અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મણિનગર સ્થિત શેઠ એલ.જી. મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલ ખાતે અદ્યતન પોસ્ટમોર્ટમ વિભાગ અને 18 કોલ્ડ સ્ટોરેજ યુનિટ ધરાવતી નવી મોટર્યુરીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવી સુવિધાથી પૂર્વ અમદાવાદના લાખો નાગરિકોને મેડિકો-લીગલ સેવાઓ માટે સિવિલ હોસ્પિટલ, અસારવા સુધી લાંબા ફેરામાંથી મુક્તિ મળશે. મહત્વનું છે કે મૃતદેહોને યોગ્ય તાપમાને સુરક્ષિત રાખવા માટે આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબના 18 યુનિટ સ્થાપિત કરાયા છે. તેમજ અકસ્માત કે આકસ્મિક મૃત્યુના કિસ્સામાં સ્થાનિક કક્ષાએ જ પીએમ થવાથી પોલીસ પ્રક્રિયા અને પરિવારજનોની દોડધામમાં ઘટાડો થશે. અને પીએમ રૂમમાં જ ફારેન્સિક મેડિસિન નિષ્ણાતો અને આધુનિક તબીબી સાધનો ઉપલબ્ધ કરાવાયા છે, જેથી કાયદાકીય રિપોર્ટ ઝડપથી તૈયાર થઈ શકશે. સાથે જ એલ.જી. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને ફારેન્સિક મેડિસિન અને ટોક્સિકોલોજી જેવા વિષયોમાં પ્રાયોગિક તાલીમ મેળવવામાં સરળતા રહેશે. સ્થાનિક નાગરિકો અને પોલીસ તંત્ર માટે આ સુવિધા રાહતરૂપ સાબિત થશે, જેનાથી દુઃખની ઘડીમાં સ્વજનોને મૃતદેહ સોંપવાની પ્રક્રિયા વધુ ઝડપી અને સુચારુ બનશે.
Ahmedabad : L.G.હોસ્પિટલમાં 18 કોલ્ડ સ્ટોરેજ યુનિટ ધરાવતો પોસ્ટમોર્ટમ વિભાગ તૈયાર કરાયો
📅 Published: September 16, 2026 |
📂 Category: Ahmedabad
