પાંડેસરામાં થોડાક સમય પહેલાં જ નકલી ડોક્ટર્સના ભાંડા ફોડ વચ્ચે એસ.ઓ.જી.એ આરોગ્ય અધિકારીની ત્રણ ટીમને સાથે રાખી હાથ ધરેલા ઓપરેશનમાં ગોવાલક રોડ, બમરોલી રોડ, કૈલાસ ચોકડી વિસ્તારમાંથી આઠ બોગસ ડિગ્રીધારી ઊંટવૈદ્યોને ઝડપી 92,825 રૂપિયાની મતા કબજે કરી હતી. આરોપીઓને પકડવા પોલીસે ડમી પેશન્ટ્સની મદદ લીધી હતી.
સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના ડી.સી.પી. રાજદીપ નકુમે જણાવ્યું હતું કે, આજે સાગમટે ઓપરેશન નકલી હાથ ધરવામાં આવ્યું હતું. પાંડેસરા વિસ્તારમાં રહેતા ગરીબો ખાસ કરીને બાળકોની જિંદગી સાથે ડિગ્રી વિનાના શખ્સો ડૉક્ટર બની ચેડાં કરી રહ્યા છે. નવ આવા નકલી તબીબોની માહિતી પોલીસને મળી હતી. આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલને જાણ કરતાં તેમની ત્રણ ટીમો પોલીસ સાથે જોડાઇ હતી અને સાગમટે દરોડા પાડવામાં આવ્યા હતા. અહીંથી આઠ તબીબોને ઝડપી લઇ તેમની પાસેથી એલોપેથીમાં વપરાતી દવા અને ઇંજેક્શન સહિતનો 98,825 રૂપિયાની કિંમતનો જથ્થો કબજે લઇ તેમની વિરુદ્ધ ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
