Surat : નાનપુરામાં વૃદ્ધાની હત્યાનો ખૌફનાક ખુલાસો, લૂંટના ઇરાદે ઘૂસેલી મહિલાએ સર્જ્યો કાંડ

📅 Published: September 16, 2026 | 📂 Category: Crime

સુરતના નાનપુરા વિસ્તારમાં એકલા રહેતા વૃદ્ધાની હત્યાના કેસમાં અઠવાલાઇન્સ પોલીસે મહિલા સહિત એક બાળ કિશોરને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મહિલા વૃદ્ધાનું ઘર જોવાના બહાને અંદર પ્રવેશી હતી અને ચોરી-લૂંટના ઇરાદે સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો.

કબાટ ખોલતાં વૃદ્ધાએ બૂમાબૂમ કરી

પોલીસના જણાવ્યા મુજબ, હત્યાના દિવસે આરોપી મહિલા અને બાળ કિશોર ઘરમાં પ્રવેશ્યા હતા. મહિલા કબાટ ખોલી રહી હતી ત્યારે એકલા રહેતા વૃદ્ધાએ બૂમાબૂમ કરી હતી. અચાનક બનેલી ઘટનાથી બંને આરોપીઓ ગભરાઈ ગયા હતા.

મહિલાએ માથામાં માર માર્યો, વાયરથી ગળું દબાવ્યું

આક્ષેપ મુજબ, વૃદ્ધાની બૂમાબૂમથી ગભરાયેલી મહિલાએ તેના માથામાં માર માર્યો હતો. ત્યારબાદ મોબાઈલ ચાર્જરના વાયરથી ગળું દબાવી વૃદ્ધાની હત્યા કરવામાં આવી હતી. આ દરમિયાન બાળ કિશોર પણ ગભરાઈ ગયો હતો અને આવું ન કરવા માટે મહિલાને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધી વૃદ્ધાનું મોત થઈ ગયું હતું.

લૂંટ કર્યા વિના બંને ફરાર

વૃદ્ધાનું મોત થતાં બંને આરોપીઓ લૂંટ કે ચોરી કર્યા વિના જ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે આશરે 300 જેટલા CCTV ફૂટેજ તપાસ્યા હતા અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી મહિલા તથા બાળ કિશોર સુધી પહોંચી ધરપકડ કરી હતી. હાલ પોલીસે બંનેની પૂછપરછ શરૂ કરી છે. હત્યામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં અને ઘટનાના સમગ્ર ક્રમ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.  

આ પણ વાંચો  :    Sandesh Digital Explainer : EPFમાં મોટો ફેરફાર, તમારી ટેક-હોમ સેલરીનું શું થશે? સમજો, નવું ગણિત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *