Valsad : સોલિડ વેસ્ટ પ્રોસેસ પ્લાન્ટ માટે ઓવાડામાં જમીન ફાળવણીનો હુકમ રદ કરવા માંગણી

📅 Published: September 16, 2026 | 📂 Category: Valsad

વલસાડ નગરપાલિકાને સોલિડ વેસ્ટ પ્રોસેસ પ્લાન્ટ માટે કલેક્ટર દ્વારા ઓવાડા ગામે સરકારી પડતર જમીન ફાળવવામાં આવી છે. જો કે, વશિયર ગામે પ્લાન્ટ બનાવવામાં આવે તેવી લેખિત રજૂઆત વિપક્ષના પૂર્વ નેતાએ વલસાડ પાલિકાના સી.ઓ., પ્રમુખ, કારોબારી અને સેનેટરી સમિતિના ચેરમેનોને કરી છે.

વલસાડ નગરપાલિકાના વિપક્ષના પૂર્વ નેતા ગિરીશભાઇ બી. દેસાઇએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, ઓવાડામાં ફાળવવામાં આવેલી જમીન વલસાડ શહેરથી અંદાજે 16થી વધુ કિ.મી. દૂર આવેલુ છે. જ્યારે વશિયર ખાતે આવેલી જમીન વલસાડની સીમાથી 1 કિ.મી. ઉપર છે. વશિયરની જમીન સરકાર હસ્તક લેવા માટે વારંવાર જરૂરી હુકમો થયા છે. જમીન સરકાર હસ્તક લઇ નગરપાલિકાને ફાળવવામાં આવે તો સરકારની નીતિ મુજબ નગરપાલિકાએ આ પ્લાન્ટ માટે કોઇ રકમ ભરવાની થતી નથી. ઓવાડા ગામની જમીન ઉપર સોલિડ વેસ્ટ પ્રોસેસ પ્લાન્ટ બનાવવા માટે રસ્તા વગેરે ઇન્ફ્રાસ્ટ્રકચરનો ખર્ચ અંદાજે 8થી 10 કરોડ થવાની સંભાવના છે. જ્યારે વશિયરમાં જમીનને લાગુ હાલમાં વિવાદી વાંકી નદી પરનો બ્રિજ જે 3.5 કરોડના ખર્ચે બનાવેલ છે, જે આ વિસ્તાર માટે બિનઉપયોગી છે અને ફક્ત સ.નં.51વાળી તથા તેને લાગુ અન્ય 315 અને 326 સ.નં. વગેરે જમીનો પૂરતો જ છે. અને વિવાદી છે, જે ખોટી રીતે બનાવતા તેની તપાસ કે કાયદાકીય કાર્યવાહી કરવા સાથે તેઓ સહમત છે. પરંતુ જે બ્રિજથી ઇન્ફ્રાસ્ટ્રકચર બન્યું છે, જે કાયમી હોય, નગરપાલિકાને અહીં સોલિડ વેસ્ટ પ્લાન્ટ માટે ઉપયોગી થઇ શકે છે. અહીં કોઇપમ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનો ખર્ચ કરવાની જરૂર નથી. વધુમાં, વશિયરમાં વેસ્ટ પ્રોસેસ પ્લાન્ટ બનાવવામાં આવે તો આજુબાજુ કોઇ વસતી નથી. આ સ્થળે વેસ્ટનો નિકાલ કરવા માટેનો વાહન વ્યવહારનો ખર્ચ પણ પાલિકાને ઓછો આવશે અને વધુ ઝડપથી વેસ્ટનો નિકાલ થઇ શકે છે. વશિયર ગામ તથા ઉપરોક્ત જમીન વલસાડના સીમાંકનને લાગુ છે. શહેરના સીમાંકનના 05 કિ.મી. લાગુ વિસ્તાર અર્બન એરિયામાં આવે છે. જેથી અર્બન એરિયાના વેસ્ટનો નિકાલ કરવો પણ સરળ થઇ શકે છે. ભવિષ્યમાં વલસાડ નગરપાલિકાનો વિસ્તાર વધવાની પૂરેપૂરી શક્યતા છે. એ સમયે વશિયર ગામ પણ નગરપાલિકામાં સામેલ થઇ શકે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *