PM મોદીના જન્મદિવસે 1000 કરોડના હીરા સ્વરૂપ ગણેશજીની આરતી:કોહિનૂર કરતા પણ મોટા ડાયમંડમાં બિરાજમાન, સુરતના ઉદ્યોગપતિએ PM માટે પ્રાથના કરી અને એક ફોટો મોકલશે

📅 Published: September 17, 2026 | 📂 Category: gujarati-news

આજે PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં લોકો પોતપોતાની રીતે ઉજવણી કરી રહ્યા છે, ત્યારે સુરતના હીરાના ઉદ્યોગપતિ કનુ આસોદરિયાએ PM મોદીના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે 1000 કરોડ રૂપિયાના ખાસ ‘કરમ ગણેશા’ની મહાઆરતી કરી છે. PM મોદી ભારતનું નામ દુનિયામાં વધુ રોશન કરે તેવી કામના સાથે આ વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. આટલું જ નહીં, તેઓ આ 1000 કરોડના હીરા સ્વરૂપ ગણેશજીની તસ્વીર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા ભેટ તરીકે મોકલવાના છે, જેથી તેમને ભગવાન ગણેશના સીધા આશીર્વાદ પ્રાપ્ત થાય. આફ્રિકાના બેલ્જિયમમાંથી 2002માં રફ ડાયમંડ ખરીદ્યા હતા
સુરતના પીપલોદમાં રહેતા અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કનુભાઈ આસોદરિયા હીરાના વેપાર માટે દેશ-વિદેશમાંથી રફ ડાયમંડ મંગાવે છે. વર્ષ 2002ની આસપાસ તેઓ બેલ્જિયમ ગયા હતા અને ત્યાંથી રફ ડાયમંડનો મોટો જથ્થો ખરીદ્યો હતો. જ્યારે આ ડાયમંડ સુરત લાવવામાં આવ્યા, ત્યારે કનુભાઈના પિતાને સપનામાં ગણેશજી આવ્યા હતા. પિતાની સૂચનાથી જ્યારે ડાયમંડને ધ્યાનથી જોવામાં આવ્યું તો તેમાંથી એક અદભુત રફ ડાયમંડમાં ગણેશજીનું સ્પષ્ટ સ્વરૂપ દેખાયું હતું. ત્યારથી જ આ ડાયમંડની નિયમિત પૂજા કરવામાં આવે છે અને તેને શ્રદ્ધાનું કેન્દ્ર માનવામાં આવે છે. ‘કરમ ગણેશા’ ડાયમંડ કોહિનૂર હીરા કરતા પણ મોટો છે
આ હીરાને માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી યુનિક હીરાનો દરજ્જો પ્રાપ્ત થયો છે. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડે પણ આ હીરાની ખાસ નોંધ લીધી છે. આ ગણેશજીની મૂર્તિ સંપૂર્ણપણે રફ હીરાની બનેલી છે. આ ડાયમંડ 182.3 કેરેટનો છે અને તેનું વજન 36.5 ગ્રામ છે. નોંધનીય છે કે ભારતનો પ્રખ્યાત કોહિનૂર હીરો 105.6 કેરેટનો છે, જ્યારે આ ગણપતિની પ્રતિમા 182 કેરેટ અને 53 સેન્ટની છે. આમ, આ હીરાનો આકાર અને વજન કોહિનૂર કરતા પણ ઘણો મોટો છે. આ ડાયમંડની લંબાઈ અઢી ઈંચ અને પહોળાઈ સવા એક ઈંચ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાની કિંમત 1000 કરોડથી વધુ
હીરા વેપારીએ આ વિશેષ ડાયમંડનું નામ ‘કરમ ગણેશા’ રાખ્યું છે. ભલે આસ્થા અને શ્રદ્ધાની કોઈ કિંમત ના હોય, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં આ હીરાની કિંમત અંદાજે 1000 કરોડથી લઈને 2200 કરોડ રૂપિયા સુધી આંકવામાં આવે છે. કનુભાઈ પાસે એક નહીં પરંતુ આવા કુલ 3 ડાયમંડ છે, જેમાં ગણેશજીની પ્રતિકૃતિ જોવા મળે છે. જેમાં ધ્યાનસ્થ ડાયમંડ 26 કેરેટ 53 સેન્ટનો અને શુભમ ડાયમંડ 8 કેરેટ 3 સેન્ટનો છે. વિશ્વમાં એકસાથે આવા ત્રણ ડાયમંડ કુદરતી સ્વરૂપમાં મળવા તે એક ચમત્કાર સમાન માનવામાં આવે છે. ‘અમે PM સાહેબને એક શુભેચ્છા ભેટ મોકલવાના છીએ’
ઉદ્યોગપતિ કનુભાઈ આસોદરિયાએ જણાવ્યું હતું કે, અમે PM સાહેબને આ ખાસ ગણપતિના આશીર્વાદ તરીકે એક શુભેચ્છા ભેટ મોકલવાના છીએ. અમિતભાઈ શાહ સાહેબને તો અમે આ ભેટ આપી ચૂક્યા છીએ. PM મોદી સાહેબને અમારી રિક્વેસ્ટ છે કે આપ સુરતમાં ઘણી વખત આવો છો, તો એક વખત સમય કાઢીને અમારા આ કરમ ડાયમંડ ગણેશાના દર્શન કરો. આ દુનિયાની ખાસ વિશેષતા છે કે તે કોહિનૂર ડાયમંડ કરતા પણ મોટો છે. દેશની 30થી વધુ પ્રખ્યાત હસ્તીઓને વિશેષ ફોટોફ્રેમ મોકલાઈ છે
કનુભાઈ દર વર્ષે ગણેશ ચતુર્થીના પર્વ પર પોતાના નિવાસસ્થાને આ હીરા સ્વરૂપ ગણેશજીની વિશેષ સ્થાપના કરે છે અને પરિવાર સાથે તેની ભાવપૂર્વક પૂજા અર્ચના કરે છે, જ્યારે બાકીનું આખું વર્ષ આ કરોડોના હીરા અત્યંત સુરક્ષિત રીતે લોકરમાં રાખવામાં આવે છે. આ હીરાની સુરક્ષા પાછળ તેઓ મોટો ખર્ચ પણ કરે છે. તેઓએ આ ડાયમંડ ગણેશની પ્રતિમાની ફોટોફ્રેમ અત્યાર સુધીમાં બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, બાબા રામદેવ અને ગૃહમંત્રી અમિત શાહ સહિત દેશની 30 જેટલી પ્રખ્યાત હસ્તીઓને મોકલાવી છે. તેઓને આશા છે કે સરકાર પણ આ યુનિક હીરાની જાળવણી અને પ્રદર્શની માટે ભવિષ્યમાં ધ્યાન આપે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *