામિક કાર્ડ રમ્યું. ગઈકાલે 15 સપ્ટેમ્બરે સાઉદી અરેબિયાએ મક્કાની દક્ષિણ બાજુ એક હુતી ડ્રોન તોડી પાડ્યું હોવાના સમાચારો આવ્યા. સાઉદી પ્રવક્તા મેજર જનરલ તુરકી અલ-મલિકીએ કહ્યું કે, સાઉદી અરેબિયાએ ફેંક્યુ ઈસ્લામિક કાર્ડ આ ઘટનાનો સાઉદી અરેબિયાએ ભરપૂર ફાયદો ઉઠાવ્યો. તેણે દુનિયામાં મેસેજ વાયરલ કર્યો કે યમનના હુતિઓએ ઈસ્લામના સૌથી પવિત્ર સ્થાન મક્કાને નિશાન બનાવ્યું છે. આ કોઈ જેવો તેવો મેસેજ ન હતો, આ ખૂબ સમજી વિચારીને રમવામાં આવેલી રમત હતી. સાઉદી અરેબિયા ઈચ્છે છે કે મક્કા પર ખતરો બતાવીને બાકીના ઈસ્લામિક દેશોને બ્લેકમેલ કરે અને ઈરાનને વિલન તરીકે ઉભું કરે. એટલા માટે હવે સાઉદી અરેબિયા ઈસ્લામિક કાર્ડ રમીને મુસ્લીમ દેશો પાસેથી મદદ માગવા ઈમોશનલ દબાણ કરી રહ્યું છે. પોપ્યુલારિટી વધારવા હુથીઓનો હથકંડા પણ ડગ દે તો હુથી હોથી થોડી કહેવાય? તે પણ કાચા ખેલાડી ન નીકળ્યા. તેમણે મક્કા પર હુમલાની વાતને ફગાવી દીધી અને પોતાને વેસ્ટર્ન સામ્રાજ્ય સામે લડનાર ક્રાંતિકારીમાં ખપાવી દીધા. હુથીઓ પણ બરોબર જાણે છે કે અમેરિકા અને સાઉદી જેટલા હવાઈ હુમલા કરશે એટલી યમનની લોકલ પબ્લિકમાં હુથીઓની પોપ્યુલારિટી વધશે. ટૂંકમાં આ કોઈ સામાન્ય લશ્કરી ભીડંત નથી. જો થોડું પણ આમથી તેમ થઈ જાય તો પશ્ચિમ એશિયામાં ઈસ્લામિક યુદ્ધ ફાટી નીકળે તેવી પૂરી સંભાવના છે. અત્યાર સુધી એવી માન્યતા ચાલી આવી છે કે જેટલું મોટું ડિફેન્સ બજેટ એટલી એડવાન્સ સેના. પણ હુથીઓએ આ ભ્રમણાને ભાંગી નાખી છે. સાઉદીની સુરક્ષામાંથી અમેરિકાની છટકબારી આ નવું મિડલ ઈસ્ટ છે જ્યાં અમેરિકા રક્ષાના વાયદા કરીને છટકી જાય છે અને સાઉદી અરેબિયાને પોતાના દુશ્મન દેશ ઈઝરાયલ સાથે હાથ મિલાવવા પડે છે. જો આ સરહદી સંઘર્ષો મોટા થશે તો અસર આપણા ખિસ્સા સુધી પહોંચતા વાર નહીં લાગે. અને છેલ્લે.… આવું પહેલીવાર નથી કે હુથી વિદ્રોહીઓએ પવિત્ર ઈસ્લામિક મક્કા શહેરને નિશાને બનાવ્યું હોય. અગાઉ વર્ષ 2017માં પણ તેઓ આ કરી ચૂક્યા છે. ત્યારથી લઈને આજના દિવસ સુધીમાં નવ વર્ષ બાદ પહેલીવાર મક્કા શહેરમાં સિક્યોરિટી અલર્ટના ભણકારા સંભળાયા છે. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
મક્કા પર હુમલાનાં એલર્ટથી અંધાધૂંધી:હુથીઓએ સાઉદીમાં તરખાટ મચાવ્યો, પાકિસ્તાને હાથ અધ્ધર કર્યા, રાતા સમુદ્રની આગ પેટ્રોલ-ડીઝલને ભડકે બાળી શકે
📅 Published: September 16, 2026 |
📂 Category: International
