ચોમાસાની સિઝનમાં શહેરમાં અત્યારે રોગચાળો ફાટી નીકળ્યો છે. ઘેર ઘેર માંદગીના ખાટલા હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. અસારવા અને સોલા એમ બે સિવિલ હોસ્પિટલમાં એક જ સપ્તાહમાં ઓપીડીમાં 45797 દર્દીઓ સારવાર લેવા માટે દોડ્યા છે.જે પૈકી સિવિલમાં 30044 અને સોલામાં 15753 દર્દી નોંધાયા છે.એ જ રીતે ખાનગી હોસ્પિટલો-ક્લિનિકોમાં પણ દર્દીઓની ભારે ભીડ છે.
16 દિવસમાં નવા 420 દર્દીને સારવાર અપાઈ
સોલામાં સ્વાઈન ફ્લૂના એક સપ્તાહમાં 85 શંકાસ્પદ દર્દીને સારવાર અપાઈ છે.જે પૈકી 9 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે અસારવા સિવિલમાં સ્વાઈન ફ્લૂના બે સ્ટેબલ દર્દી છે જે પૈકી એકની ઓક્સિજન સહારે સારવાર ચાલી રહી છે.સિવિલમાં સપ્ટેમ્બરના 16 દિવસમાં ડેન્ગ્યુના 156 કેસ આવ્યા છે તો સોલામાં સપ્તાહમાં જ ડેન્ગ્યુના 552 શંકાસ્પદ દર્દીમાંથી 214 પોઝિટિવ એમ 370 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે.આમ મચ્છરજન્ય રોગની સાથે શરદી,ખાંસી, તાવના કેસોનો પણ રાફડો ફાટ્યો છે. સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોષીએ જણાવ્યું કે,ડેન્ગ્યુના ઓગસ્ટમાં 94 કેસ હતા,સપ્ટેમ્બરના 16 દિવસમાં 156 નવા કેસ આવ્યા છે.વાયરલ ફીવરના 700 દર્દી હતા,સપ્ટેમ્બરના 16 દિવસમાં નવા 420 દર્દીને સારવાર અપાઈ છે.
સોલામાં સપ્તાહમાં 1549 દર્દીને સારવાર અપાઈ
સિવિલના સૂત્રો કહે છે કે,ગત મહિને હિપેટાઈટિસના 194 કેસ, આ મહિને 73, સાદા મેલેરિયાના ઓગસ્ટમાં 43 જ્યારે છેલ્લા 16 દિવસમાં 20 કેસ,ઝેરી મેલેરિયાના 13 કેસ,અત્યારે 9 કેસ છે.ચિકન ગુનિયાના 10 કેસ હતા,આ મહિને નવા 17 કેસ આવ્યા છે.ટાઈફોઈડના દોઢ માસમાં 15 દર્દી છે.સોલા સિવિલમાં સ્વાઈન ફ્લૂના નવા 9 કેસ નોંધાયા છે.એક સપ્તાહમાં ડેન્ગ્યુના 552 શંકાસ્પદમાંથી 214 પોઝિટિવ,મેલેરિયાના 1321 શંકાસ્પદ કેસમાંથી 18 દર્દીઓના રિપોર્ટ કન્ફર્મ આવ્યા છે.ચિકન ગુનિયાના 16 શંકાસ્પદમાંથી એક પોઝિટિવ,ઝાડા ઉલટીને લગતા 14,વાયરલ હિપેટાઈટિસ-એના 1,વાયરલ હિપેટાઈટિસ ઈના 5 તેમજ ટાઈફોઈડના 4 દર્દીને સારવાર આપવામાં આવી છે.સોલામાં સપ્તાહમાં 1549 દર્દીને,અસારવા સિવિલમાં 2628 દર્દીને દાખલ કરીને સારવાર અપાઈ છે.
